તરબૂચ મીઠું છે કે નહીં એની કાપ્યા વગર કેમ ખબર પડે?

03 April, 2025 06:53 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કેટલીક સ્માર્ટ ટ્રિક્સની મદદથી એનો અંદાજ લગાવી શકાય છે

તરબૂચ

ઉનાળાની સીઝનમાં કેરી પછી સૌથી વધુ ડિમાન્ડમાં તરબૂચ હોય છે. શરીરને ઠંડક આપતાં અને હાઇડ્રેટેડ રાખતાં તરબૂચ ઘણી વાર મીઠાં અને પાણીદાર નથી હોતાં. ઘણી વાર તરબૂચ બહારથી સારું દેખાય છે પણ એને ખરીદીને ઘરે લાવ્યા બાદ અંદરથી પીળું, અડધુ પાકેલું અથવા સૂકું નીકળે છે. એવામાં જો કાપ્યા વગર જ તરબૂચ મીઠું છે કે નહીં એનો અંદાજ લગાવી શકાય તો? કેટલીક સ્માર્ટ ટિપ્સ અને ટ્રિક્સની મદદથી આવું કરવું શક્ય છે.

ખરીદતી વખતે રાખો આટલું ધ્યાન

આકાર મહત્ત્વનો : તરબૂચ ખરીદતી વખતે એના આકારને ધ્યાનમાં રાખવો જરૂરી છે. ગોળ તરબૂચ ખાવામાં મીઠું હોય છે ત્યારે લંબગોળ આકારના તરબૂચમાં પાણી વધુ હોય છે અને એને કારણે એમાંની મીઠાશ ઓછી થઈ જાય છે. તેથી જ્યારે માર્કેટમાં તરબૂચ લેવા જાઓ તો ગોળાકાર લેવાનો આગ્રહ રાખવો.

દાગ અચ્છે હૈં : તરબૂચની બહારના ભાગમાં એટલે કે લીલા કલરની છાલમાં ઘણા પ્રકારનાં નિશાન હોય છે, પણ જે તરબૂચ પર પીળા અથવા ક્રીમ કલરના ડાઘ હોય એ મીઠું હોઈ શકે છે. ઘણી વાર તરબૂચ બહારથી એકદમ ગ્રીન દેખાય છે ત્યારે આપણને એવું લાગે છે કે એ સૌથી સારું હોય છે, પણ હકીકતમાં અંદરથી એ પોકળ અથવા સ્વાદમાં ફીકું હોય છે. તેથી છાલમાં પીળા ડાઘ જોઈને લેશો એ અંદરથી પાકેલું હશે અને મીઠું પણ હશે.

રેખાઓ નજીક છે? : તરબૂચ પર ડાઘની સાથે વધુ એક ચીજ ધ્યાનમાં રાખવાની છે અને એ છે છાલમાં દેખાતી ડાર્ક ગ્રીન કલરની રેખા. જો આ ડિઝાઇનર રેખાઓ એકબીજાથી નજીક હોય તો સમજવું કે કે તરબૂચ મીઠું હશે અને એનાથી વિપરીત જો એ રેખાઓ એકબીજાથી દૂર હશે તો એ મીઠું નહીં નીકળે. ખરીદતી વખતે આ ચીજને ધ્યાનમાં રાખશો તો તમારા ઘરે તરબૂચ મીઠું જ આવશે.

વજન જોઈ લેજો : તમે જે તરબૂચની પસંદગી કરો એ મીઠું નીકળે એ માટે આ પરિબળો ઉપરાંત એના વજન પર પણ ધ્યાન આપવું જરૂરી છે. તરબૂચમાં ૯૦ ટકા કરતાં વધુ પાણી હોય છે. એક જ આકારનાં બે તરબૂચને બન્ને હાથથી સરખાવી જોજો. જે તરબૂચનું વજન વધુ હશે એને આંખ બંધ કરીને ખરીદી લેજો. એ સ્વાદમાં મીઠું હોવાની સાથે પાણીદાર પણ નીકળશે. જેનું વજન ઓછું હશે એ ખાવામાં મીઠું નહીં લાગે અને અંદરથી પાણીવાળું નહીં નીકળે.

health tips life and style Weather Update mumbai weather mumbai columnists gujarati mid-day mumbai food indian food