કમ્ફર્ટ સાથે સ્ટાઇલનું પર્ફેક્ટ કૉમ્બિનેશન એટલે ઓવરસાઇઝ્‍ડ ટી-શર્ટ

16 March, 2026 03:26 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ગરમીમાં કમ્ફર્ટ સૌથી પહેલી પ્રાથમિકતા છે, પણ સ્ટાઇલ સાથે સમાધાન શા માટે? આ ઉનાળે ઓવરસાઇઝ્ડ ટી-શર્ટ્‍સ પુરુષો માટે પર્ફેક્ટ ચૉઇસ છે. હળવા રંગો, નૅચરલ પ્રિન્ટ્સ અને હરવા-ફરવાની આઝાદી આપતું આ ફિટિંગ તમને ગરમીમાં પણ ચિલ રહેવામાં મદદ કરે છે.

કમ્ફર્ટ સાથે સ્ટાઇલનું પર્ફેક્ટ કૉમ્બિનેશન એટલે ઓવરસાઇઝ્‍ડ ટી-શર્ટ

ઉનાળાની ગરમીમાં કપડાં પસંદ કરતી વખતે મોટા ભાગના પુરુષો માટે બે બાબતો મહત્ત્વની હોય છે, આરામ અને સ્ટાઇલ. અત્યારે ફૅશન-જગતમાં ઓવરસાઇઝ્ડ ટી-શર્ટ ટ્રેન્ડ તરીકે ખૂબ લોકપ્રિય બની રહ્યાં છે. પહેલાં જેને ‘વધુ મોટી સાઇઝ’ માનવામાં આવતું હતું એ આજે સ્ટ્રીટ-સ્ટાઇલનું મહત્ત્વપૂર્ણ સ્ટેટમેન્ટ બની ગયું છે. યોગ્ય રીતે સ્ટાઇલ કરવામાં આવે તો ઓવરસાઇઝ્ડ ટી-શર્ટ તમને એકસાથે કૂલ, કન્ફર્ટેબલ અને ટ્રેન્ડી લુક આપી શકે છે.

સામાન્ય કૉટન કરતાં આ વર્ષે લિનન-કૉટન મિક્સ ફૅબ્રિકનાં ટી-શર્ટ્‍સ ખૂબ જ ટ્રેન્ડમાં છે. એ પહેરવામાં એકદમ હલકાં હોય છે અને પસીનાને જલદી સૂકવે છે. એનો લુક થોડો રસ્ટિક અને પ્રીમિયમ લાગે છે. આ વખતે સમરમાં લેમન યલો, મિન્ટ ગ્રીન, પાઉડર બ્લુ, પીચ ફઝ જેવા કલર્સ હિટ રહેશે. ઉપરાંત આગળથી એકદમ પ્લેન અને પાછળની બાજુએ કોઈ સુંદર લાઇન, આર્ટ, નૅચરલ ગ્રાફિક્સ અથવા મિનિમલ ક્વોટ્સ હોય એવાં ટી-શર્ટ્‍સ કૂલ દેખાવા માટે બેસ્ટ છે.

ઓવરસાઇઝ્ડ ટી-શર્ટનો અર્થ માત્ર મોટી સાઇઝ પહેરવી નથી; એમાં થોડા ઢીલા શોલ્ડર, થોડી લાંબી સ્લીવ્સ અને આરામદાયક ફિટ હોય છે. ટી-શર્ટની હેમ સામાન્ય રીતે કમરથી થોડી નીચે આવે છે, પરંતુ ખૂબ લાંબી ન હોવી જોઈએ. સારું કૉટન અથવા કૉટન-બ્લેન્ડ ફૅબ્રિક પસંદ કરવાથી ટી-શર્ટ શરીર પર સરસ રીતે ડ્રેપ થાય છે અને લુક વધુ આકર્ષક લાગે છે.

ઓવરસાઇઝ્ડ ટી-શર્ટની લોકપ્રિયતા પાછળનું સૌથી મોટું કારણ એનો કમ્ફર્ટ ફૅક્ટર છે. ગરમીમાં હળવાં અને ઢીલાં કપડાં શરીરને શ્વાસ લેવા દે છે. આ ઉપરાંત સ્ટ્રીટવેઅર ફૅશનમાં એનો મોટો પ્રભાવ હોવાથી યુવાનોમાં એ
સ્ટાઇલ-સ્ટેટમેન્ટ બની ગયું છે. પ્રિન્ટેડ ટી-શર્ટ, મિનિમલ ડિઝાઇન કે સૉલિડ કલર... દરેક રીતે આ સ્ટાઇલ અલગ-અલગ લુક આપે છે.

ઓવરસાઇઝ્ડ ટી-શર્ટ પહેરતી વખતે પ્રપોર્શનનું બૅલૅન્સ રાખવું ખૂબ જરૂરી છે. જો ઉપરનો ભાગ ઢીલો હોય તો નીચે સ્લિમ જીન્સ, ટેપર્ડ કાર્ગો પૅન્ટ્સ અથવા જૉગર્સ પહેરવાથી આઉટફિટ વધુ સુઘડ લાગે છે. લેયરિંગ પણ એક સારી રીત છે. ટી-શર્ટ પર ઓપન શર્ટ, ડેનિમ જૅકેટ અથવા લાઇટ બૉમ્બર પહેરવાથી લુકમાં સ્ટ્રક્ચર આવે છે. જો કલર વિશે કન્ફ્યુઝન હોય તો મોનોક્રોમ સ્ટાઇલ અપનાવી શકાય જેમ કે આખું બ્લૅક, ગ્રે અથવા બેઝ ટોન. આ સ્ટાઇલ મિનિમલ હોવા છતાં ખૂબ સ્ટાઇલિશ લાગે છે.

સમર સીઝનમાં ઓવરસાઇઝ્ડ ટી-શર્ટને ડેનિમ અથવા ચિનો શૉર્ટ્સ સાથે પહેરવાથી એકદમ કૅઝ્યુઅલ અને બ્રીધેબલ લુક મળે છે. સ્ટ્રીટવેઅર લુક માટે કાર્ગો પૅન્ટ્સ અને ચંકી સ્નીકર્સ સાથેનું કૉમ્બિનેશન ખૂબ જ ટ્રેન્ડી લાગે છે. આરામદાયક દિવસ માટે તમે જૉગર્સ અને સ્પોર્ટી સ્નીકર્સ સાથે આ ટી-શર્ટ પહેરી શકો છો. જો ટી-શર્ટ પર બોલ્ડ ગ્રાફિક પ્રિન્ટ હોય તો બાકીનું આઉટફિટ ન્યુટ્રલ રાખવું વધુ સારું લાગે છે.

ઓવરસાઇઝ્ડ ટી-શર્ટ સાથે કૅપ, ચેઇન, ક્રૉસબૉડી બૅગ અથવા હાઈ ટૉપ સ્નીકર્સ જેવી ઍક્સેસરીઝ ઉમેરવાથી લુક વધુ ઇન્ટરેસ્ટિંગ બને છે. પરંતુ વધુ ઍક્સેસરીઝ પહેરવાથી લુક ઓવરડન પણ લાગી શકે છે, તેથી સરળતા જ રાખવી.

ઓવરસાઇઝ્ડ ટી-શર્ટ પહેરતી વખતે એક મોટી ભૂલ છે ઉપર અને નીચે બન્ને ખૂબ ઢીલાં કપડાં પહેરવાં. આનાથી લુક બૅલૅન્સ વગરનો લાગી શકે છે. ખૂબ લાંબાં અથવા ખૂબ પહોળાં ટી-શર્ટ પણ લુકને બગાડી શકે છે. સાથે જ ખોટાં ફુટવેઅર પસંદ કરવાથી આખું આઉટફિટ ફીકું પડી શકે છે.

સમગ્ર રીતે જોવામાં આવે તો ઓવરસાઇઝ્ડ ટી-શર્ટ માત્ર એક કપડું નથી પરંતુ આરામ અને આધુનિક સ્ટાઇલનું ઉત્તમ મિશ્રણ છે. યોગ્ય ફિટ, સંતુલિત સ્ટાઇલિંગ અને થોડી સ્માર્ટ ઍક્સેસરીઝ સાથે સમરની ગરમીમાં પણ પુરુષો સરળતાથી એક કૂલ અને ટ્રેન્ડી લુક બનાવી શકે છે.

fashion fashion news columnists lifestyle news life and style