રસોડાની આ વસ્તુઓ તમારા સ્કૅલ્પને રાખશે ફ્રેશ

27 March, 2026 03:00 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

માથાને ઠંડક મળે, ડૅન્ડ્રફ દૂર થાય અને વાળ મુલાયમ બને એ માટે ઘરે જ હેર માસ્ક બનાવીને અપ્લાય કરો, મોંઘાં શૅમ્પૂ વાપરવાને બદલે રસોડાની કુદરતી વસ્તુઓથી બનેલા હેર માસ્ક આ સમસ્યામાં રામબાણ ઈલાજ સાબિત થાય છે.

રસોડાની આ વસ્તુઓ તમારા સ્કૅલ્પને રાખશે ફ્રેશ

ઉનાળાની કાળઝાળ ગરમીમાં સ્કૅલ્પ પર પરસેવો અને ચીકાશ થવી એ એક સામાન્ય સમસ્યા છે. આના કારણે વાળ ચીકણા દેખાય છે. એમાંથી દુર્ગંધ આવે છે અને ક્યારેક ખંજવાળ કે ડૅન્ડ્રફ પણ થાય છે. મોંઘાં શૅમ્પૂ વાપરવાને બદલે રસોડાની કુદરતી વસ્તુઓથી બનેલા હેર માસ્ક આ સમસ્યામાં રામબાણ ઈલાજ સાબિત થાય છે.

ત્રણ બેસ્ટ હોમમેડ હેર માસ્ક 
૧ મુલતાની માટી અને લીંબુનો માસ્ક : મુલતાની માટી વધારાનું તેલ શોષી લે છે અને લીંબુ સ્કૅલ્પને સાફ કરે છે. આ હેર માસ્ક બનાવવા માટે ૨-૩ ચમચી મુલતાની માટીમાં અડધા લીંબુનો રસ અને જરૂર મુજબ ગુલાબજળ ઉમેરી પેસ્ટ બનાવો. આ પેસ્ટને ફક્ત સ્કૅલ્પ પર લગાવો. ૨૦ મિનિટ પછી સાદા પાણીથી ધોઈ લો. આ માસ્ક કુદરતી ક્લેન્ઝર તરીકે કામ કરે છે.

૨ અલોવેરા અને દહીંનો માસ્ક : દહીંમાં રહેલા ગુણો ચીકાશ દૂર કરે છે, જ્યારે અલોવેરા માથાને ઠંડક આપે છે. આ હેર માસ્ક બનાવવા અડધો કપ તાજું દહીં અને બે ચમચી એલોવેરા જેલને બરાબર મિક્સ કરો. એને મૂળથી લઈને વાળના છેડા સુધી લગાવો. ૩૦ મિનિટ રાખ્યા બાદ માઇલ્ડ શૅમ્પૂથી ધોઈ લો. આનાથી વાળ સિલ્કી બનશે અને માથાની ગરમી શાંત થશે.

૩ ઍપલ સાઇડર વિનેગર : જો માથામાં પરસેવાના કારણે ખૂબ ખંજવાળ આવતી હોય તો આ શ્રેષ્ઠ છે. આ હેર માસ્ક બનાવવા એક કપ પાણીમાં બે ચમચી ઍપલ સાઇડર વિનેગર ઉમેરો. શૅમ્પૂ કર્યા પછી આ મિશ્રણથી વાળને છેલ્લે ધોઈ લો. પાંચ મિનિટ પછી ફરી સાદા પાણીથી સાફ કરી લો. એ સ્કૅલ્પનું pH લેવલ જાળવી રાખે છે.

ખાસ ટિપ્સ
 ઉનાળામાં અઠવાડિયામાં ઓછામાં ઓછું બે વાર હેર માસ્કનો ઉપયોગ કરો.
 વાળ ધોવા માટે બહુ ગરમ પાણીનો ઉપયોગ ટાળો, હંમેશાં નવશેકા કે ઠંડા પાણીનો ઉપયોગ કરો.
 પરસેવો સુકાયા પછી જ વાળ ઓળવા જોઈએ.
 આ કુદરતી નુસખાઓ તમારા વાળને ફ્રેશ, તેલમુક્ત અને ચમકદાર રાખશે. કોઈ પણ હેર માસ્ક આખા માથામાં લગાવતાં પહેલાં કાનની પાછળ અથવા સ્કૅલ્પના નાના ભાગ પર લગાવીને ચેક કરી લેવું, જેથી કોઈ ઍલર્જી કે બળતરા ન થાય. માસ્કને ૨૦-૩૦ મિનિટથી વધુ સમય સુધી ન રાખવો, કારણ કે માસ્ક વધુ સુકાઈ જવાથી સ્કૅલ્પની કુદરતી નમી છીનવાઈ શકે છે.

fashion news fashion columnists life and style lifestyle news