પુરુષોની ફૅશનનો નવો પર્લ પાવર

16 April, 2026 05:33 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

મોતીની માળા ફક્ત સ્ત્રીઓના ગળામાં જ શોભે એવું નથી, આજકાલ પુરુષોમાં પણ પર્લ નેકલેસ હૉટ ટ્રેન્ડ બની ગયો છે...

પુરુષોની ફૅશનનો નવો પર્લ પાવર

એક સમય હતો જ્યારે મોતીને માત્ર સ્ત્રીઓના આભૂષણનો ભાગ માનવામાં આવતાં હતાં. આજે એ જ મોતી પુરુષોના ગળામાં સ્ટાઇલ-સ્ટેટમેન્ટ બનીને ફરી આવ્યાં છે. પર્લ નેકલેસ હવે માત્ર એક જ્વેલરી નથી, આત્મવિશ્વાસ અને વ્યક્તિગત સ્ટાઇલનું પ્રતીક બની ગયો છે. વિદેશમાં હૅરી સ્ટાઇલ હોય કે ભારતમાં રણવીર સિંહ જેવી સેલિબ્રિટીઝ, ગળામાં ક્લાસી પર્લ્સ પહેરીને તેમણે સાબિત કરી દીધું છે કે પુરુષો પણ પોતાની સૉફ્ટ સાઇડ અને લક્ઝરીને કૉન્ફિડન્સ સાથે ફ્લોન્ટ કરી શકે છે.

સમર-ફ્રેન્ડ્લી ઍક્સેસરી
ઉનાળામાં મેટલની ચેઇન કે સોનાના દાગીના પહેરવાથી ઘણી વાર સ્કિન-ઇરિટેશન કે પરસેવાની સમસ્યા થાય છે. એની સામે મોતી કુદરતી રીતે ઠંડાં હોય છે. એ વજનમાં હળવાં છે અને એના સફેદ કે ક્રીમ શેડ્સ ઉનાળામાં પેસ્ટલ શર્ટ્‌સ સાથે પર્ફેક્ટ સમર વાઇબ આપે છે.

કેવી રીતે કરશો સ્ટાઇલ? 
પુરુષો માટે મોતીની માળા પહેરતી વખતે થોડી સ્માર્ટનેસ જરૂરી છે જેથી એ ઓવર-ધ-ટૉપ ન લાગે.
કૅઝ્યુઅલ કૂલ લુક : એક બેઝિક વાઇટ ટી-શર્ટ, ડેનિમ અને ગળામાં એક સિંગલ લેયર પર્લ નેકલેસ. આ લુક તમને ભીડમાં અલગ તારવશે.
શર્ટ ગેમ : લિનન કે કૉટન શર્ટનાં ઉપરનાં બે બટન ખુલ્લાં રાખીને લેયર્ડ પર્લ પહેરવાં એ અત્યારે સૌથી વધુ ટ્રેન્ડિંગ છે. તમે એને સિલ્વર ચેઇન સાથે મિક્સ કરીને મૅસ્ક્યુલિન ટચ આપી શકો છો.
ફૉર્મલ ટ્વિસ્ટ : જો તમે કોઈ ઈવનિંગ ફંક્શનમાં બ્લેઝર કે સૂટ પહેરવાના હો તો શર્ટની અંદરના ભાગમાં દેખાય એ રીતે પર્લ્સ પહેરો. એ તમારા લુકમાં રૉયલ્ટી અને મૉડર્નિટીનું મિશ્રણ ઉમેરશે.

આટલું યાદ રાખજો
પુરુષોએ બહુ મોટાં કે આબેહૂબ ગોળ મોતીને બદલે બરોક પર્લ્સ પસંદ કરવાં જોઈએ. એનો આકાર થોડો અનિયમિત હોય છે જે પુરુષોના રફ-ઍન્ડ-ટફ લુક 
સાથે વધુ સેટ થાય છે. છથી આઠ મિલીમીટરનાં મોતી સાદાં છતાં પ્રભાવશાળી લાગે છે.

કોને વધુ સૂટ થાય?
દરેક પુરુષ પર્લ્સ કૅરી કરી શકે છે પણ... સ્લિમ નેક પર સિંગલ સ્ટ્રેન્ડ વધુ ક્લીન લાગે. બ્રૉડ શોલ્ડરવાળા પુરુષો લેયર્ડ પર્લ્સ કે મિક્સ જ્વેલરી ટ્રાય કરી શકે. ડાર્ક સ્કિન ટોન પર ક્રીમ અથવા ઑફ-વાઇટ પર્લ્સ ખાસ ગ્લો આપે.

ranveer singh fashion news fashion lifestyle news life and style