10 September, 2026 07:12 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સાડી સાથે શૉર્ટ કુરતીનો ટ્રેન્ડ
સોશ્યલ મીડિયા અને ખાસ કરીને ઇન્સ્ટાગ્રામ પર આજકાલ ટ્રેડિશનલવેઅર સાથે અવનવા પ્રયોગો કરવાનો ટ્રેન્ડ ખૂબ લોકપ્રિય થઈ રહ્યો છે. સાડી સાથે કન્વેન્શનલ કે પરંપરાગત બ્લાઉઝ પહેરવાને બદલે શૉર્ટ કુરતી પેર કરવાનો કન્સેપ્ટ યુવતીઓમાં ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે. આ લુક માત્ર ફૅશનેબલ કે એલિગન્ટ દેખાય છે એવું નથી, પરંતુ એ અત્યંત આરામદાયક અને ફંક્શનલ પણ છે. જોકે આ ફ્યુઝન સ્ટાઇલને યોગ્ય રીતે કૅરી ન કરવામાં આવે તો આખો લુક મેસી કે અસંતુલિત દેખાઈ શકે છે. આ ટ્રેન્ડને પ્રૉપર્લી ફૉલો કરવા માટે ફૅબ્રિકની પસંદગી, ફિટિંગ અને ઍક્સેસરાઇઝિંગ વિશે વિગતવાર જાણવું જરૂરી છે.
સાડી સાથે શૉર્ટ કુરતી સ્ટાઇલ કરતી વખતે સૌથી મહત્ત્વની બાબત કુરતીની લંબાઈ છે. કુરતી બહુ લાંબી ન હોવી જોઈએ. સામાન્ય રીતે કમરથી થોડી નીચે અથવા હિપ્સના ઉપલા ભાગ સુધી આવતી કુરતી આ લુક માટે સૌથી શ્રેષ્ઠ ગણાય છે. જો કુરતી વધારે લાંબી હશે તો સાડીની પ્લીટ્સ ઢંકાઈ જશે અને સાડીનો મૂળ આકાર જળવાશે નહીં. આ ઉપરાંત સાઇડ સ્લિટ ધરાવતી કુરતી પસંદ કરવી જેથી સાડીનો પલ્લુ ડ્રેપ કરતી વખતે અને પ્લીટ્સ બનાવતી વખતે કમ્ફર્ટ જળવાઈ રહે.
સાડી અને કુરતી બન્નેના ફૅબ્રિક વચ્ચે વિઝ્યુઅલ બૅલૅન્સ હોવું જરૂરી છે. જો સાડી એકદમ લાઇટવેઇટ હોય - જેમ કે શિફોન, જ્યૉર્જેટ કે ઑર્ગન્ઝા - તો એની સાથે સહેજ સ્ટ્રક્ચર્ડ ફૅબ્રિકની કુરતી જેમ કે કૉટન, ચંદેરી કે સિલ્ક સારી લાગે છે. જો તમે ભારે બનારસી કે સિલ્કની સાડી પહેરી રહ્યા હો તો કુરતી સિમ્પલ અને પ્લેન રાખવી જોઈએ જેથી આખો લુક વધારે પડતો ઓવરલોડેડ ન લાગે.
શૉર્ટ કુરતી સાથે સાડી પહેરતી વખતે પલ્લુ કઈ રીતે લેવો એ આખા લુકનો આધાર નક્કી કરે છે. પલ્લુને પિન કર્યા વગર ખુલ્લો ખભા પર રાખો. આ સ્ટાઇલ રૉયલ અને કૅઝ્યુઅલ બન્ને લુક આપે છે. આ ઉપરાંત સાડીના પલ્લુને કુરતી પરથી વ્યવસ્થિત સેટ કરીને કમર પર એક મૅચિંગ કે સ્ટેટમેન્ટ કમરપટ્ટો બાંધવો. આનાથી વેસ્ટ લાઇન હાઇલાઇટ થાય છે અને આધુનિક લુક મળે છે. પલ્લુને ગળાની આસપાસ સ્કાફની જેમ લપેટીને પણ ટ્રેન્ડી લુક મેળવી શકાય છે.
કુરતીની નેકલાઇન સાડીના લુકને વધારે છે. બોટ-નેક, વી-નેક, ચાઇનીઝ કૉલર કે અંગરખા પૅટર્ન સાડી સાથે ખૂબ સુંદર ઉઠાવ આપે છે. જો કુરતી પર હેવી વર્ક હોય તો ગળામાં જ્વેલરી પહેરવાનું ટાળવું અને માત્ર સ્ટેટમેન્ટ ઇઅર-રિંગ્સ પહેરવાં. સ્લીવ્ઝની બાબતમાં થ્રી-ફોર્થ કે એલ્બો-લેન્થ સ્લીવ્ઝ આ ફ્યુઝન લુકમાં વધુ સોબર અને ગ્રેસફુલ દેખાય છે.
જો તમે એક જ કલરટોન એટલે કે મોનોક્રોમેટિક રાખવા માગતા હો તો સાડી અને કુરતી એક જ કલર ફૅમિલીનાં પસંદ કરી શકો છો જે ઊંચાઈનો આભાસ આપે છે, પણ જો કૉન્ટ્રાસ્ટ લુક જોઈતો હોય તો કલર બ્લૉકિંગ ટેક્નિકનો ઉપયોગ કરવો. દાખલા તરીકે પ્લેન રૉયલ બ્લુ કુરતી સાથે મસ્ટર્ડ યલો સાડી અથવા પેસ્ટલ પિન્ક કુરતી સાથે ઑફ-વાઇટ સાડી ખૂબ ઉઠાવ આપે છે. જો સાડી પ્રિન્ટેડ હોય તો કુરતી પ્લેન રાખવી અને જો સાડી પ્લેન હોય તો પ્રિન્ટેડ કે એમ્બ્રૉઇડરીવાળી શૉર્ટ કુરતી પસંદ કરવી.
ઑક્સિડાઇઝ્ડ સિલ્વર જ્વેલરી, સ્ટેટમેન્ટ રિંગ્સ અથવા બોલ્ડ ઝૂમખા આ લુક સાથે પર્ફેક્ટ મૅચ થાય છે. ફુટવેઅરમાં મોજડી, કોલ્હાપુરી ચંપલ કે બ્લૉક હીલ્સ આ આઉટફિટને સંપૂર્ણ ગ્રેસ આપે છે. શૉર્ટ કુરતી અને સાડીનું કૉમ્બિનેશન પરંપરા અને આધુનિકતાનો સુંદર સંગમ છે. ઇન્સ્ટાગ્રામ પર જોઈને આ ટ્રેન્ડ ટ્રાય કરતી વખતે તમારા બૉડી-ટાઇપ અને પર્સનલ કમ્ફર્ટને ધ્યાનમાં રાખીને ઉપર જણાવેલી બાબતોનું પાલન કરશો તો તમે કોઈ પણ પ્રસંગે ભીડથી અલગ અને સ્ટાઇલિશ દેખાઈ શકશો.