09 December, 2025 02:39 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
આજકાલ સોશ્યલ મીડિયા પર ખરતા વાળને રોકવા અને હેરગ્રોથ વધારવા માટે હેર ગમીઝને ખૂબ પ્રમોટ કરવામાં આવે છે. વધારે કોઈ માથાકૂટ વગર ફક્ત દરરોજ એક હેર ગમી ખાઈને વાળને મજબૂત રાખવાનો રસ્તો લોકોને સરળ લાગે છે. ઉપરથી એ દેખાવમાં રંગબેરંગી અને ખાવામાં સ્વાદિષ્ટ લાગતાં હોવાથી હેર ગમીઝનો ઉપયોગ વધ્યો છે. જોકે ડર્મેટોલૉજિસ્ટનું કહેવું છે કે આ હેર ગમીઝ દરેક માટે સુરક્ષિત અને અસરકારક હોય એ જરૂરી નથી.
ગમીઝમાં સામાન્ય રીતે બાયોટિન, ઝિન્ક અને કેટલાંક અન્ય વિટામિન્સ અને મિનરલ્સ હોય છે. એવો દાવો કરાય છે કે આ હેર ગમીઝ વાળના મૂળને મજબૂત કરવાનું, ખરતા વાળને ઓછા કરવાનું અને નવા વાળ ઉગાડવાનું કામ કરે છે; પણ વાસ્તવમાં જો તમારા શરીરમાં વિટામિન કે મિનરલની કમી ન હોય તો એક્સ્ટ્રા સપ્લિમેન્ટ્સથી કોઈ ફરક પડતો નથી. ઘણી વાર અનિયંત્રિત અને નિયમિતરૂપથી ગમીઝ લેવાથી એની અવળી અસર પણ થઈ શકે છે.
વધુપડતું બાયોટિન લેવાથી બ્લડ-ટેસ્ટનો રિપોર્ટ ખોટો આવી શકે છે. હાર્ટ અને થાઇરૉઇડ સંબંધિત બીમારીનું ખોટું નિદાન થઈ શકે છે. કેટલાંક ગમીઝમાં વધુપડતી શુગર, આર્ટિફિશ્યલ કલર અને પ્રિઝર્વેટિવ્સ હોય છે. એને નિયમિત રૂપથી લેવાથી વજન વધવું, ઍક્ને, ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ જેવું સ્વાસ્થ્ય સંબંધિત જોખમ વધી શકે છે. સેન્સિટિવ સ્ટમકવાળા લોકોને ગમીઝ ખાવાથી ઊબકા આવવા, પેટ ફૂલવું, અતિસારની સમસ્યા થઈ શકે છે. લાંબા સમય સુધી વધુપડતાં સપ્લિમેન્ટ્સ લેવાથી કિડની અને લિવર પર બોજો પણ પડી શકે છે.
સ્વસ્થ વાળ માટે આવાં ગમીઝ પર નિર્ભર રહેવાને બદલે હેલ્ધી અને બૅલૅન્સ્ડ ડાયટ પર ધ્યાન આપવું જોઈએ. એ માટે પ્રોટીનથી ભરપૂર ખોરાક ખાવા પર ધ્યાન આપવું જોઈએ જે વાળ માટે સૌથી જરૂરી બિલ્ડિંગ બ્લૉક હોય છે. પોતાના આહારમાં પનીર, યોગર્ટ, તોફૂ, વિવિધ પ્રકારની દાળ, કીન્વા, ઓટ્સ વગેરેનો સમાવેશ કરવો જોઈએ. ઓમેગા-થ્રી ફૅટી ઍસિડ્સથી ભરપૂર અખરોટ, ચિયા સીડ્સ, ફ્લેક્સ સીડ્સ ખાવાં જોઈએ જે સ્કૅલ્પને હેલ્ધી રાખવામાં, વાળને મજબૂત બનાવવામાં અને એમાં કુદરતી ચમક લાવવામાં મદદ કરે છે. ખરતા વાળને રોકવા માટે આયર્નથી ભરપૂર પાલક, ખજૂર, કિસમિસ ખાવાં જોઈએ. બાયોટિન માટે શક્કરિયાં, મશરૂમ, અવાકાડો, બદામ ખાવાં જોઈએ.
એ સિવાય પર્યાપ્ત પ્રમાણમાં પાણી પીવું, પૂરતી ઊંઘ લેવી, તનાવને ઓછો કરવો જોઈએ. આ બધી વસ્તુની પણ વાળને હેલ્ધી રાખવામાં મહત્ત્વની ભૂમિકા હોય છે. આટલું કર્યા પછી પણ જો વાળ ખરવાનું ચાલુ જ હોય તો ડર્મેટોલૉજિસ્ટ પાસે જઈને ચેક કરાવો જેથી ખબર પડે કે વાળ ખરવાનું કારણ પોષણની કમી છે કે કોઈ અન્ય મેડિકલ કારણ છે.