બોલ્ડ પ્રિન્ટ્સની લાઉડ ફૅશન પુરુષોની સ્ટાઇલને કરે છે એલિવેટ

21 November, 2025 12:51 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

રેગ્યુલર ફૅશનથી હટકે લુક અપનાવવાનું વિચારતા પુરુષો બોલ્ડ અને હેવી પ્રિન્ટેડ શર્ટ્‍સને શાહરુખ ખાન અને રણવીર સિંહની જેમ કૅરી કરશે તો તેમની ફૅશન વધુ નીખરશે. આવાં શર્ટ્‍સને કેવી રીતે સ્ટાઇલ કરી શકાય એની ગાઇડલાઇન્સ અહીં વાંચી લેજો

બોલ્ડ પ્રિન્ટ્સની લાઉડ ફૅશન

‘પઠાન’ ફિલ્મમાં બૉલીવુડના કિંગ કહેવાતા શાહરુખ ખાને ગ્રીન કલરનું હેવી પ્રિન્ટેડ શર્ટ પહેર્યુ હતું એ યાદ છે? ત્યાર બાદ તો મેન્સ ફૅશનમાં આવા લાઉડ કલર્સ પર હેવી પ્રિન્ટેડ શર્ટ્‍સનો ટ્રેન્ડ ગાજ્યો હતો. રણવીર સિંહ પણ આવી યુનિક સ્ટાઇલ માટે જાણીતો છે. એક જેવી ફૅશનને અપનાવીને કંટાળી ગયેલા પુરુષોમાં આવી લાઉડ ફૅશન ચાર્મ ઍડ કરે છે. બોલ્ડ પ્રિન્ટ્સવાળાં શર્ટ તમારી પાસે હોય પણ ખરાં પણ જ્યારે તમે પહેરો છો ત્યારે એક સવાલ થાય કે ‘શું આ ઓવર તો નથી લાગતુંને?’ પણ જો યોગ્ય રીતે સ્ટાઇલ કરવામાં આવે તો બોલ્ડ પ્રિન્ટેડ શર્ટ્‍સ તમારી સ્ટાઇલને એલિવેટ કરીને તમારી પર્સનાલિટી એન્હૅન્સ કરવાની તાકાત ધરાવે છે.

વેકેશન વાઇબ્સ
જો તમે બીચ કે વેકેશન પર જવાનું પ્લાનિંગ કરતા હો તો સમુદ્રના વાદળી રંગની નકલ કરતી પ્રિન્ટવાળું ઓવરસાઇઝ અને ટૂંકી સ્લીવ્ઝનું શર્ટ પસંદ કરો જેમાં ઝાડ અને પાંદડાંની પ્રિન્ટ હોય. આ લુકને બૅલૅન્સ કરવા માટે સફેદ અથવા કાળું પૅન્ટ અથવા હાફ પૅન્ટ સારું લાગશે.

ઑફિસ વાઇબ્સ
ફૉર્મલ શર્ટ્‍સને બદલે પર્સનલ સ્ટાઇલને દર્શાવવી હોય તો નાની ફ્લોરલ પ્રિન્ટ્સ અથવા નાના પાંદડાંના સમૂહોવાળી પ્રિન્ટ્સવાળાં શર્ટ્સ ઑફિસના બોરિંગ માહોલમાં ફ્રેશનેસ ઍડ કરશે. ટૂંકી સ્લીવ્ઝવાળાં પ્રિન્ટેડ શર્ટ્‍સ કૅઝ્યુઅલ અથવા બીચ વાઇબ્સ આપે છે અને લૉન્ગ સ્લીવ્ઝવાળાં શર્ટ વધુ પ્રોફેશનલ લાગે છે. પ્રિન્ટેડ શર્ટ્‍સની બોલ્ડનેસને બૅલૅન્સ કરવા બેજ, લાઇટ ગ્રે અથવા આઇવરી જેવાં લાઇટ અથવા પેસ્ટલ કલર્સનાં ટ્રાઉઝર્સ પહેરવાં. શર્ટમાં બોલ્ડ પ્રિન્ટ હોવાથી સિમ્પલ પૅન્ટ લુકને ફક્ત બૅલૅન્સ જ નથી કરતાં પણ શર્ટ પર ફોકસ વધારે છે. લુકને કમ્પ્લીટ કરવા લોફર્સ સૌથી બેસ્ટ ચૉઇસ છે. ફૉર્મલ લેધર શૂઝ પણ પણ તમને કમ્ફર્ટેબલ ફીલિંગ આપશે અને સાથે સ્ટાઇલિશ અને ક્રીએટિવ પ્રોફેશનલ માહોલ માટે યોગ્ય છે.


વેડિંગ વાઇબ્સ
કોઈ મિત્ર કે સંબંધીનાં લગ્નની જેમ રણવીર સિંહની જેમ હટકે દેખાવું હોય તો સુતરાઉ સિલ્ક ફૅબ્રિકનાં પ્રિન્ટેડ શર્ટ્સ તમારા લુકને બદલવા માટે પૂરતાં છે. અહીં વાત સામાન્ય ઍબ્સ્ટ્રૅક્ટ પ્રિન્ટેડ શર્ટની નથી થતી, પણ સુંદર દૃશ્યોવાળી પ્રિન્ટની થાય છે જેને સૂટ સાથે પેર કરી શકાય એમ છે. એમાં આર્ટવર્ક, આર્ટિસ્ટિક લૅન્ડસ્કેપ્સ, વિન્ટેજ પોસ્ટર્સ અથવા પૌરાણિક ચિત્રોનો સમાવેશ થાય છે. આનાથી શર્ટને ક્લાસિક અને રિફાઇન્ડ લુક મળે છે. સિલ્ક ફૅબ્રિકને કારણે શર્ટમાં આવતી હળવી ચમક વેડિંગ ફંક્શન્સ માટે લક્ઝરી ટચ આપે છે. ફૅબ્રિકમાં કૉટન મિક્સ હોવાથી આખો દિવસ પહેરવામાં કમ્ફર્ટેબલ ફીલ થાય છે. પ્રિન્ટેડ શર્ટ્‍સને સ્ટાઇલ કરવામાં ઓવર ધ ટૉપથી બચાવજો. આ માટે કૂલ કલર્સની પસંદગી કરો. શર્ટમાં પીળો, વાદળી અને નેવી બ્લુ કલર્સની પ્રિન્ટ્સ હોય તો નેવી બ્લુ અથવા ચારકોલ ગ્રે કલરનો સૂટ પહેરો. આ કૉમ્બિનેશન શર્ટની બોલ્ડનેસને બૅલૅન્સ કરે છે. સૂટના જૅકેટ અને ટ્રાઉઝર કૅન્વસનું કામ કરે છે જે પ્રિન્ટેડ શર્ટને ફ્રેમ કરે છે. આની સાથે પૉલિશ્ડ અને સૂટના રંગ સાથે મેળ ખાતાં શૂઝ મસ્ત લાગશે. આ સાથે લેધર કે મેટલના પટ્ટાવાળી ક્લાસિક ઘડિયાળ પહેરવી, જે તમારા એલિગન્સને દેખાડે. બાકી પૉકેટ સ્ક્વેર કે બ્રોચ જેવી ઍક્સેસરીઝ પહરવાનું ટાળવું. આ રીતે સ્ટાઇલ કરશો તો બીજું કંઈ કરવાની જરૂર પડશે નહીં.

સિટી વાઇબ્સ
તમારે શહેરમાં જ લૉન્ગ ડ્રાઇવ પર જવું હોય અથવા નાની-મોટી ટ્રિપ્સ કરવી હોય ત્યારે શું પહેરવું જોઈએ જેથી યુનિક દેખાય અને કૂલ વાઇબ પણ આપે એની મૂંઝવણ સતાવતી હોય તો મોટાં ફૂલોની પ્રિન્ટવાળું શર્ટ સારું લાગશે. વાઇટ કલર પર કલરફુલ પ્રિન્ટ હોય તો વધુ સારું લાગશે. આવાં શર્ટ્‍સ સાથે ડાર્ક કલરનાં જીન્સ અથવા ટ્રાઉઝર્સ સૂટ થશે. એની સાથે ક્રૉસ બૉડી બૅગ્સ અને પૅન્ટ સાથે સૂટ થતાં શૂઝ તમારા લુકને કૉમ્પ્લીમેન્ટ આપવાનું કામ કરશે.

આટલું યાદ રાખજો

 ઘણી વાર પ્રિન્ટેડ શર્ટ સાથે શું પહેરવું એની મથામણ હોય તો આ સ્ટાઇલિંગ ટિપ્સ તમને કામમાં આવશે.

 પ્રિન્ટેડ શર્ટને સૉલિડ અથવા ન્યુટ્રલ કલર્સની બૉટમ સાથે પેર કરો.

 શર્ટનું શોલ્ડર-ફીટિંગ સારું હોવું જોઈએ એનું ખાસ ધ્યાન રાખવું નહીં તો એ તમારા લુકને કિલ કરશે.

 જ્યારે ફ્લોરલ્સ કે ફંકી પૅટર્ન્સની પસંદગી કરો ત્યારે એની સાથે ડાર્ક અથવા અર્ધી ટોનના કલર્સ જેમ કે મરૂન, ફ્લોરેસન્ટ ગ્રીન, નેવી બ્લુ કે બ્રાઉન કલરની બૉટમ્સ સિલેક્ટ કરો. આ કૉમ્બિનેશન મેન્લી ફીલિંગ આપશે.

 પ્રિન્ટેડ શર્ટ્‍સને જૅકેટની જેમ પણ પહેરી શકાય. ઇનર સાદું કાળું અથવા સફેદ પહેરો. આ સ્ટાઇલ કૂલ અને રિલૅક્સ્ડ વાઇબ આપે છે. અંદરનું ઇનર તમારા પ્રિન્ટેડ શર્ટને હાઇલાઇટ કરવાનું કામ કરે છે.

 જો તમારા વાળ અને બિઅર્ડ સ્વચ્છ અને સુઘડ નહીં દેખાય તો પ્રિન્ટેડ શર્ટનો ચાર્મ નહીં દેખાય. તેથી ગ્રૂમિંગ ઇઝ ધ મેઇન કી ઇન સ્ટાઇલિંગ.

 ઍક્સેસરીઝ જેટલી ઓછી રાખશો એટલો લુક નિખરશે. ઍક્સેસરીઝમાં એક સારી ઘડિયાળ અથવા નાજુક બ્રેસલેટ પૂરતું છે. કોઈ પણ ચમકદાર અથવા ધ્યાન ખેંચે એવી ઍક્સેસરીઝ લુકને ઓવરલોડેડ બનાવી દેશે અને લુકને કિલ કરી દેશે. તેથી એટલું ધ્યાન રાખવું કે તમારું પ્રિન્ટેડ શર્ટ જ તમારું શો-સ્ટૉપર છે. એ તમારા કૉન્ફિડન્સને પણ બૂસ્ટ કરશે.

 ફરવા જાઓ ત્યારે શર્ટનાં આગળનાં બે-ત્રણ બટન્સને ઓપન પણ રાખી શકાય અને એની સાથે ગળામાં એક પેન્ડન્ટવાળી ચેઇન પહેરી શકાય જે તમારા લુકને વધુ સારો બનાવશે.

fashion news fashion life and style lifestyle news exclusive