ચહેરાને નિખારવા ઘરે જ બનાવો લેપ

21 April, 2025 04:48 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મહિલાઓ હંમેશાં તેમના ચહેરાની સુંદરતા જાળવી રાખવા માટે જાત-જાતના નુસખાઓ અજમાવતી હોય છે ત્યારે એક નૅચરલ નુસખો પણ જાણી લો

પ્રતીકાત્મક તસવીર

આજકાલ નૅચરલ સ્કિનકૅર પ્રોડક્ટ્સનો ઉપયોગ કરવાનો ટ્રેન્ડ વધી રહ્યો છે. કેમિકલવાળી પ્રોડક્ટ્સની સાઇડ-ઇફેક્ટ્સને લઈને લોકોમાં જાગરૂકતા આવી રહી છે. આપણા આયુર્વેદમાં ચહેરાની સુંદરતા વધારવા માટેના અનેક લેપનો ઉલ્લેખ છે. આપણે ઘરના રસોડામાં મળતી સામગ્રીનો ઉપયોગ કરીને સરળતાથી એ બનાવી શકીએ છીએ. હજી હાલમાં જ સોશ્યલ મીડિયા પર એક ઇન્ફ્લુએન્સરે એક લેપની રેસિપી શૅર કરી હતી. એને લોકોએ ઘણી પસંદ પણ કરી છે. જો તમને કેમિકલવાળા ફેસવૉશને બદલે કુદરતી સામગ્રીનો ઉપયોગ કરીને ચહેરાની સુંદરતા જાળવવી હોય તો આ નુસખો અજમાવી શકો.

આ છે લેપ બનાવવાની રીત

સામગ્રી : બે ટેબલસ્પૂન મસૂરની દાળ, બે ટેબલસ્પૂન ચોખા, એક ચમચી હળદર, એક ચમચી સાકર, એક ચમચી મુલતાની માટી, એક નાનો ટુકડો ફટકડી, એક ચમચી મુલેઠી

રીત : સૌથી પહેલાં તમે બરાબર માત્રામાં મસૂરની દાળ, ચોખા અને હળદર લો અને એને ધીમા તાપે શેકી નાખો. આ સામગ્રી ઠંડી પડે એટલે એને મિક્સર ગ્રાઇન્ડરમાં ટ્રાન્સફર કરો અને સાથે સાકર, મુલતાની માટી, ફટકડી અને મુલેઠી પાઉડર નાખીને બધી સામગ્રીને એકસાથે પીસી નાખો.

લેપ લગાવવાના ફાયદા?

ચહેરા પર આ લેપ લગાવવાથી એ એક પ્રાકૃતિક સ્કિન સ્ક્રબરની જેમ કામ કરે છે, જેનાથી ડેડ સ્કિન હટી જાય છે.

આ પૅક ચહેરા પરના ડાઘ દૂર કરીને ત્વચાનો નિખાર વધારે છે.

નિયમિત આનાથી ચહેરો ધોવાથી સ્કિન ટાઇટ થાય છે અને ચહેરા પરની કરચલીઓ ઓછી થાય છે. 

આ લેપ ચહેરાને મૉઇશ્ચરાઇઝ્ડ રાખે છે.

ચહેરા પર ઍક્ને, પિંપલ્સની સમસ્યા હોય તો પણ આ લેપ લગાવવાથી ફાયદો થાય છે.

ધ્યાન રાખો

આ લેપ બનાવવામાં કુદરતી સામગ્રીનો ઉપયોગ થયો છે એટલે એની એવી કોઈ આડઅસર થતી નથી. એમ છતાં તમારી સ્કિન સેન્સિટિવ હોય કે ત્વચા સંબંધિત કોઈ સમસ્યા હોય તો એક વાર તમારા ડર્મેટોલૉજિસ્ટની સલાહ લઈ શકો.

fashion news beauty tips fashion health tips life and style columnists