23 January, 2026 12:32 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
ઘણી વાર એવું બને છે કે મોંઘાં મૉઇશ્ચરાઇઝર લગાવ્યા બાદ પણ ત્વચા ફ્રેશ લાગતી નથી. પ્રદૂષણને કારણે ત્વચાની કુદરતી ચમક રહેતી નથી. ઘણી વાર એવું પણ બને છે કે ઑફિસમાં ACમાં કે બહારના તડકામાં ચહેરો નિસ્તેજ દેખાવા લાગે છે. આવા સમયે ફેસ-મિસ્ટ ત્વચાને તાજગી અને હાઇડ્રેશન બન્ને પૂરાં પાડે છે. મિસ્ટને ફેશ્યલ કરતાં ઓછું આંકવામાં આવતું નથી. બજારમાં મળતાં ફેસ-મિસ્ટ તમારી સ્કિન માટે હોતાં નથી. ત્વચાની જરૂરિયત પ્રમાણે સાચા મિસ્ટની પસંદગી બહુ જરૂરી છે.
ફેસ-મિસ્ટ સુગંધિત પાણી જ નહીં પણ એમાંથી ત્વચાને પોષણ આપતાં વિટામિન્સ, ઍન્ટિ-ઑક્સિડન્ટ્સ અને જરૂરી ઑઇલ્સનું મિશ્રણ હોય છે. એ ત્વચાને હાઇડ્રેટેડ રાખવાની સાથે-સાથે મેકઅપને સેટ કરવામાં પણ મદદ કરે છે. જો તમારી ત્વચા ડ્રાય રહેતી હોય તો એવાં મિસ્ટ પસંદ કરવાં જોઈએ જે ત્વચામાં ભેજ જાળવી રાખે. હાયોલ્યુરૉનિક ઍસિડ, ગ્લિસરીન અથવા ગુલાબજળવાળાં મિસ્ટ યોગ્ય રહેશે. એ ત્વચાને અંદરથી હાઇડ્રેટ કરીને કુદરતી ચમક આપશે. જેની સ્કિન ઑઇલી હોય એવા લોકોને સીબમ પ્રોડક્શન એટલે ચહેરા પર પ્રોડ્યુસ થતા ઍક્સેસ ઑઇલને કન્ટ્રોલ કરીને પોર્સને સાફ રાખે. એ માટે ટી-ટ્રી ઑઇલ અને નીમ એક્સ્ટ્રૅક્ટ જેવા ઘટકો સામેલ હોય એવાં મિસ્ટ લેવાં. આ ઘટકો બૅક્ટેરિયા સામે લડે છે અને ત્વચાને ગ્રીસી થયા વગર તાજગી આપશે. જો તમારી સ્કિન સેન્સિટિવ હોય તો આલ્કોહોલ અને કૃત્રિમ સુગંધ વગરનાં મિસ્ટ પસંદ કરો. એમાં ઍલોવેરા, કેમોમાઇલ અથવા થર્મલ વૉટર જેવાં ઘટકો ત્વચાને ઠંડક આપે છે અને સોજો કે લાલાશને ઘટાડવામાં મદદ કરે છે. કૉમ્બિનેશન સ્કિન એટલે કે ત્વચામાં નાક અને કપાળનો ભાગ ઑઇલી હોય અને ગાલનો ભાગ સૂકો હોય ત્યારે વિટામિન C અથવા ગ્રીન ટીનાં અર્કવાળાં મિસ્ટ યુઝ કરવાં. એ ત્વચાનું બૅલૅન્સ જાળવી રાખે છે અને ચહેરાને સમાન રીતે નિખારે છે.
હંમેશાં એવાં મિસ્ટ ખરીદો જેમાં આલ્કોહોલ ન હોય, કારણ કે આલ્કોહોલ ત્વચાને વધુ સૂકી બનાવી શકે છે.
સ્પ્રે કરતી વખતે બૉટલને ચહેરાથી લગભગ ૬થી ૮ ઇંચ દૂર રાખો.
મેકઅપ કરતાં પહેલાં ત્વચા તૈયાર કરવા અને મેકઅપ થઈ ગયા પછી એને સેટ કરવા માટે પણ મિસ્ટનો ઉપયોગ કરી શકાય છે.
મિસ્ટ સ્પ્રે કર્યા પછી જો ત્વચા વધુ સૂકી લાગતી હોય તો એના પર હળવું મૉઇશ્ચરાઇઝર લગાવો જેથી હાઇડ્રેશન ત્વચાની અંદર લૉક થઈ જાય.
જો તમે કેમિકલમુક્ત વિકલ્પ ઇચ્છો છો તો ગુલાબજળમાં થોડું ઍલોવેરા જેલ ભેળવીને પણ ઉત્તમ ફેસ મિસ્ટ ઘરે તૈયાર કરી શકાય છે.