શિયાળામાં પગની આળપંપાળ કરવાનું ચૂકતા નહીં

04 February, 2020 03:28 PM IST  |  Mumbai | RJ Mahek

શિયાળામાં પગની આળપંપાળ કરવાનું ચૂકતા નહીં

પ્રતીકાત્મક તસવીર

આપણા શરીરના કોઈ અંગની સૌથી વધુ અવગણના થતી હોય તો એ છે આપણા ચરણકમલ, એટલે કે પગ. ગમે એટલાં મોંઘાં ફુટવેર પહેરીએ પણ જો એડી ફાટેલી હોય, નખ સરખા કાપ્યા નહીં હોય તો પૈસા પડી ગયા જેવું લાગે. શિયાળામાં ફુટ-કૅર માથાનો દુખાવો બની જાય છે, પણ કેટલીક ટિપ્સ આપનું ટેન્શન દૂર કરી શકે છે

૧. ફુટ-સ્ક્રબ

અઠવાડિયામાં એક વાર આપ નાહ્યા પછી તરત સ્ક્રબ કરી શકો છો, જેનાથી પગની મૃત ત્વચા એટલે કે ડેડ સ્કિન દૂર થશે. આજકાલ માર્કેટમાં ઘણા પ્રકારનાં ફુટ-સ્ક્રબ મળતાં થઈ ગયાં છે. આપ ઘરે પણ બનાવી શકો છો. કૉફી પાઉડરમાં થોડું નાળિયેર તેલ અને દળેલી ખાંડ મિક્સ કરીને પગ પર હળવા હાથે મસાજ કરી ધોઈ શકો છો. સ્કિન તડકાથી થોડી ડાર્ક થઈ હશે તો એ પણ દૂર થશે અને નાળિયેર તેલથી પગને મોઇશ્ચર પણ મળશે.

૨. ફેસની કાળજી

આપણે હંમેશાં ફેસની કાળજી પહેલાં લઈએ છીએ, પગનો વારો બહુ આવતો નથી, પણ પગને પણ થોડી માવજતની જરૂર છે. તમારા પગ બહુ ડ્રાય થઈ જતા હોય, ખાસ કરીને ઠંડીમાં તો તમે ફુટ-ક્રીમ કે ફુટ-બટર લગાવી શકો છો. ખર્ચ કર્યા વગર ઘરે આપ દિવસના કોઈ પણ બોડી-ફુટ લોશન કે ક્રીમ લગાવી શકો છો અને રાત્રે સૂતી વખતે પણ ખાસ અપ્લાય કરવું.

૩. મોજાં તમારાં બેસ્ટ ફ્રેન્ડ છે

ખાસ કરીને ઠંડીમાં જ્યારે હવા ખૂબ સૂકી હોય ત્યારે તમે મોજાંથી પગને ઢાંકેલા રાખો. આખો દિવસ તમને અજુગતું લાગે તો સ્કિન કલરનાં મોજાં પણ પહેરી શકાય. રાતે પગ ગરમ પાણીમાં ડુબાડી રાખીને ડેડ સ્કિન રિમૂવ કરી નાળિયેર તેલ કે કોઈ પણ ફુટ-ક્રીમ લગાવીને મોજાં પહેરીને સૂઈ જાઓ. સવારે એકદમ સૉફ્ટ-સૉફ્ટ પગ થઈ જશે.

૪. હૂંફાળું પાણી

શિયાળામાં ઠંડી લાગે એટલે આપણને એકદમ ગરમ પાણીમાં પગ ડુબાડવાનું મન થાય, પણ હૂંફાળું પાણી જ લેવું જેથી તમારા પગ ક્લીન પણ થશે. બહુ ગરમ પાણીથી સ્કિન ડ્રાય થવાનો ભય રહે છે. ફાટેલી એડીની બહુ તકલીફ હોય તો હૂંફાળા પાણીનો ઉપયોગ તમે રોજ કરી શકો છો.

૫. ફૂટવેરની પસંદગી

આપને ચંપલ, સ્લિપર કે બીજી ફૅશનનાં ફુટવેર બહુ પસંદ હોય, પણ ઠંડીમાં ખાસ કરીને અવૉઇડ કરો. જેમને કાયમ જ એડીઓ ફાટેલી રહેતી હોય તેમણે પગ જેટલા ઢંકાયેલા રહે એવાં ફુટવેર પસંદ કરવાં. જેટલો ભાગ ખુલ્લો રહેશે એમાં હવા અને ધૂળ લાગતાં રહેશે. મોજડી, બુટ કે જૂતી જેવાં ફુટવેર પહેરીએ જેનાથી પગને રક્ષણ મળે.

૬. પૅડિક્યોર

નિયમિત પાર્લરમાં જઈને તમે પૅડિક્યોર કરાવી શકો છો, જેનાથી તમારા પગની ચામડી સાથે નખ પણ સાફ રહેશે, પણ જો તમારી પાસે પાર્લરમાં જવાનો સમય ન હોય કે ખર્ચાળ લાગતું હોય તો આપ પૅડિક્યોર કિટ લાવી ઘરે પણ જાતે પૅડિક્યોર કરી શકો છો.

તો બસ હવે ફાટેલી એડી કે રફ પગની સમસ્યામાંથી તમને મળશે છુટકારો. બસ આ નાની-નાની પણ કામની ટિપ્સ જરૂર અપનાવજો.

fashion news fashion