15 July, 2026 04:29 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
લગ્નપ્રસંગ હોય કે કોઈ મોટો તહેવાર, હેવી વિન્ટેજ સાડી અથવા મૉડર્ન ફ્યુઝન આઉટફિટ સાથે ઍન્ટિક કુંદન અને પોલ્કી જ્વેલરી હંમેશાં એક અનોખો વટ પાડે છે. અનકટ ડાયમન્ડ્સ, સોનાના નાજુક વરખ અને એના પર કરવામાં આવતું અદ્ભુત મીનાકારી કામ આ જ્વેલરીને લક્ઝરી લુક આપે છે. જોકે આ દાગીના જેટલા સુંદર છે એટલા જ નાજુક અને હાઈ-મેઇન્ટેનન્સ પણ છે. ઘણી વાર લૉકરમાંથી વર્ષો જૂનો કીમતી હાર બહાર કાઢતી વખતે એની પાછળનો સિલ્વર ભાગ કાળો પડેલો દેખાય છે. કુંદન-પોલ્કીની બનાવટ સામાન્ય સોનાના દાગીના કરતાં સાવ અલગ હોવાથી વાતાવરણની એના પર ઝડપી અસર થાય છે. એક્સપર્ટ્સના મતે કેટલીક સરળ પણ મહત્ત્વની વાતોનું ધ્યાન રાખીને આ રૉયલ જ્વેલરીને હંમેશ માટે ફ્રેશ લુક આપે એવી રાખી શકાય છે.
કુંદન અને પોલ્કી જ્વેલરી બનાવવાની કળામાં કીમતી પથ્થરો અને હીરાને ચોંટાડવા માટે ખાસ પ્રકારના લાખ અને નાજુક મેટલ ફૉઇલનો ઉપયોગ થાય છે. એને લીધે સમય જતાં જ્વેલરીની ચમક ઝાંખી પડે છે, ભેજને કારણે અંદરનું બૉન્ડિંગ નબળું પડે છે અને દાગીના ખૂબ ઝડપથી કાળા પડવા લાગે છે. આ સિવાય વધુ પડતી ગરમી કે સીધો સૂર્યપ્રકાશ પણ દાગીનાને નુકસાન પહોંચાડી શકે છે, જેનાથી પથ્થરોનો કુદરતી રંગ પણ બદલાઈ જવાનો ડર રહે છે.
આપણને સામાન્ય રીતે કીમતી દાગીના મખમલના બૉક્સમાં રાખવાની આદત હોય છે, પરંતુ લાંબા ગાળાના સ્ટોરેજ માટે આ મોટી ભૂલ છે. લેધર અથવા વેલ્વેટ જેવાં મટીરિયલ્સ હવામાં રહેલા ભેજને પકડી રાખે છે, જેને કારણે ઑક્સિડેશનની પ્રક્રિયા ઝડપી બને છે અને દાગીના કાળા પડી જાય છે.
દરેક દાગીનાને અલગ-અલગ મુલાયમ મલમલના કપડામાં, ઍન્ટિ-ટાર્નિશ પેપરમાં અથવા ઍસિડ-ફ્રી ટિશ્યુ પેપરમાં લપેટીને રાખી શકાય જેથી એ અંદરોઅંદર ઘસાય નહીં. જ્વેલરી-બૉક્સમાં થોડાં સિલિકા જેલનાં પાઉચ અચૂક મૂકો. એ ભેજને શોષી લેશે. દાગીનાને કાયમ માટે હવાચુસ્ત વૅક્યુમમાં બંધ રાખવાને બદલે ક્યારેક-ક્યારેક બહાર કાઢતા રહેવું.
ઍન્ટિક જ્વેલરી સાફ કરવા માટે ક્યારેય પાણી અડાડવું નહીં. ઘરેલુ નુસખાઓ અજમાવીને એને સાબુના પાણીમાં પલાળવાની કે અલ્ટ્રાસોનિક ક્લીનર્સ વાપરવાની ભૂલ ક્યારેય ન કરશો. એનાથી જ્વેલરી કાયમ માટે બગડી શકે છે.
જ્વેલરી પહેરીને આવ્યા બાદ એને સૉફ્ટ, લિન્ટ-ફ્રી માઇક્રોફાઇબર કપડાથી હળવા હાથે લૂછી લો જેથી પરસેવો, ત્વચાનું તેલ કે મેકઅપ દાગીના પર જામી ન જાય. જો ડિઝાઇનની ઝીણી કોતરણીમાં કચરો ભરાયો હોય તો નાનાં બાળકોના સૉફ્ટ બ્રિસ્ટલવાળા ટૂથબ્રશનો ઉપયોગ કરીને હળવા હાથે સાફ કરો. કેમિકલયુક્ત ક્લીનર્સ કે બેકિંગ સોડાના વાઇરલ હેક્સથી દાગીનાને દૂર જ રાખો.
રેડી થયા પછી જ જ્વેલરી પહેરો. પરફ્યુમ, બૉડી લોશન, હેર-સ્પ્રે અને મેકઅપ પ્રોડક્ટ્સમાં રહેલાં સ્ટ્રૉન્ગ કેમિકલ્સ કુંદન-પોલ્કીની ચમકને કાયમ માટે ઝાંખી પાડી શકે છે. તેથી હંમેશાં પૂરેપૂરા તૈયાર થઈ ગયા બાદ જ છેલ્લે જ્વેલરી પહેરવાનો આગ્રહ રાખો. ઉપરાંત અતિશય ગરમી કે પરસેવો વળે એવા વાતાવરણમાં જ્વેલરી પહેરવાનું ટાળો, જેથી એની ચમક વર્ષો સુધી અકબંધ રહે.