મૂન ગાર્ડનથી રાત્રે પણ મહેકશે તમારી બાલ્કની

20 July, 2026 06:42 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સામાન્ય રીતે ગાર્ડનનો આનંદ સવારે લેવાય છે, પરંતુ હવે નાઇટ ગાર્ડનિંગનો ટ્રેન્ડ ઝડપથી લોકપ્રિય બની રહ્યો છે. ઇન્ટરનેશનલ મૂન ડે નિમિત્તે જાણો કેવી રીતે ચાંદનીમાં ખીલતા છોડ અને યોગ્ય લાઇટિંગની મદદથી તમારી બાલ્કનીને મૂનલાઇટ ગાર્ડનમાં બદલી શકાય.

બાલ્કની ગાર્ડન

સામાન્ય રીતે ગાર્ડનનો આનંદ સવારે લેવાય છે. લોકો વૉક કરવા જાય, યોગ કરે કે ચા સાથે હરિયાળીનો આનંદ માણે. જોકે આજની બદલાતી લાઇફસ્ટાઇલમાં ગાર્ડનિંગનો એક નવો ટ્રેન્ડ ઝડપથી લોકપ્રિય બની રહ્યો છે જેને નાઇટ ગાર્ડન પણ કહેવામાં આવે છે. આજે ઇન્ટરનૅશનલ મૂન ડે છે ત્યારે જાણીએ રાતની ચાંદનીના સૌંદર્યને બાલ્કનીમાં ખીલવવા માટે શું થઈ શકે

ચાંદનીના અજવાળામાં મહેકતાં ફૂલો, શાંત વાતાવરણ અને હળવી સુગંધ આખા દિવસનો થાક પળવારમાં દૂર કરી દે છે. વર્ક ફ્રૉમ હોમ, લેટ નાઇટ વર્ક-કલ્ચર અને સતત સ્ક્રીન સામે પસાર થતો સમય વધતાં લોકો હવે દિવસ કરતાં રાત્રે થોડો સમય પોતાના માટે કાઢવા લાગ્યા છે. એ જ કારણ છે કે બાલ્કની, ટેરેસ કે ઘરના નાના ખૂણામાં મૂન ગાર્ડન બનાવવાનો ટ્રેન્ડ વધી રહ્યો છે.

શું હોય છે મૂન ગાર્ડન?

મૂન ગાર્ડન એટલે એવું ગાર્ડન જેમાં ખાસ એવાં છોડ અને ફૂલો પસંદ કરવામાં આવે છે જે સાંજ પછી ખીલે, રાત્રે વધુ સુગંધ આપે અથવા ચાંદનીમાં વધુ આકર્ષક લાગે. સામાન્ય રંગબેરંગી ફૂલો કરતાં અહીં સફેદ અથવા હળવા રંગનાં ફૂલોને વધુ મહત્ત્વ આપવામાં આવે છે, કારણ કે ચાંદનીમાં એ વધુ સુંદર દેખાય છે. આ ગાર્ડનની ખાસિયત એ છે કે એમાં માત્ર દેખાવ નહીં, સુગંધ અને શાંતિનો પણ અનુભવ થાય છે. એટલે જ ઘણા લોકો હવે એને પોતાના નાઇટ રિલૅક્સેશન કૉર્નર તરીકે વિકસાવી રહ્યા છે.

નાની સ્પેસમાં પણ બને મૂન ગાર્ડન

મૂન ગાર્ડન બનાવવા માટે મોટા બગીચાની જરૂર નથી. બાલ્કની કે ટેરેસમાં સફેદ અથવા લાઇટ કલરના કૂંડામાં છોડ ગોઠવી શકાય. સાથે હળવી વૉર્મ લાઇટ્સ, નાનું વૉટર-બાઉલ, સોલર ફાઉન્ટન અથવા વિન્ડ ચાઇમ્સ ઉમેરવાથી આખું વાતાવરણ વધુ શાંત અને આકર્ષક બની જાય છે. ધ્યાન રાખો કે ખૂબ તેજ લાઇટનો ઉપયોગ ન કરો, કારણ કે મૂન ગાર્ડનની સુંદરતા ચાંદની અને હળવા પ્રકાશમાં જ સૌથી વધુ નીખરે છે.
આજની વ્યસ્ત જીવનશૈલીમાં આ માત્ર ગાર્ડનિંગનો ટ્રેન્ડ નથી, માનસિક આરામ અને કુદરત સાથે જોડાવાનો એક સુંદર માર્ગ પણ બની રહ્યો છે. દિવસભરની ભાગદોડ પછી જો પોતાની જ બાલ્કનીમાં ચાંદની, સુગંધિત ફૂલો અને હરિયાળી વચ્ચે થોડો સમય પસાર કરવાની તક મળે તો કદાચ એ જ દિવસનો સૌથી સુંદર સમય બની શકે.

મુંબઈમાં કયા છોડ સૌથી યોગ્ય રહેશે?

 મુંબઈના ગરમ અને ભેજવાળા હવામાનમાં ઘણા એવા છોડ સરળતાથી ઊગી શકે છે જે મૂન ગાર્ડન માટે યોગ્ય છે. રાતરાણી આ યાદીમાં સૌથી લોકપ્રિય છે. દિવસ દરમ્યાન સામાન્ય દેખાતો આ છોડ રાત્રે પોતાની મીઠી અને તીવ્ર સુગંધથી આખું વાતાવરણ મહેકાવી દે છે. 
 મોગરો અને મધુકામિની પણ ઉત્તમ વિકલ્પ છે. એનાં સફેદ ફૂલો સાંજ પડતાં વધુ સુગંધ ફેલાવે છે અને બાલ્કનીમાં સરળતાથી ઊગી શકે છે. 
 રજનીગંધા ઉપરાંત પારિજાત જે રાત્રે જ ખીલે છે, એનાં સફેદ ફૂલો અને સુગંધ મૂન ગાર્ડનમાં ખાસ સ્થાન ધરાવે છે. 
 મૂન ગાર્ડનમાં ફક્ત ફૂલો જ નહીં, સિલ્વર ફોલિયેજ ધરાવતા છોડ પણ મહત્ત્વનો ભાગ ભજવે છે. સિલ્વર ફોલિયેજ એટલે એવા છોડ જેમનાં પાંદડાં ચાંદી જેવાં સફેદ અથવા સિલ્વર ગ્રીન રંગનાં હોય. આવાં પાંદડાં ચાંદનીમાં હળવાં ઝગમગતાં દેખાય છે અને આખા ગાર્ડનને અલગ જ લુક આપે છે.
 મુંબઈમાં ડસ્ટી મિલર જેવા સિલ્વર ફોલિયેજ પ્લાન્ટ ઘણી નર્સરીમાં મળી જાય છે, જ્યારે આર્ટેમિસિયા અથવા સિલ્વર ફૉલ્સ ડિકોન્ડ્રા જેવા છોડ પણ મળે છે. જોકે દરેક નર્સરીમાં એ ઉપલબ્ધ હોય એવું જરૂરી નથી. જો આ છોડ ન મળે તો સિલ્વર પોથોસ અથવા સિલ્વર ફિટોનિયા જેવા લોકલ નર્સરીમાં સરળતાથી મળતા છોડ પણ બેસ્ટ ઑપ્શન છે. 

lifestyle news life and style fashion fashion news healthy living