19 June, 2026 01:17 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
સુગંધ ફક્ત સારી મહેક પૂરતી મર્યાદિત નથી. એ વ્યક્તિની ઓળખ, મૂડ અને પર્સનાલિટીનો પણ મહત્ત્વનો ભાગ બની શકે છે. ઘણી વખત કોઈ વ્યક્તિની ખાસ સુગંધ આપણને લાંબા સમય સુધી યાદ રહી જાય છે. આ પાછળનું એક રસપ્રદ કારણ છે ફ્રૅગ્રન્સ લેયરિંગ.
ફ્રૅગ્રન્સ લેયરિંગ એટલે એક કરતાં વધુ સુગંધિત પ્રોડક્ટ્સનો ઉપયોગ કરીને પોતાના માટે એક અલગ અને યુનિક સુગંધ તૈયાર કરવી. એમાં બૉડી લોશન, બૉડી મિસ્ટ અને પરફ્યુમ જેવી પ્રોડક્ટ્સનો સમાવેશ થઈ શકે છે. યોગ્ય કૉમ્બિનેશન દ્વારા તમે તમારી પોતાની સિગ્નેચર સુગંધ બનાવી શકો છો.
૧. બેઝથી શરૂઆત કરો : સ્નાન કર્યા પછી સ્કિન પર સારું મૉઇશ્ચરાઇઝર કે બૉડી લોશન લગાવો. હાઇડ્રેટેડ સ્કિન સુગંધને લાંબા સમય સુધી પકડી રાખે છે.
૨. ફ્રૅગ્રન્સ ફૅમિલી સમજો : બધી સુગંધ એકબીજા સાથે નથી ભળતી. લેયરિંગની શરૂઆતમાં એકબીજાને પૂરક હોય એવી પ્રોડક્ટ્સ પસંદ કરો. જો તમને ફૂલોની સુગંધ ગમતી હોય તો એની સાથે ફળોની હળવી સુગંધ ખૂબ સરસ લાગશે. એવી જ રીતે વુડી ફ્રૅગ્રન્સ સાથે વૅનિલાની સુગંધ એક ક્લાસિક કૉમ્બિનેશન છે.
૩. લાઇટ ટુ બોલ્ડ : હંમેશાં હળવી સુગંધ પહેલાં લગાવો અને એના પર થોડી સ્ટ્રૉન્ગ અથવા લાંબો સમય ટકે એવી સુગંધનો ઉપયોગ કરો. આ રીતે સુગંધનાં વિવિધ લેયર્સ સરસ રીતે ખીલી ઊઠશે.
૪. પલ્સ પૉઇન્ટ્સનું મહત્ત્વ : તમારાં કાંડાં પર, ગરદન પર અને કાનની પાછળ પરફ્યુમ લગાવો. અહીં બૉડી હીટને કારણે સુગંધ ધીમે-ધીમે રિલીઝ થાય છે અને આખો દિવસ તાજગી આપે છે.
૫. પ્રયોગ કરવામાં ડરો નહીં : લેયરિંગમાં કોઈ ફિક્સ નિયમો નથી. તમારી પર્સનાલિટી અને મૂડ મુજબ અલગ-અલગ કૉમ્બિનેશન ટ્રાય કરવામાં જ મજા છે.
એકસાથે ખૂબબધી તીવ્ર સુગંધો ભેગી ન કરવી, કારણ કે એ કન્ફ્યુઝિંગ રિઝલ્ટ આપી શકે છે. શરૂઆતમાં માત્ર બે જ સુગંધ સાથે પ્રયોગ કરો. વધુ પડતી માત્રામાં પરફ્યુમ લગાવવાને બદલે સંતુલન જાળવવું વધુ જરૂરી છે.
પરફ્યુમ લગાવ્યા પછી ઘણા લોકો કાંડાંને એકબીજા સાથે ઘસે છે, પરંતુ આ ટેવ સુગંધની અસર ઘટાડી શકે છે. કાંડાંને ઘસવાથી ત્વચા પર ગરમી ઉત્પન્ન થાય છે જે પરફ્યુમની શરૂઆતમાં આવતી હળવી અને તાજગીભરી સુગંધને ઝડપથી ઓછી કરી શકે છે. પરિણામે પરફ્યુમની સુગંધ જે રીતે ધીમે-ધીમે ખૂલવી જોઈએ એ રીતે ખૂલતી નથી અને એની મૂળ મહેકમાં પણ થોડો ફેરફાર આવી શકે છે. સાથે જ સુગંધ વધુ ઝડપથી ઓછી થવાની શક્યતા રહે છે, જેને કારણે પરફ્યુમ લાંબા સમય સુધી ટકી શકતું નથી. એટલે પરફ્યુમને કાંડાં, ગરદન અથવા કાનની પાછળ જેવાં પલ્સ-પૉઇન્ટ્સ પર સ્પ્રે કરીને કુદરતી રીતે સુકાવા દેવું વધુ યોગ્ય માનવામાં આવે છે.