ઉનાળામાં ત્વચાના ટૅનિંગને દૂર કરવા રૂટીનમાં કરો આ ફેરફાર

20 March, 2026 11:10 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ટૅનિંગ કોઈ કાયમી સમસ્યા નથી પણ જો એની દરરોજ કાળજી લેવામાં ન આવે તો સ્કિન-ડૅમેજ વધી શકે છે. સ્કિન હેલ્ધી પણ રહે અને કુદરતી નિખાર પણ જળવાઈ રહે એ માટે રૂટીનમાં ફેરફાર જરૂરી છે

પ્રતીકાત્મક તસવીર

માર્ચ મહિનામાં, એપ્રિલ-મે જેવા તડકામાં ઑફિસ, કૉલેજ કે કોઈ કામસર બહાર જવાનું હોય તો ૧૦ મિનિટનો તડકો પણ આકરો લાગે છે. સ્કિન-પ્રોટેક્શન માટે સનસ્ક્રીન લગાવી લઈએ તો પણ ચહેરા અને હાથ-પગ પર ટૅનિંગ થઈ જાય છે. સનટૅનને દૂર કરવા માટે મોંઘી પાર્લર-ટ્રીટમેન્ટ પાછળ ખર્ચ કરવા કરતાં ઉનાળામાં ડેઇલી રૂટીનમાં ફેરફાર કરવા આવશ્યક છે.

મૉર્નિંગ રૂટીન

સવારે ઊઠીને માઇલ્ડ ફેસવૉશથી ચહેરો સાફ કરવો જેથી આખી રાત દરમિયાન ફેસ પર જમા થયેલું સીબમ એટલે કે ઑઇલ દૂર થાય છે. જો શક્ય હોય તો વિટામિન C સીરમ લગાવો. એ તડકાથી થતા નુકસાન સામે સ્કિનને પ્રોટેક્ટ કરે છે. ઘરની બહાર નીકળવાની ૨૦ મિનિટ પહેલાં SPF 30 કે એનાથી વધુવાળું સનસ્ક્રીન લગાવો. વાદળછાયું વાતાવરણ હોય તો પણ સનસ્ક્રીન સ્કિપ ન કરવું.

માત્ર ક્રીમ પર ભરોસો ન રાખો. તડકામાં નીકળતી વખતે સ્કિનને સુતરાઉ રૂમાલ કે દુપટ્ટાથી કવર કરો. આંખોની આસપાસની નાજુક ત્વચાને બચાવવા માટે મોટા સનગ્લાસિસ અને માથા પર કૅપ કે છત્રીનો ઉપયોગ કરો. જો તમે લાંબો સમય તડકામાં રહો છો તો દર ૩ કલાકે સનસ્ક્રીન ફરીથી લગાવવું જોઈએ.

તડકામાંથી આવ્યા પછી તરત જ ચહેરો ન ધોવો. ૫-૧૦ મિનિટ પછી ઠંડા પાણીથી ચહેરો સાફ કરો. તમે ગુલાબજળનો સ્પ્રે પણ કરી શકો છો. તડકાને કારણે ત્વચામાં બળતરા થતી હોય તો ઍલોવેરા જેલ લગાવો. એ સ્કિનને શાંત પાડે છે અને હીલિંગ પ્રોસેસ ઝડપી બનાવે છે.

રાત્રે હળવા સ્ક્રબથી સ્કિનને એક્સફોલિએટ કરો. આનાથી ટૅનિંગને કારણે જમા થયેલા ડેડ સેલ્સ દૂર થશે. રાત્રે સ્કિન પોતાની જાતે રિપેર થતી હોય છે. તેથી સારું મૉઇશ્ચરાઇઝર કે નાઇટ-ક્રીમ લગાવો જેમાં નિયાસિનામાઇડ કે લૅક્ટિક ઍસિડ હોય જે ટૅનિંગ ઘટાડવામાં મદદ કરે છે.

હોમમેડ રેમેડીઝ

દહીંમાં રહેલું લૅક્ટિક ઍસિડ સ્કિનને લાઇટ કરે છે. બે ચમચી દહીંમાં થોડું બેસન અને ચપટી હળદર ભેળવી પેસ્ટ બનાવો. એને ૨૦ મિનિટ લગાવી રાખો. આ માત્ર ટૅન જ નથી હટાવતું, સ્કિનને સૉફ્ટ પણ બનાવે છે.

ટમેટાંમાં લાઇકોપીન હોય છે જે કુદરતી સનસ્ક્રીન જેવું કામ કરે છે. ટમેટાંનો પલ્પ ચહેરા પર ઘસવાથી ડેડ સ્કિન સેલ્સ દૂર થાય છે. ટૅનિંગ હટે છે.

જો તમને ડાર્ક સ્પૉટ્સ કે વધુપડતું ટૅનિંગ હોય તો બટાટાનો રસ બેસ્ટ છે. એ કુદરતી રીતે સ્કિનને બ્લીચ કરવાની ક્ષમતા ધરાવે છે.

skin care fashion fashion news life and style lifestyle news columnists