હૅન્ડપ્રિન્ટ ઇન ટ્રેન્ડ

10 March, 2022 03:38 PM IST  |  Mumbai | Varsha Chitaliya

લગ્નપ્રસંગના અટાયરમાં એક્સપરિમેન્ટની શોખીન મહિલાઓ માટે હૅન્ડ પ્રિન્ટેડ સાડી અ handprint is in trend ને લેહંગા પર્ફેક્ટ ચૉઇસ છે. વિધિ દરમિયાન માઇથોલૉજિકલ એપિસોડ દર્શાવતી તેમ જ સાંજની પાર્ટીમાં ગોલ્ડન સીક્વન્સવાળી સાડી એલિગન્ટ લાગે છે

હૅન્ડપ્રિન્ટ ઇન ટ્રેન્ડ

સાઉથની ઍક્ટ્રેસ સમન્થા રુથ પ્રભુ ફૅશનિસ્ટા છે. એનાં સ્ટાઇલ સ્ટેટમેન્ટ જોઈને કોઈ પણ મહિલા મંત્રમુગ્ધ થઈ જાય. અભિનેત્રી જે પહેરે એ ટ્રેન્ડ બની જાય છે. હાલમાં એક ઓકેઝનમાં તેણે પહેરેલી અંદાજે સવા લાખ રૂપિયાની કિંમતની હૅન્ડવુવન ઑર્ગેન્ઝા સિલ્ક સાડી વિથ ઍબ્રોઇડર્ડ હૅન્ડ પેઇન્ટેડ બ્લાઉઝ ખૂબ વાઇરલ થઈ છે. અત્યારે લગ્નની સીઝન ચાલી રહી છે તેથી સોશ્યલ મીડિયા પર વેડિંગ અટેન્ડ કરતા લોકોના ફોટો દરરોજ જોવા મળે છે. લગ્ન માણવા ગયેલી સમન્થાની જેમ મહિલાઓએ સાડી અને બ્લાઉઝમાં કેવા એક્સપરિમેન્ટ કર્યા એની પણ ખાસ્સી ચર્ચા થતી હોય છે. વેડિંગમાં બ્રાઇડ અને ગ્રૂમના ડ્રેસઅપ ઉપરાંત જાનૈયાઓનો ગેટઅપ પણ હટકે હોવો જોઈએ. એમાંય મહિલાઓના અટાયરને બિલકુલ નજરઅંદાજ ન કરી શકાય. વળી આજકાલ તો જૂની ફૅશન નવા અવતાર સાથે માર્કેટમાં આવી ગઈ છે. હૅન્ડમેડ સાડી દરેક ઉંમરની મહિલાઓને આકર્ષે છે. તમે પણ લગ્ન માણવાની તૈયારી કરી રહ્યા હો તો ફૅશન ડિઝાઇનરે શૅર કરેલા આઇડિયામાંથી પસંદ કરી ગૉર્જિયસ લુક સાથે લગ્નમાં મહાલો.
હાલમાં ટ્રેન્ડ શું છે?
ગયા વર્ષે અભિનેત્રી પદ્મિની કોલ્હાપુરેના દીકરા પ્રિયંકનાં લગ્નમાં પહેરવા માટે પદ્મિની તેમ જ શ્રદ્ધા કપૂર માટે આઉટફિટ્સ ડિઝાઇન અને સ્ટિચ કરનારાં ક્રિશવી બ્રૅન્ડનાં ડિઝાઇનર અનીતા પટેલે આ વર્ષની વેડિંગ સીઝનમાં પણ નવા એક્સપરિમેન્ટ્સ કર્યા છે. સાડી અને લેહંગા વિના લગ્નપ્રસંગ અધૂરા છે એવી વાત કરતાં અનીતા કહે છે, ‘બનારસી સાડી, પટોળાં અને બાંધણી એવરગ્રીન છે. જોકે આ વર્ષે હૅન્ડપ્રિન્ટેડ સાડી છવાઈ ગઈ છે. એમાં એમ્બ્રૉઇડરી વર્ક ટૉપ પર છે. ઑર્ગેન્ઝા, ચંદેરી અને સિલ્ક ફૅબ્રિક પર આંગળી, વૃક્ષની ડાળખી અને પેઇન્ટ બ્રશથી ડ્રૉ કરેલી વિવિધ ડિઝાઇન રૉયલ લુક આપે છે. અનેક જાણીતા ડિઝાઇનરો હૅન્ડ પ્રિન્ટેડ વર્કને સ્ટેટમેન્ટ અટાયરની કૅટેગરીમાં રજૂ કરી રહ્યા છે. હૅન્ડવર્ક કરેલી સાડી સાથે મોતી, કરદાના અને ક્રિસ્ટલનું કામ કરેલું હોય એવાં બ્લાઉઝ એલિગન્ટ લાગશે.’
સમન્થાએ કોઈ અવૉર્ડ ફંક્શનમાં આ સાડી પહેરી હતી. હાલમાં વેડિંગ સીઝન ચાલે છે તેથી એની સ્ટાઇલને મહિલાઓ ફૉલો કરી રહી છે એની વાત કરતાં કાંદિવલીનાં ફૅશન ડિઝાઇનર ઉન્નતિ ગાંધી કહે છે, ‘હૅન્ડમેડ સાડીમાં પીટા વર્ક, બીડ્સ વર્ક, હૅન્ડ પેઇન્ટિંગ અને કલમકારી ઇન ટ્રેન્ડ છે. સમન્થાએ કલમકારી સાડી પહેરી છે. વાસ્તવમાં આ ભારતની પરંપરાગત કળા જ છે જેને આપણે અવગણી રહ્યા હતા. સેલિબ્રિટીઝ અને ઇન્ફ્લુઅન્સરના કારણે કૉમન મહિલાઓ સુધી ભુલાયેલી કળા ફરી પહોંચી છે. પે​ઇન્ટિંગમાં વારલી, મધુબની આર્ટ પૉપ્યુલર છે. લગ્નની મુખ્ય વિધિ દરમિયાન રામાયણના અમુક એપિસોડનાં ચિત્રોવાળી સાડી ટ્રેડિશનલ લુક આપે છે. માઇથોલૉજિકલ અને ફોક ડાન્સ સંબંધિત ડિઝાઇન અત્યારે બહુ ચાલે છે. રિસેપ્શનમાં ગોલ્ડન સીક્વન્સ સાડી ઑલટાઇમ ફેવરિટ છે. મેંદી અને હલ્દીમાં પહેરવાના અટાયરમાં મહિલાઓ નેચર પેઇન્ટિંગ વધુ પસંદ કરે છે. ફૅબ્રિકમાં કૉટન હવે આઉટડેટેડ છે. લેટેસ્ટમાં સૉફ્ટ ઑર્ગેન્ઝા ચલણમાં છે. હૅન્ડમેડ સાડી સાથે પહેરવાનાં બ્લાઉઝ વર્કલોડેડ ન હોવાં જોઈએ. બ્લાઉઝનું વર્ક સિમ્પલ હશે તો જ સાડીની ડિઝાઇન ઊઠીને આવશે. હૅન્ડમેડ અટાયરમાં એજ બાઉન્ડ નથી, જેમને એક્સ્પીરિયન્સ કરવા ગમે છે તેઓ પહેરે જ છે.’
ઇન્ડો-વેસ્ટર્ન આર્ટવર્ક
યંગ ગર્લ્સ અને મિડલ એજની મહિલાઓ લગ્નપ્રસંગોમાં હૅન્ડ પ્રિન્ટેડ કુરતા અને લેહંગા પહેરવાનું પ્રિફર કરે છે એવી માહિતી આપતાં અનીતા કહે છે, ‘ઇન્ડો-વેસ્ટર્ન સ્ટાઇલના અટાયરમાં સરસ મજાની કારીગરી થઈ શકે છે. લેહંગા-ચોલીમાં મધુબની અને કલમકારી પૉપ્યુલર છે. વેસ્ટર્ન એમ્બ્રૉઇડરી અને ફ્લાવર પેઇન્ટિંગ પણ કરી શકાય. વેસ્ટર્ન સ્ટાઇલ એમ્બ્રૉઇડરીમાં કરદાના, ઝરદોશી અને મોતીનું કૉમ્બિનેશન હોય છે. વેડિંગમાં ગોલ્ડન કલર સદાબહાર છે. જોકે આજકાલ સાડી ફૅશનમાં હોવાથી ઘણી યંગ ગર્લ્સ વેલ્વેટ અને પેઇન્ટિંગ કરેલાં ડિઝાઇનર બ્લાઉઝ સાથે એક્સપરિમેન્ટ કરે છે. યુવતીઓ માટે ડ્રેપિંગ સાડી સાથે એમ્બ્રૉઇડરી બેલ્ટ પર્ફેક્ટ ચૉઇસ છે. પેઇન્ટિંગ કરેલા અટાયર પહેરીને લગ્નમાં જાઓ અને ચાર મહિલા પૂછપરછ કરે ત્યારે તમારી ગણના સ્ટાઇલ આઇકનમાં થાય છે. વાસ્તવમાં હૅન્ડ પેઇન્ટેડ અટાયર જસ્ટ સ્ટાર્ટ થયા છે. આ ટ્રેન્ડ આવતી સીઝનમાં પણ બરકરાર રહેશે.’
હાથવણાટનું કામ
મશીન વર્ક અને હાથવણાટનાં વસ્ત્રોનો ગેટઅપ તદ્દન જુદો હોય છે. તમે સ્ટાઇલ આઇકન દેખાઓ એનું શ્રેય કારીગરો તેમ જ આપણી હજારો વર્ષ જૂની વારસાગત કળાને આપવો પડે. કળા ભારતની ઓળખ છે એવી વાત કરતાં ઉન્નતિ કહે છે, ‘હાથવણાટનું કામ સફાઈથી થવું જોઈએ. અગાઉ આપણે ફૅબ્રિકને હાથ ઉપર રાખીને મોતીનું કામ કરતા હતા. આજકાલ લેહંગા અને સાડીનો ઘેરાવો વધુ હોય છે. સાત મીટરના કાપડમાં સાત ઇંચનું કામ કરવા ફૅબ્રિકને કાથાના ખાટલા પર પાથરવામાં આવે છે. આ ટેક્નિકથી કામ ઝડપથી પૂરું થાય છે અને ફિનિશિંગ સારું આવે છે. પીટા વર્કમાં સોનેરી તારને પીટી-પીટીને ડિઝાઇન પાડવામાં આવે છે. કલમકારી વર્ક ત્રણ હજાર વર્ષ જૂની કળા છે. નામ પ્રમાણે વૃક્ષની ડાળને કલમ કરી ઑર્ગેનિક કલર્સમાં બોળીને પેઇન્ટ કરવામાં છે. ઘણી મહિલાઓને પ્રશ્ન થાય છે કે મશીન વર્ક અને હૅન્ડમેડને અલગ કઈ રીતે તારવી શકાય? મશીન વર્કમાં આખા અટાયરમાં એકસરખું વર્ક જોવા મળશે. હૅન્ડમેડમાં દરેક જગ્યાએ વર્કમાં થોડો ફરક દેખાશે તેમ જ ડિઝાઇન જરાક ઊપસેલી હોય એવું ફીલ થશે. હ્યુમન ટચની આ ખાસિયત છે. લગ્નપ્રસંગોમાં પહેરવાની સાડી અને બીજા અટાયરમાં હૅન્ડમેડ આર્ટવર્કનો ટ્રેન્ડ વધતાં કારીગરોને પણ કામ મળવા લાગ્યું છે. આ કસ્ટમાઇઝ્ડ પીસ હોવાથી તૈયાર થતાં સમય લાગે છે. ટાઇમ બાઉન્ડને નજરમાં રાખી ઑર્ડર કરવું જોઈએ. પટોળામાં હાથવણાટનું કામ કરવા અંદાજે છ મહિનાનો સમય જોઈએ. સાડી અને લેહંગામાં પેઇન્ટિંગ કરવા એક મહિનો આપવો પડે.’

fashion news fashion columnists Varsha Chitaliya