અપસાઇક્લિંગ ફૅશન કા હૈ યે જલવા...

02 January, 2024 08:20 AM IST  |  Mumbai | Heena Patel

પહેલાંના જમાનામાં મમ્મી જૂની સાડીમાંથી દીકરી માટે ફ્રૉક બનાવી દેતી કે પછી એમાંથી ઓશીકાનાં કવર, ગોદડાં સીવી દેતી. આને કરકસર કહેવાતી, પણ હવે આ કૉન્શિયસ લિવિંગનો ભાગ છે. પૃથ્વી પર ઓછામાં ઓછો વેસ્ટેજ પેદા થાય એ માટે કપડાંને રીયુઝ કરવા..

મુદિતા પટેલ

પહેલાંના જમાનામાં મમ્મી જૂની સાડીમાંથી દીકરી માટે ફ્રૉક બનાવી દેતી કે પછી એમાંથી ઓશીકાનાં કવર, ગોદડાં સીવી દેતી. આને કરકસર કહેવાતી, પણ હવે આ કૉન્શિયસ લિવિંગનો ભાગ છે. પૃથ્વી પર ઓછામાં ઓછો વેસ્ટેજ પેદા થાય એ માટે કપડાંને રીયુઝ કરવા અેને રિસાઇકલ કરીને વાપરવાની ફૅશને કમબૅક કર્યું છે ત્યારે પ્રેરણા લઈએ ક્રીએટિવિટીની કમાલ કરતી મહિલાઓ પાસેથી

આજકાલ સસ્ટેનેબલ ફૅશન ઇન થિંગ છે. બૉલીવુડની સેલિબ્રિટીથી લઇને ન્યુ એજ બ્રાઇડ્સ સુધી બધા જ સસ્ટેનેબલ ફૅશનને પ્રમોટ કરે છે. ઓલ્ડ ક્લોથને ફેંકી દેવા કરતાં એને રીડિઝાઇન કરીને રીયુઝ કરવાનું આજની મહિલાઓ પ્રિફર કરે છે. અપસાઇક્લિંગ સસ્ટેનેબિલિટીને પ્રમોટ કરવાનો બેસ્ટ વે છે. અપસાઇકલ્ડ આઉટફિટ યુઝ કરીને તમે વેસ્ટને રિડ્યુસ કરી નૅચરલ રિસોર્સિસ તો સેવ કરી જ રહ્યા છો, પણ સાથે-સાથે તમે તમારા પૈસા પણ બચાવી રહ્યા છે. દેશમાં કેટલીક એવી ફૅશન બ્રૅન્ડ્સ છે, જેઓ ફક્તને ફક્ત અપસાઇક્લિંગ પર ફોકસ કરે છે. એ સિવાય લોકો પર્સનલ લેવલ પર પણ ઘરે અપસાઇક્લિંગ કરે છે અથવા તો પોતાના ફૅશન-ડિઝાઇનર પાસે જઇને કરાવે છે. અપસાઇકલ કરેલા ક્લોથ રેગ્યુલર બેઝિસ પર પહેરવાનું તો પ્રિફર કરાય છે પણ લોકો પાર્ટી, ફેસ્ટિવલથી લઇને વેડિંગ જેવા મોટા ઓકેઝન પર પણ પહેરી રહ્યા છે.

ઍમ્બ્રોઇડરીવાળા  કવરમાંથી જૅકેટ અને વિન્ટેજ વર્કવાળા લેહંગામાંથી કળીવાળો આ‌ઉટફિટ - મુદિતા પટેલ

સાડીમાંથી ડિફરન્ટ ડિઝાઇનના આઉટફિટ તો હું બનાવું જ છું, પણ એક ફૅશન-ડિઝાઇનરની જર્નીમાં મેં ઘણા એક્સપરિમેન્ટ કર્યા છે અને એમાંથી મારા પોતાના માટે અને મારા ક્લાયન્ટ્સ માટે ડિઝાઇનર આઉટફિટ રેડી કર્યા છે એમ જણાવતાં મુદિતા પટેલ કહે છે, ‘મેં મારા ક્લાયન્ટ માટે એમ્બ્રૉઇડરી વર્કવાળા જૂના કુશન કવરમાંથી પૅચવર્ક જૅકેટ રેડી કર્યું હતું. એમાં જે લેસ હતી એ પણ અમારી પાસે જે વધારાની પડી હતી એ જ યુઝ કરી હતી. મેં ગયા વર્ષે નવરાત્રિમાં મારી માટે એક સિલ્કનો ઘાઘરો બનાવ્યો હતો. એમાં નીચે ખાસ્સો એવો ઘેર હતો. આ ઘેર મેં બ્રૉકેડનાં જે વેસ્ટ ફૅબ્રિક હતાં એનો યુઝ કરીને રેડી કર્યો હતો. એ સિવાય મેં રીસેલર પાસેથી વિન્ટેજ વર્કવાળો જૂનો ઘાઘરો ખરીદીને એને ફરીથી રીકન્સ્ટ્રક્ટ કર્યો હતો. જૂના કળીવાળા ત્રણ-સાડાત્રણ મીટરના ઘેરવાળા ઘાઘરાને મેં દસ મીટર જેટલા ઘેરનો કર્યો હતો. એ સિવાય મેં મારી ઑર્ગેન્ઝા સાડીને નવો એલિગન્ટ લુક આપવા માટે ૪૦ વર્ષ જૂની સાડીનો પલ્લુ અને બૉર્ડરનો ઉપયોગ કર્યો હતો.’

સાડી માંથી તો ઇન્ડિયન કે વેસ્ટર્ન કંઈ પણ અટ્રૅક્ટિવ આઉટફિટ બને - કવિતા સંઘવી

ઘરમાં સાડી તો ઘણી છે પણ પહેરી શકાતી નથી એ આજકાલ ઘર-ઘરની કહાની બની ગઈ છે. એટલે પછી એક ફૅશન-ડિઝાઇનર હોવાના નાતે અમે ક્લાયન્ટની લાઇફસ્ટાઇલ કેવી છે એ જાણીને એના હિસાબે સાડીમાંથી આઉટફિટ રેડી કરીને આપીએ છીએ એમ જણાવતાં કવિતા સંઘવી કહે છે, ‘જેમ કે જો કોઇ વર્કિંગ વુમન હોય તો અમે તેને સિલ્કની સાડીમાંથી કુરતી-પૅન્ટ બનાવી આપીએ. હવે એવું તો નથી કે બધા પાસે કાર હોય. મોટા ભાગના લોકોને પબ્લિક ટ્રાન્સપોર્ટમાં ટ્રાવેલ કરીને જ ઑફિસ પહોંચવાનું હોય છે. એવા સમયે સાડી પહેરવાનું ન ફાવે. એટલે પછી એક-બે ઓકેઝન પર જ સાડી પહેરવાનું શક્ય બને. એ પછી તો એ એમનેમ જ પડી રહે. એટલે જો એ સાડીનાં કુરતી-પૅન્ટ બનાવેલાં હોય તો મહિલાઓ એને વારંવાર કમ્ફર્ટેબલી પહેરી શકે. ઘણી કૉલેજ ગોઇંગ ગર્લ્સ સાડીમાંથી વન-પીસ બનાવડાવી લેતી હોય છે. હૉલિડે પર જવાનું હોય તો તેઓ શિફોન સ્કર્ટ બનાવડાવે. લોકો અમારી પાસે સાડી લઈને આવે ત્યારે એની ડિઝાઇનના હિસાબે અમે તેમને સજેસ્ટ કરીએ કે આમાંથી કયા આઉટફિટ રેડી કરીએ તો સારા લાગશે. ઘણી વાર ઑર્ગેન્ઝા સાડીમાંથી નાનાં બાળકોના ફ્રૉક ને એવું પણ લોકો રેડી કરાવે છે. મોટા ભાગે લોકો સાડીમાંથી જ નવા આઉટફિટ બનાવડાવે છે, કારણ કે તમે ગમે તેટલી મોંઘી સાડી લીધી હોય પણ એને પહેરવાનું ખૂબ ઓછી વાર શક્ય બને. એટલે જો બે-ત્રણ વાર એને પહેર્યા બાદ એમાંથી એક નવો કમ્ફર્ટેબલ ડ્રેસ રેડી કરાવી લઈએ તો સાડીની યુઝેબિલિટી વધી જાય.’

બ્રાઇડલ ગાઉનને રીડિઝાઇન કરી ઑલ ઓકેઝનમાં પહેરાય એવા બનાવ્યા- જેસલ વોરા
હું મેઇનલી એથ્નિક અને બ્રાઇડલ આઉટફિટ જ રેડી કરું છું એમ જણાવતાં ફૅશન-ડિઝાઇનર જેસલ વોરા કહે છે, ‘એક સમય હતો જ્યારે લગ્નની હેવી સાડી હોય એ વર્ષો સુધી પટારામાં પડી રહે. એનો યુઝ પછી થાય જ નહીં. હવે એવું રહ્યું નથી. આજની ન્યુ એજ બ્રાઇડ અપસાઇક્લિંગમાં માને છે. એટલે જે તેઓ તેમની મમ્મીની ૨૫-૩૦ વર્ષ જૂની હેવી સાડી લઈને અમારી પાસે આવે છે અને અમે તેમને એમાંથી લેહંગા-ચોલી કે ગાઉન રેડી કરીને આપીએ છીએ. એ પછી તેઓ મેંદી, હલ્દી કે સંગીતમાં પહેરે છે. ઘણી વાર એવું પણ બને કે લોકો તેમના બ્રાઇડલ આઉટફિટ લઈને અમારી પાસે આવે એમાંથી અમે ન્યુ ડ્રેસ રેડી કરીને આપીએ જેથી તેઓ એને બીજા ઓકેઝન પર ઈઝીલી પહેરી શકે. જેમ કે એક બ્રાઇડ બે વર્ષ બાદ જ્યારે મા બનવાની હતી ત્યારે તે અમારી પાસે તેનો વેડિંગ વખતનો ગાઉન લઈને આવી હતી. અમે એમાંથી લેહંગા-ચોલી તૈયાર કરીને આપેલાં. સાથે બીજું એક લૉન્ગ બ્લાઉઝ પણ સીવીને આપેલું જેથી તે તેનું પેટ છુપાવી શકે. બંને ટૉપ એક જ લેહંગા પર સૂટ થઈ જાય એવાં બનાવેલાં. બ્રાઇડ્સ પાસે  ત્રણ-ચાર લાખના મોંઘા આઉટફિટ હોય, એને રીડિઝાઇન કરીને એને બીજા પ્રસંગોમાં પહેરી શકાય એવા બનાવીએ છીએ. આ સસ્ટેનેબલ ફૅશન પર અમે છેલ્લાં ૧૦-૧૫ વર્ષથી કામ કરી રહ્યા છીએ. અત્યારે આ બધી વસ્તુ ટ્રેન્ડમાં છે, કારણ કે લોકો સેલિબ્રિટીઝને ફૉલો કરીને તેમનાથી ઇન્સ્પાયર થઈ રહ્યા છે.’

columnists fashion news fashion life and style