30 June, 2026 03:25 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
લાઇલેક
રંગોની દુનિયામાં પર્પલ રંગનું વિશિષ્ટ સ્થાન છે. સાઇકોલૉજીની દૃષ્ટિએ આ રંગ લાલ રંગની ઊર્જા અને બ્લુ રંગની શાંતિના મિશ્રણથી બને છે. ઇન્ટીરિયર ડિઝાઇનમાં પર્પલ રંગનો ઉપયોગ આકર્ષક લુક આપી શકે છે. આ રંગનો ઉપયોગ કરતી વખતે એના શેડ્સ અને લાઇટિંગનું યોગ્ય સંતુલન જાળવવું જરૂરી છે. હોમ ઇન્ટીરિયરમાં પર્પલના વિવિધ શેડ્સનો સ્માર્ટ યુઝ કેવી રીતે કરવો એની ગાઇડ આ રહી.
વર્ક ફ્રૉમ હોમના આજના સમયમાં હોમ ઑફિસનું વાતાવરણ એવું હોવું જોઈએ જે તનાવમુક્ત રાખે અને એકાગ્રતા વધારે. આ માટે લીલાકનો થોડો ડસ્ટી શેડ આઇડિયલ માનવામાં આવે છે. સ્ટડીરૂમમાં લાઇલેક શેડ સાથે ચારકૉલ ગ્રે ફર્નિચર અથવા ઍક્સેન્ટ્સનો ઉપયોગ કરો. લાંબા કલાકો સુધી કામ કરવા છતાં માનસિક થાક ફીલ થતો નથી.
ઑબર્જિન એ પર્પલનો ડાર્ક શેડ છે. આ શેડ જગ્યાને ગંભીર, ફૉર્મલ લુક આપે છે. ઘરના ઇન્ટીરિયરમાં તમે ડાઇનિંગ રૂમ અથવા ફૉર્મલ લિવિંગ એરિયામાં આ કલર કરી શકો છો. આ ડાર્ક શેડ સાથે ડાર્ક વુડન ફર્નિચર સરસ લાગે છે. બ્રાસ અથવા મેટાલિક લાઇટિંગ ફિક્સર અને વેલ્વેટ ટેક્સ્ચર આ રંગની સુંદરતાને વધુ પ્રભાવશાળી બનાવે છે.
જો તમે હોમ-ઇન્ટીરિયરમાં પહેલી વાર પર્પલ કલરનો પ્રયોગ કરી રહ્યા હો તો લૅવન્ડર જેવો સૉફ્ટ શેડ સૌથી સેફ વિકલ્પ છે. આ આછો શેડ આંખોને ગમે એવો અને રૂમને સ્પેશ્યસ દેખાડશે. આ કલરને બાળકોના રૂમમાં, રીડિંગ કૉર્નરમાં અથવા મેડિટેશન સ્પેસ હોય ત્યાં કરવો જોઈએ. લૅવન્ડર દીવાલો સાથે સૉફ્ટ વાઇટ, ક્રીમ અથવા આછા લાકડાના ફર્નિચરનો ઉપયોગ કરવાથી રૂમમાં કુદરતી પ્રકાશ અને શાંતિ ફીલ થાય છે.
માસ્ટર બેડરૂમ માટે એવો શેડ જરૂરી છે જે દિવસભરના થાક પછી આરામ અને માનસિક શાંતિ આપે. મોવ એ ગ્રે અને પિન્કના મિશ્રણવાળો પર્પલ શેડ છે જે મૅચ્યોર અને શાંત લુક આપે છે. આ શેડ સાથે હંમેશાં સૉફ્ટ અને વાર્મ એટલે યલો લાઇટિંગનો ઉપયોગ કરવો જોઈએ જેથી રૂમનું વાતાવરણ વધુ આરામદાયક બની રહે.
જો લિવિંગરૂમની દીવાલો પર પર્પલ કલર કરવા ન માગતા હો તો પ્લમ શેડનો ઉપયોગ સૉફ્ટ ફર્નિશિંગ દ્વારા કરી શકાય. આ શેડ લિવિંગરૂમને લાઇવલી રાખે છે. રૂમની દીવાલોને ન્યુટ્રલ જેમ કે ઑફ-વાઇટ અથવા બેજ રાખીને સોફાસેટ, પડદા, કુશન અથવા ગાલિચા માટે પ્લમ શેડ પસંદ કરો. આનાથી રૂમ આકર્ષક દેખાય છે.
જો તમે ઘરમાં મોટો ફેરફાર કરવા ન ઇચ્છતા હો તો માત્ર અમુક નાની વસ્તુઓ બદલીને પણ પર્પલનો પ્રભાવ ઊભો કરી શકો છો. કુદરતી રીતે જ પર્પલ શેડ ઘરમાં લાવવા માટે પર્પલ હાર્ટ, ટ્રેડસ્કેન્શિયા અથવા કેલેથિયા જેવા ઇન્ડોર પ્લાન્ટ્સ લિવિંગરૂમમાં કે બાલ્કનીમાં મૂકી શકાય.
ન્યુટ્રલ અથવા વાઇટ બૅકગ્રાઉન્ડ ધરાવતી દીવાલ પર એવું પેઇન્ટિંગ લગાવો જેમાં પર્પલ શેડ્સનો મુખ્ય ઉપયોગ થયો હોય.
કાચના પર્પલ શેડવાળા લૅમ્પશેડ કે ઝુમ્મર જ્યારે ચાલુ થાય ત્યારે એ રૂમમાં હળવો અને આહ્લાદક પ્રકાશ ફેલાવશે.
સૉફ્ટ પર્પલ લીલાક અને લૅવન્ડર શેડ્સની સાથે મિન્ટ ગ્રીન અથવા આછો પીળો રંગ કમ્બાઇન કરવાથી રૂમને ફ્રેશ, મૉડર્ન અને એનર્જેટિક લુક મળે છે.
પ્લમ અને ઑબર્જિન જેવા ડાર્ક શેડ્સ સાથે મેટાલિક ગોલ્ડ અથવા બ્રાસ એલિમેન્ટ્સ જોડવાથી લક્ઝુરિયસ અને રૉયલ લુક ક્રીએટ થશે.
મોવ શેડ સાથે સૉફ્ટ ગ્રે અથવા ટાઉપ કલર રાખવાથી સૉફિસ્ટિકેટેડ, શાંત અને ક્લાસી લુક મળે છે.
પર્પલના ઘાટા શેડ્સ પ્રકાશને શોષી લે છે. એથી જે રૂમમાં આ કલર કરો ત્યાં પૂરતી કુદરતી લાઇટ અથવા યોગ્ય આર્ટિફિશ્યલ લાઇટિંગ હોવી અનિવાર્ય છે.
જો તમે દીવાલો પર પર્પલ કલર નથી કરવા માગતા તો રૂમના માત્ર ૨૦ ટકા ભાગમાં જ આ રંગનો ઉપયોગ કરો. જેમ કે કુશન, આર્ટવર્ક, પડદા અથવા કોઈ એક સિંગલ સોફા ચૅર દ્વારા.
પર્પલ કલર સૉફ્ટ વાઇટ, ક્રીમ, ચારકોલ ગ્રે અને આછા લાકડાના ટેક્સ્ચર સાથે સૌથી સુંદર અને સંતુલિત લુક આપે છે.