19 June, 2024 09:22 AM IST | Mumbai | Sarita Harpale
માઇક્રોનીડલિંગ થેરપી
‘યમ્મી-મમ્મી’ અને ‘સંતૂર મૉમ’ જેવા શબ્દો સોશ્યલ મીડિયા પર બહુ ટ્રેન્ડિંગ છે. મહિલા હોય કે પુરુષ, દરેકને યુવાન દેખાવાની ઘેલછા તો હોય છે પણ આ રેસમાં પુરુષો કરતાં મહિલાઓ વધુ દેખાય છે. યંગ ઍન્ડ બ્યુટિફુલ દેખાવા માટે આપણે બધા જ અવનવા પ્રયોગો કરતા રહીએ છીએ ત્યારે હવે માર્કેટમાં એક બ્યુટી થેરપી ખૂબ ટ્રેન્ડિંગ છે અને એ છે માઇક્રોનીડલિંગ થેરપી, જે કૉલેજન ઇન્ડક્શન થેરપી તરીકે પણ ઓળખાય છે. સામાન્ય રીતે આ થેરપી એક્સપર્ટ્સની દેખરેખમાં એટલે કે ડર્મેટોલૉજિસ્ટની હાજરીમાં કરવામાં આવે છે. પણ હાલમાં માઇક્રોનીડલિંગની હોમકિટ ઘણી ઈ-કૉમર્સ સાઇટ પર ધૂમ વેચાઈ રહી છે. હેરકલર શૅમ્પૂ, હોમ ફેશ્યલ કિટની જેમ જ માઇક્રોનીડલિંગ હોમકિટનું વેચાણ વધ્યું છે ત્યારે ખરતા વાળ અને વધતી ઉંમર અટકાવવા માટે કોઈ પણ એક્સપર્ટનાં સલાહસૂચન વગર આવી થેરપી ઘરે કરવી કેટલી યોગ્ય છે એ જાણવાનો એક પ્રયાસ કરીએ.
છે શું આ ટ્રીટમેન્ટ?
માઇક્રોનીડલિંગ થેરપી વિશે માહિતી આપતાં જાણીતા ડર્મેટોલૉજિસ્ટ અને ટ્રાઇકોલૉજિસ્ટ ડૉ. હરેશ ટીંબડિયાએ કહે છે, ‘માઇક્રોનીડલિંગ થેરપી ડર્મા રોલર તરીકે પણ ઓળખાય છે. આ ડર્મા રોલરમાં ૧૯૨થી ૫૧૨ નીડલ્સ (સોય) આવે છે. આ રોલર ચહેરા પર ફેરવતાં ચહેરાને મેકૅનિકલ એનર્જી આપો છો અને એને કારણે ચહેરાના ટિશ્યુ સ્ટ્રૉન્ગ બને છે. હું આ થેરપી આપતી વખતે સ્કિન પ્રમાણે કેમિકલનો ઉપયોગ કરું છું જેમાં વિટામિન C વગેરેનો ઉપયોગ થાય છે. આ થેરપીને કારણે ઉંમરને કારણે ઢીલી પડેલી ત્વચા ચુસ્ત બને છે, કરચલી દૂર થાય છે, પિગમન્ટેશન દૂર થાય છે.’
ઘરે જાતે પ્રયોગ થાય?
હોમકિટનો ઉપયોગ અને સાવધાની વિશે વાત કરતાં ડૉ. હરેશ આગળ ઉમેરે છે, ‘સૌથી પહેલી મારી સલાહ એ છે કે બને ત્યાં સુધી હોમકિટનો વપરાશ ટાળવો જોઈએ. આ થેરપી માટે જે નીડલ ઉપયોગમાં લેવામાં આવે છે એ ૦.૫થી ૧.૫ MMની હોય છે. ઘરે જે માઇક્રોનીડલિંગ અથવા ડર્મા રોલર વપરાય છે એમાં ૦.૫ MM નીડલ હોય છે. આ નીડલ તમે ઘરે વાપરી શકતા નથી, કારણ કે ક્લિનિકમાં અમે ઍનેસ્થેશિયાનો ઉપયોગ કરી આ થેરપી આપીએ છીએ, જેમાં ચહેરા પર વિવિધ જગ્યાએ ઇન્ડક્શન આપવામાં આવે છે.’
હોમકિટને કારણે થતા પ્રૉબ્લેમ વિશે વાત કરતાં ડૉ. હરેશ કહે છે, ‘હોમકિટને કારણે કૉમ્પ્લીકેશન થવાની શક્યતાઓ વધારે છે. એનાથી ઇન્ફેક્શનના ચાન્સિસ વધી જાય છે. અહીં ક્લિનિકમાં અમે તમામ ઇન્સ્ટ્રુમેન્ટ સ્ટરિલાઇઝ કરીએ છીએ. ઘરે આપણે એટલી કાળજી લઈ શકતા નથી. એના ખોટા ઉપયોગને કારણે ચહેરા પર લાલ ચાઠાં પડી શકે છે. નીડલ યોગ્ય ડિરેક્શનમાં ન વપરાય તો ચહેરા પર જખમ પણ થઈ શકે છે. ખંજવાળ આવે, ઇરિટેશન થાય વગેરે જેવી તકલીફો થઈ શકે છે. જો હોમકિટ વાપરવી હોય તો એને સારી રીતે સાફ કરો. થેરપી પહેલાં અને પછી મોઢું બે-ત્રણ વાર સ્વચ્છ રીતે ધોઈ લો અને થેરપી બાદ ચહેરા પર સનસ્ક્રીન લગાવો.’
આટલા ફાયદા તો નક્કી
માઇક્રોનીડલિંગથી ચહેરા પરની કરચલીઓ દૂર થાય છે. ડાઘ-ધબ્બા ઓછા થાય છે. ચહેરા પરનાં છીદ્રો નાનાં થઈ જાય છે. ખરતા વાળ અટકાવે છે. ઍન્ટિએજિંગ માટે ઉપયોગી છે. સનબર્ન દૂર કરે છે.
માઇક્રોનીડલિંગમાં એક્ઝૅક્ટ્લી થાય શું?
આ પ્રક્રિયામાં તમારા ચહેરા પર કૉસ્મેટોલૉજિસ્ટ અથવા ઍનેસ્થેશિયન સિરિન્જની ખૂબ પાતળી સોય વડે નાનાં-નાનાં છીદ્રો કરે છે, જે શરીરની પ્રાકૃતિક ઘાવ-ઉપચાર પ્રક્રિયાને સક્રિય બનાવી દે છે. શરીર આ સૂક્ષ્મ ઘા સામે પ્રતિક્રિયારૂપે નવા કૉલેજન અને ઇલૅસ્ટિન બનાવે છે, જે પ્રોટીન હોય છે અને એ ત્વચાને ટાઇટ અને સ્મૂધ તથા ચમકદાર બનાવવામાં મદદ કરે છે. હોમ DIY કિટ જે તમને ઈ-કૉમર્સ સાઇટ્સ પર આસાનીથી મળે છે, એ પણ આ જ સિદ્ધાંત પર કામ કરે છે. આ ઉપકરણોમાં નાની-નાની સોય હોય છે, જે ત્વચાની બાહ્ય પરતમાં પ્રવેશી નવા કૉલેજનનું નિર્માણ કરે છે.
ઈ-કૉમર્સ સાઇટ્સ પર બે પ્રકારનાં ડિવાઇસ મળી રહે છે. એક માઇક્રોનીડલિંગ પેન અને એક ડર્મા રોલર, જેની મદદથી તમે ઘરે જ માઇક્રોનીડલિંગ થેરપી કરી શકો છો. જો તમે ઘરે માઇક્રોનીડલિંગ થેરપીનો ઉપયોગ કરી રહ્યા છો તો તમારે એમાં વપરાતાં ઉપકરણોની ખાસ કાળજી રાખવી જોઈએ. એને સારી રીતે સ્વચ્છ કરવાં, સ્વચ્છ સ્થળે મૂકવાં વગેરે.
ઈજા થવાની શક્યતા : આ થેરપી લેતી વખતે યોગ્ય પ્રશિક્ષણ અને ટેક્નિકના અભાવે ત્વચાને ઈજા થવી, ત્વચા પર બળતરા થવી, સંક્રમણ અથવા તો અન્ય પ્રશ્નો ઉદ્ભવવાની શક્યતાઓ રહેલી છે.