✕

પાણીમાં ઊગી નીકળતી હાનિકારક જળકુંભીમાંથી ફૅશનેબલ સાડીઓ બનાવે છે આ એન્જિનિયર

11 October, 2026 03:10 PM IST  |  Mumbai | Aashutosh Desai

સમસ્યામાંથી પર્યાવરણ-સંરક્ષણનો ટકાઉ માર્ગ શોધવા માટે તેણે કેટલી લાંબી પ્રક્રિયામાંથી પસાર થવું પડ્યું એ જાણીએ

જળકુંભી કાઢી રહેલા ગૌરવ આનંદ, જળકુંભીમાંથી બનાવેલી ડિઝાઇનર સાડી.

પાણીમાં બેફામ ફેલાઈ જતી વેલા જેવી વનસ્પતિ પર્યાવરણ માટે મોટી સમસ્યા બની રહી છે ત્યારે ઝારખંડના ગૌરવ આનંદ નામના પર્યાવરણપ્રેમી સંશોધકે એમાંથી એવું ઇકો-ફ્રેન્ડ્લી ફાઇબર બનાવ્યું છે કે હવે એમાંથી હૅન્ડલૂમની સાડી બને છે. સમસ્યામાંથી પર્યાવરણ-સંરક્ષણનો ટકાઉ માર્ગ શોધવા માટે તેણે કેટલી લાંબી પ્રક્રિયામાંથી પસાર થવું પડ્યું એ જાણીએ

આપણે અનેક એવાં તળાવ જોયાં હશે જેમના પાણી પર લીલા રંગનાં પાંદડાંવાળી વનસ્પતિ ઊગી નીકળી હોય અને જે આખા તળાવના પાણીની સપાટી પર વિસ્તરી ચૂકી હોય છે, ખ્યાલ છે? ઘણાં તળાવમાં તો એ એટલી વિસ્તરી હોય કે પાણીની સપાટી દેખાય સુધ્ધાં નહીં. જળકુંભી એ વનસ્પતિનું નામ. સામાન્ય રીતે આપણને એમ હોય કે વનસ્પતિ છે તો તળાવ અને વાતાવરણ બન્ને માટે ફાયદાકારક જ હશે, પરંતુ ખરેખર એવું નથી. જળકુંભી અનેક જળચર જીવો માટે તો નુકસાનકારક છે જ, સાથે તળાવ માટે પણ એટલી જ નુકસાનકારક છે. એના જટિલ ઘેરાવાને કારણે સૂર્યકિરણો પાણી સુધી પહોંચતાં નથી અને એને કારણે આપણા સ્વાસ્થ્યને સારું રાખતા એ પાણીનું સ્વાસ્થ્ય બગાડે છે. ટૂંકમાં, જળકુંભી પ્રદૂષણ ફેલાવનારી વનસ્પતિ છે.

હવે જો જળકુંભીને કારણે જળની ગુણવત્તા અને પરિસ્થિતિ પર ગંભીર સમસ્યા ઊભી થતી હોય તો એને હટાવી દેવી જ બહેતર છે, પણ હટાવીને એનું કરવું શું? આપણને થશે કે એનો કોઈ ઉપયોગ તો છે નહીં તો પછી નિકાલ કરવો કઈ રીતે? પણ ઝારખંડમાં એક ભાઈએ જળકુંભીના નિકાલનો ન માત્ર સરળ માર્ગ શોધ્યો છે બલ્કે સકારાત્મક પરિવર્તન દ્વારા એને ઉત્પાદનનો કાચો માલ બનાવી દીધો છે. જાણીને આપણને ગૌરવ અને આનંદ બન્ને થાય, ખરુંને? આ કામ કરનારા એન્જિનિયરનું નામ જ છે ‘ગૌરવ આનંદ’.

સમસ્યામાંથી ફૅશન

ઝારખંડ અને બંગાળનાં તળાવોમાં આ જળકુંભી એટલી મોટી સંખ્યામાં ઊગે છે કે ક્યારેક એને ‘ટેરર ઑફ બેન્ગાલ’ એટલે કે ‘બંગાળનો આતંક’ કહેવામાં આવે છે. ગૌરવ આનંદે એ જળકુંભીને રોજગાર અને ફૅશનનો દોરો બનાવી દીધો છે. એન્વાયર્નમેન્ટલ સાયન્સ એન્જિનિયર એવા જમશેદપુરના ગૌરવ આનંદે જળકુંભીની સમસ્યાને સાવ અલગ જ દૃષ્ટિકોણથી જોઈ. તેમણે વિચાર્યું કે જે છોડને દૂર કરવા માટે આપણે પૈસા ખર્ચવા પડે છે એ જ છોડમાંથી જો આવક ઊભી કરી શકાય તો? બસ, આ પ્રશ્નથી જ શરૂ થઈ આખી એક નવી સફર જે ગૌરવને એક નવી જ મંજિલ અને નવા જ માઇલસ્ટોનના આનંદ સુધી લઈ ગઈ. તેમણે તળાવમાંથી કાઢવામાં આવેલી જળકુંભીને પહેલાં ફાઇબરમાં પરિવર્તિત કરી, ત્યાર બાદ એમાંથી દોરા બનાવ્યા અને અંતે એ દોરા આકાર પામ્યા એક સુંદર કપડા તરીકે જેને આપણે બધા હૅન્ડલૂમ સાડી તરીકે ઓળખીએ છીએ.

ગૌરવ આનંદની આ સફળ કહાણીની મજા એ છે કે એ માત્ર એક સુંદર સાડી બનાવવાની જ કહાણી નથી. જળસ્રોતની સફાઈ, કચરામાંથી મૂલ્યસર્જન, ગ્રામ્ય રોજગાર, મહિલા સશક્તીકરણ અને ટકાઉ ફૅશન જેવાં અનેક મહત્ત્વનાં સ્ટેશનો આ સફર સાથે જોડાયેલાં છે. આથી જ ગૌરવ આનંદના આ પ્રયોગને ‘ગ્રામ્ય નવીનતા ક્ષેત્ર’ GIAN (Grassroots Innovations Augmentation Network) દ્વારા પણ નોંધવામાં આવ્યો.

જળકુંભી શું છે?

જળકુંભીનું વૈજ્ઞાનિક નામ છે પોટેડેરિયા ક્રૅસ્પીઝ. પ્રાચીન સાહિત્યમાં એને ઇકૉર્નિયા ક્રૅસ્પીઝ તરીકે ઓળખવામાં આવતી હતી. એવી માન્યતા છે કે મૂળ સાઉથ અમેરિકાના ઍમૅઝૉન પ્રદેશમાં સૌપ્રથમ વાર આ તરતી જળવનસ્પતિ જોવા મળી હતી.

જળકુંભીની સૌથી મોટી શક્તિ જ એની સૌથી મોટી સમસ્યા છે. એક તો એ અત્યંત ઝડપથી વધે છે અને જળસ્રોતની સપાટી પર એટલું ગાઢું પડ બનાવે છે કે પાણી સુધી સૂર્યપ્રકાશ પણ નહીંવત્ પહોંચે છે. પરિણામે તળાવમાં રહેતી, વિચરતી જૈવવિવિધતા પર તો એની અસર થાય જ, સાથે જ જળમાર્ગોમાં પાણીનો પ્રવાહ અને નૌકાવહન જેવી પ્રવૃત્તિઓ માટે પણ એ મોટો અવરોધ ઊભો કરે છે.

અંગ્રેજો અને મોગલોની જેમ જ જળકુંભીનું પણ ભારતમાં આગમન મહેમાન તરીકે જ થયું હતું અને ત્યાર બાદ અંગ્રેજો અને મોગલોની જેમ જ એ પણ આપણા માટે એક મોટી સમસ્યા બની ગઈ. ભારતનું વનસ્પતિશાસ્ત્રીય સાહિત્ય ફંફોસીએ તો જાણવા મળે છે કે ઓગણીસમી સદીનાં અંતિમ વર્ષોમાં, આશરે ૧૮૯૬ની આસપાસ, બંગાળમાં જળકુંભી એક શોભાના છોડ તરીકે લાવવામાં આવી હતી. અર્થાત્, જે છોડને ક્યારેક એનાં સુંદર ફૂલો માટે ભારતમાં લાવવામાં આવ્યો હતો એ જ આગળ જતાં ભારતીય જળસ્રોતોની મોટી સમસ્યા બની ગયો.

સમસ્યાનો શ્રેષ્ઠ ઉકેલ

પર્યાવરણપ્રેમી અને એન્જિનિયર એવા ગૌરવને કૉર્પોરેટ ક્ષેત્રે સારા હોદ્દા અને સારા પગાર સાથેની નોકરી કરતા હતા. એટલું જ નહીં, તેઓ જમશેદપુરમાં જ આવેલી તાતા ગ્રુપની સંસ્થા તાતા સ્ટીલ યુટિલિટીઝ ઍન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સર્વિસિસ સાથે પણ સંકળાયેલા હતા. જોકે નોકરીની સાથે પણ પર્યાવરણ સંબંધિત પ્રશ્નો સતત તેમના દિમાગમાં ચાલતા રહેતા. આખરે એન્વાયર્નમેન્ટલ એન્જિનિયર ખરાને! ૨૦૧૮નું વર્ષ તેમનું નિર્ણાયક વર્ષ સાબિત થયું. કેન્દ્ર સરકાર દ્વારા નમામિ ગંગે મિશન હેઠળ ગંગા નદીના સફાઈ-અભિયાનમાં આશરે એક મહિના સુધી તેમને કામ કરવાની તક મળી.

ગંગાની સફાઈ દરમ્યાન તેમણે જળસ્રોતોની વાસ્તવિક સમસ્યાઓને ખૂબ નજીકથી જોઈ. અભિયાન પૂરું થયા બાદ તેમની સાથેના બીજા લોકો તો પોતાના કામ પર પાછા વળી ગયા, પરંતુ ગૌરવ માટે આ અનુભવ તેમના જીવનનો નવો વળાંક સાબિત થયો. તેમણે પોતાના ખાલી સમયનો, એમાંય ખાસ કરીને રવિવારનો ઉપયોગ નદીઓ અને જળાશયોની સફાઈ માટે કરવા માંડ્યો. જમશેદપુરમાં સ્વર્ણરેખા અને ખરકઈ જેવી નદીઓ તેમ જ આસપાસનાં જળાશયોની સફાઈ દરમ્યાન તેમને વારંવાર એક જ સમસ્યા જોવા મળી - જળકુંભી.

હવે સૌથી મોટી તકલીફ એ હતી કે જળકુંભીને કાઢો, ફેંકો અને થોડો સમય થાય ત્યાં ફરી પાછી એ દેખા દે. મતલબ શું? આનો કોઈ કાયમી ઇલાજ છે જ નહીં એમ? ગૌરવ આનંદના મનમાં અહીંથી જ એક અલગ વિચાર જન્મ્યો. જો આ છોડ વારંવાર ઊગી આવે છે, વળી એને દૂર કરવામાં મહેનત અને પૈસા બન્ને ખર્ચાય છે તો શા માટે એને જ કાચા માલમાં પરિવર્તિત ન કરવામાં આવે?


જળકુંભી કાઢવાથી નદી ચોખ્ખી થાય છે અને  એને સૂકવીને એમાંથી ફાઇબર બનાવવામાં આવે છે. 

શરૂઆતની શરૂઆત

આ વિચાર જન્મ્યો અને બસ, બીજા દિવસથી ગૌરવ જળકુંભીમાંથી સાડીઓ બનાવવા માંડ્યા એવું નહોતું. શરૂઆત તો ઍક્ચ્યુઅલી લૅમ્પશેડ અને કાગળથી થઈ. સૌપ્રથમ તેમણે જળકુંભીના માવામાંથી લૅમ્પશેડ, કાગળ, નોટબુક અને મેટ જેવી વસ્તુઓ બનાવવાના પ્રયોગો કર્યા. આ દરમ્યાન તેમને ખબર પડી કે છોડના છેવાડાના ભાગમાં સેલ્યુલોઝ હોય છે અને આ સેલ્યુલોઝને પ્રક્રિયા દ્વારા ફાઇબર તથા આગળ જઈને દોરામાં પરિવર્તિત કરી શકાય છે. બસ, આ જાણકારી પછી ગૌરવ માટે જળકુંભી માત્ર એક ‘નીંદણ’ ન રહી અને બની ગઈ ફાઇબર જેવી કાચી સામગ્રી.

જળકુંભી સાડી કઈ રીતે બને છે?

જો તમને એમ લાગતું હોય કે જળકુંભીને તળાવમાંથી કાઢીને સીધી ચરખા પર મૂકી દઈએ અને દોરો બનાવી શકાય તો એટલું સરળ આ કામ નથી. એના દાંડી અને અન્ય ભાગોને અનેક તબક્કાઓમાંથી પસાર કરવા પડે છે.

જળકુંભીમાંથી ફાઇબર બનાવવાની પ્રક્રિયા લખવામાં અને વાંચવામાં જેટલી સરળ જણાય છે, વાસ્તવમાં એટલી સરળ નથી. ઊલટાની સારીએવી મહેનત માગી લેતી પ્રક્રિયા છે. સૌપ્રથમ જળકુંભીના છોડને તળાવ અથવા અન્ય જળસ્રોતમાંથી બહાર કાઢીને સૂકવવામાં આવે છે. પાણીમાં જ ઊગતી હોવાને કારણે સ્વાભાવિક છે કે એમાં પાણીનું પ્રમાણ ઘણું વધારે હોય છે. એની દાંડીઓને ઓછામાં ઓછા એક અઠવાડિયા સુધી તડકામાં સૂકવવામાં આવે ત્યારે એની અંદરનું પાણી સુકાય છે. ત્યાર બાદ એ સુકાયેલી દાંડીઓમાંથી ફાઇબર બનાવવા માટેનો ઉપયોગી ભાગ અલગ કરવામાં આવે છે. દાંડીના બહારના નરમ પડને અને અંદરના રેસાદાર ભાગને, જે સેલ્યુલોઝથી સમૃદ્ધ હોય છે, અલગ-અલગ કરી લેવામાં આવે. આ અલગ થયેલા બન્ને ભાગોમાંથી બહારના નરમ ભાગનો ઉપયોગ કાગળ બનાવવા માટે કરવામાં આવે અને અંદરના ગુદાભાગમાં સચવાયેલા ફાઇબરનો ઉપયોગ દોરા બનાવવા માટે થાય છે. આ બન્ને ભાગને પોતપોતાના ઉપયોગી કામ માટે લેતાં પહેલાં ફરી એક વાર એની જરૂરી સાફસફાઈ થાય. જેમ કે ફાઇબરમાં રહેલા કીટાણુઓ દૂર કરવા માટે એને ગરમ પાણીમાં ધોવામાં આવે અને ત્યાર બાદ એની ફરી એક વાર સફાઈ કરવામાં આવે. ત્યાર બાદ એના રેસાઓને અલગ કરીને આગળની પ્રક્રિયા માટે તૈયાર કરવામાં આવે છે. સાફ અને તૈયાર કરેલા ફાઇબરને સ્પિન કરીને યાર્ન એટલે કે દોરામાં પરિવર્તિત કરવામાં આવે.

અહીંથી જ ગૌરવના પ્રયોગની મુશ્કેલી શરૂ થઈ. જરૂર હતી એક એવા દોરાની જે દેખાવમાં તો કુદરતી હોય, સાથે રોજબરોજના જીવનમાં વાપરી શકાય એટલો વ્યવહારુ પણ હોય; કારણ કે જળકુંભીમાંથી તૈયાર થયેલા દોરામાંથી સાડી બનાવવી મજબૂતી અને ખર્ચ બન્ને દૃષ્ટિએ પડકારજનક હતું. ગૌરવે જળકુંભીના ફાઇબરને કપાસ સાથે ભેળવીને ‘ફ્યુઝન સાડી’ તૈયાર કરવામાં એનો ઇલાજ શોધ્યો.


૮૫ ટકા જળકુંભીના રેસા અને ૧૫ ટકા કપાસથી ગૌરવ આનંદે ટકાઉ કપડું તૈયાર તૈયાર કર્યું છે.

પહેલા પ્રયત્ને શરૂઆત થઈ પચીસ ટકા જળકુંભી અને ૭૫ ટકા કપાસની મેળવણીથી. ધીરે-ધીરે પ્રયત્નો અને પ્રમાણ બન્ને વધતાં ગયાં અને આખરે ૮૫ ટકા જળકુંભી અને ૧૫ ટકા કપાસની મેળવણીથી જળકુંભીના દોરાનું ઉત્પાદન શરૂ થયું. એ એક સાડીનું સ્વરૂપ પામવા માટે જરૂરી એવા મજબૂત હતા, ટકાઉ અને દેખાવે મુલાયમ પણ હતા. હવે એ દોરાઓને જરૂરિયાત પ્રમાણે રંગવામાં આવ્યા અને ત્યાર બાદ કુશળ વણકરોને એમાંથી હૅન્ડલૂમ સાડીઓ બનાવવા માટે આપવામાં આવ્યા. આ રીતે આજે હવે એક સાડીને તૈયાર થવામાં આશરે ત્રણથી ૪ દિવસ લાગે છે.

જળકુંભીમાંથી બીજું શું-શું બન્યું?

ભારતમાં જળકુંભીમાંથી સાડી બનાવવાનું શરૂ થયું એ પહેલાં એમાંથી ટોપલીઓ, ચટાઈ, બૅગ્સ, ફર્નિચર અને અન્ય હસ્તકલા વગેરે બનાવટો અનેક દેશોમાં વિકસી છે. વિદેશમાં જ શું કામ, ભારતમાં જ એક નજર કરીએ તો ઉત્તર-પૂર્વ ભારતમાં જળકુંભીને હસ્તકલા માટેના કાચા માલ તરીકે વિકસાવવાના કેટલાક સંગઠિત પ્રયાસો થયા હતા અને થતા રહ્યા છે. એમાં નૉર્થ ઈસ્ટર્ન ડેવલપમેન્ટ ફાઇનૅન્સ કૉર્પોરેશન (NEDFi)ની મહત્ત્વપૂર્ણ ભૂમિકા રહી છે. વાત કંઈક એવી છે કે ૨૦૦૭માં આ સંસ્થાના એક અધિકારી અશિમ કુમારે પોતાના બૅન્ગકોકના પ્રવાસ દરમ્યાન ત્યાં જળકુંભીમાંથી બનેલાં કેટલાંક ઉત્પાદનો જોયાં. તેઓ ભારત પાછા આવ્યા અને ભારતમાં પણ જળકુંભીમાંથી અનેક વસ્તુઓ બનાવવા વિશેની તાલીમ અને ટેક્નિકલ સહયોગની પ્રક્રિયા શરૂ કરાવી. ૨૦૦૮ આવતાં સુધીમાં તો ઉત્તર-પૂર્વના પચીસ કારીગરોને આ માટે પૂર્ણતઃ તાલીમબદ્ધ કરવામાં આવ્યા. ત્યાર બાદ બીજા તબક્કામાં અમદાવાદની નૅશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ડિઝાઇન (NID) સાથે ડિઝાઇન તથા વણાટની ટેક્નિક પર કામ કરવાનું પણ શરૂ કરી દેવામાં આવ્યું. આજે હવે ગૌરવ આનંદ જે રીતે જળકુંભીને સાડીઓમાં પરિવર્તિત કરે છે એ જ રીતે ઉત્તર-પૂર્વ ભારતમાં એને અનેક અલગ-અલગ બનાવટોમાં પરિવર્તિત કરવામાં આવે છે. આજે જળકુંભીમાંથી બનેલી એક ફ્યુઝન સાડી માટે આશરે પચીસ કિલો જળકુંભી વપરાય છે અને એ સાડીની કિંમત લગભગ ૨૦૦૦ રૂપિયાથી ૩૫૦૦ રૂપિયા જેટલી હોય છે.

નોકરી છોડી સ્વરોજગાર

જળકુંભી પર આ રીતે કામ કરતાં-કરતાં ગૌરવને લાગ્યું કે આ પ્રયોગ માત્ર વીક-એન્ડની સામાજિક પ્રવૃત્તિ બની રહે એટલું પર્યાપ્ત નથી. ૧૬ વર્ષની કૉર્પોરેટ કારકિર્દી છોડીને આ પર્યાવરણીય મિશન માટે તેમણે સંપૂર્ણ સમય આપવાનું શરૂ કર્યું અને ‘સ્વચ્છતા પુકારે ફાઉન્ડેશન’ની સ્થાપના કરી.

પોતે તો નોકરીને તિલાંજલિ આપી જ, સાથે ૨૦૨૩માં તેમણે આ કામ દ્વારા આશરે ૪૫૦ મહિલાઓ માટે રોજગારની નવી તકો ઊભી કરી. ગૌરવ આનંદે પશ્ચિમ બંગાળના ઉત્તર ૨૪ પરગણા વિસ્તારમાં જળકુંભીમાંથી ફાઇબર કાઢવાનું કામ શરૂ કર્યું અને સ્થાનિક મહિલાઓને એમાં જોડવામાં આવી. મજાની વાત જુઓ કે પશ્ચિમ બંગાળ એ જ વિસ્તાર છે જ્યાં જળકુંભી મહેમાન તરીકે પ્રવેશી હતી અને ગંભીર રીતે પોતાનું પ્રભુત્વ જમાવ્યું હતું. આજે એ જ વિસ્તારમાં એના એક હિસ્સાને કાપડના દોરામાં ફેરવવાનો પ્રયાસ થઈ રહ્યો છે.

જ્યાં જળકુંભી એક સમસ્યા બની ગઈ હતી ત્યાં જ આજે ગૌરવ આનંદે એ ‘સમસ્યા દૂર કરો અને ઉત્પાદનમાં પરિવર્તિત કરો’ જેવી ઉજ્જવળ તક ઊભી કરી દેખાડી છે. હવે ગૌરવનું કામ માત્ર સાડી સુધી પણ મર્યાદિત નથી રહ્યું. તેઓ સ્વચ્છતા પુકારે ફાઉન્ડેશન દ્વારા હવે એથીયે એક કદમ આગળ નીકળી ગયા છે. માત્ર જળકુંભી જ નહીં, હવે તો ગૌરવ અન્ય કચરાને પણ ઉપયોગી ઉત્પાદનોમાં પરિવર્તિત કરવાના પ્રયત્નોમાં મંડી પડ્યા છે. એટલું જ નહીં, તેઓ આ માટે બીજી અનેક સંસ્થાઓ અને સમુદાયોને તાલીમ આપવાનું કામ પણ કરી રહ્યા છે.

એનું પરિણામ આજે હવે એ છે કે ગૌરવ નૅશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ અર્બન અફેર્સ, NTPC, Korba, આદર પૂનાવાલા ગ્રુપ અને જલપાઈગુડીના ચાના બગીચાના કર્મચારીઓ અને એની સાથે સંકળાયેલા અનેક લોકોને પણ તાલીમ આપી રહ્યા છે, કારણ કે તેમનો ઉદ્દેશ હવે માત્ર સાડીઓ બનાવવાનો નથી. તેમનું લક્ષ્ય છે કે ભારતના અનેક લોકો અને સંસ્થાઓ તેમનું આ મૉડલ સ્વીકારે અને ‘વેસ્ટમાંથી બેસ્ટ’ વ્યાખ્યાને ખરા અર્થમાં વાસ્તવિકતાનું સ્વરૂપ આપે. પર્યાવરણ સંરક્ષણનો અર્થ હંમેશાં માત્ર ‘કંઈક બચાવવું’ એવો જ નથી હોતો. ક્યારેક સંરક્ષણનો સૌથી ટકાઉ માર્ગ એ પણ હોઈ શકે કે જે વસ્તુને દૂર કરવી જરૂરી છે એને જ મૂલ્યવાન બનાવી દેવામાં આવે.


જળકુંભીમાં કપાસ મેળવીને ફ્યુઝન ફૅબ્રિકના રેસા તૈયાર થાય છે. 

બૉક્સઃ ૧

જળકુંભી અને ફાઇબર

ગૌરવ આનંદનો આ ઉત્પાદન-પ્રયોગ ‘first-of-its-kind’ ખરો જ, પણ આ પ્રયોગ આવ્યો કઈ રીતે? તો જવાબ ક્યાંક છેક ફિલિપીન ટેક્સટાઇલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટમાંથી મળે છે. ૨૦૧૦ની સાલમાં જળકુંભીની દાંડીઓમાંથી ફાઇબર કાઢીને, એના પર પ્રક્રિયા કરીને યાર્ન તથા ફૅબ્રિક બનાવવાની પદ્ધતિ ફિલિપીન ટેક્સટાઇલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટમાં નોંધાઈ હોવાનું જાણવા મળે છે.

columnists gujarati mid day lifestyle news life and style air pollution fashion fashion news