પાતળી થઈ ગઈ છે આઇબ્રોઝ?

08 July, 2026 02:26 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

જેમ કોઈ સુંદર પેઇન્ટિંગની ખરી સુંદરતા એની ફ્રેમ વગર અધૂરી છે, બિલકુલ એવી જ રીતે આપણા ચહેરા માટે આઇબ્રોઝ એક પર્ફેક્ટ ફ્રેમનું કામ કરે છે. એ માત્ર ચહેરાને આકાર નથી આપતી, તમારા હાવભાવને સચોટ બનાવે છે. જો પાતળી અને પાંખી આઇબ્રોઝ થઈ ગઈ હોય તો આ ઉપાયો કરો

પ્રતીકાત્મક તસવીર

ચહેરાની સુંદરતામાં આંખો જેટલી મહત્ત્વની છે એટલી જ મહત્ત્વની છે આઇબ્રોઝ. યોગ્ય આકાર અને ઘનતા ધરાવતી આઇબ્રોઝ ચહેરાનાં ફીચર્સને વધુ આકર્ષક બનાવે છે પરંતુ વધતી ઉંમર, હૉર્મોનલ ફેરફારો, પોષણની ઊણપ અથવા કેટલીક ખરાબ આદતોને કારણે ઘણી મહિલાઓ અને પુરુષોમાં આઇબ્રોઝ પાતળી થવા લાગે છે. જોકે દરેક કિસ્સામાં ચિંતા કરવાની જરૂર નથી. જો હેર ફોલિકલ્સ સંપૂર્ણપણે નષ્ટ થયાં ન હોય તો યોગ્ય કાળજી અને પોષણથી આઇબ્રોઝની વૃદ્ધિને ફરી પ્રોત્સાહન આપી શકાય છે.

શા માટે પાતળી થવા લાગે છે આઇબ્રોઝ?

આઇબ્રોઝ ખરવાની પાછળ અનેક કારણો જવાબદાર હોઈ શકે છે. વધતી ઉંમર સાથે હેર ફોલિકલ્સ નબળાં પડતાં હોવાથી વાળ પાતળા થવા લાગે છે. ખાસ કરીને મહિલાઓમાં 
પ્રી-મેનોપૉઝ અને મેનોપૉઝ દરમ્યાન હૉર્મોનલ ફેરફારો આ સમસ્યાને વધારી શકે છે. ઉપરાંત થાઇરૉઇડ, PCOS, ગર્ભાવસ્થા અથવા અન્ય હૉર્મોનલ અસંતુલન પણ આઇબ્રોઝ ખરવાનું કારણ બની શકે છે.

આયર્ન, ઝિંક, બાયોટિન, વિટામિન D, વિટામિન B12 અને પ્રોટીન જેવાં પોષક તત્ત્વોની ઊણપ પણ વાળની ગુણવત્તાને અસર કરે છે. લાંબા સમય સુધી તનાવમાં રહેવું, વારંવાર આઇબ્રોઝ પ્લક કરાવવી, વધુ સ્ક્રબ કરવી અથવા મેકઅપ સાફ કર્યા વગર સૂઈ જવાની આદત પણ આઇબ્રોઝના વાળને નબળા બનાવી શકે છે. કેટલીક ત્વચાની બીમારીઓ તેમ જ કીમોથેરપી કે રેડિયેશન જેવી સારવાર દરમ્યાન પણ આઇબ્રોઝ ખરવાની શક્યતા રહે છે.

પોષણનું મહત્ત્વ છે

માત્ર બહારથી ઑઇલ લગાવવાથી જ પૂરતું નથી. દૈનિક આહારમાં પ્રોટીન, આયર્ન, ઝિંક, બાયોટિન અને ઓમેગા-૩ ફૅટી ઍસિડ્સનો સમાવેશ કરવાથી વાળના સ્વાસ્થ્યને ટેકો મળે છે. પૂરતી ઊંઘ અને તનાવનું યોગ્ય સંચાલન પણ એટલું જ જરૂરી છે.

જો આઇબ્રોઝ અચાનક ઝડપથી ખરવા લાગે, એમાં ખાલી પેચ જોવા મળે, ખંજવાળ કે ત્વચાની અન્ય સમસ્યા હોય અથવા આઇબ્રોઝની સાથે માથાના વાળ પણ અસામાન્ય રીતે ખરતા હોય તો જાતે ઉપચાર કરવાને બદલે ડર્મેટોલૉજિસ્ટની સલાહ લેવી જરૂરી છે. સમયસર કારણ શોધી યોગ્ય સારવાર શરૂ કરવામાં આવે તો ઘણી વાર આઇબ્રોઝની સમસ્યાને અસરકારક રીતે નિયંત્રિત કરી શકાય છે.

આ ઘરેલુ ઉપાયો થઈ શકે મદદરૂપ

કૅસ્ટર ઑઇલ : એમાં રહેલાં વિટામિન E અને અન્ય પોષક તત્ત્વો હેર ફોલિકલ્સને પોષણ આપે છે. સૂતાં પહેલાં સ્વચ્છ મસ્કારા વેન્ડ અથવા રૂની મદદથી આઇબ્રોઝ પર લગાવો અને સવારે ધોઈ લો. અઠવાડિયામાં ત્રણ વખત એનો ઉપયોગ કરી શકાય.

અલોવેરા જેલ : એન્ઝાઇમ્સ, અમીનો ઍસિડ્સ અને વિટામિન્સથી ભરપૂર અલોવેરા હેર ફોલિકલ્સને મજબૂત બનાવવામાં મદદ કરે છે. તાજું અલોવેરા જેલ ૩૦ મિનિટ સુધી લગાવી પછી ધોઈ લો.

ડુંગળીનો રસ : એમાં રહેલાં સલ્ફર કમ્પાઉન્ડ્સ વાળના સ્વાસ્થ્ય માટે લાભદાયક માનવામાં આવે છે. ડુંગળીનો રસ માત્ર આઇબ્રોઝ પર ૨૦ મિનિટ સુધી લગાવી પછી સારી રીતે ધોઈ લો. અઠવાડિયામાં બે-ત્રણ વખત એનો ઉપયોગ કરી શકાય.

ઑલિવ ઑઇલ: વિટામિન E અને ઍન્ટિઑક્સિડન્ટ્સથી ભરપૂર ઑલિવ ઑઇલથી હળવી મસાજ કરવાથી બ્લડ-સર્ક્યુલેશન સુધરવામાં મદદ મળે છે, જે હેર ફોલિકલ્સને પોષણ પહોંચાડવામાં સહાયક બની શકે છે.

fashion fashion news skin care lifestyle news life and style columnists