09 September, 2026 03:10 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
બેલ્ટ સ્ટાઇલિંગ
મૅક્સી ડ્રેસ, લાંબી કુરતી કે ઓવરસાઇઝ્ડ શર્ટ જેવાં ઢીલાં અને સાદાં કપડાં આરામદાયક હોવાની સાથે-સાથે ખૂબ જ એલિગન્ટ લુક આપે છે. જોકે કેટલીક વાર આ કપડાંમાં શરીરનો શેપ સ્પષ્ટ દેખાતો નથી અને લુક થોડો ફ્લૅટ લાગે છે. આ સમયે બેલ્ટ ગેમચેન્જર સાબિત થાય છે. કયા આઉટફિટ સાથે કેવા બેલ્ટ યોગ્ય લાગશે એની સાચી સમજ હોવી જરૂરી છે.
મૅક્સી ડ્રેસ સામાન્ય રીતે ફ્લોઇ અને લાંબો હોય છે. મૅક્સી ડ્રેસ પર પહોળા લેધર અથવા ફૅબ્રિક બેલ્ટ ખૂબ જ સુંદર લાગે છે. એ કમરના ભાગને યોગ્ય રીતે હાઇલાઇટ કરે છે અને આખા લુકને એક સુઘડ શેપ આપે છે. સ્ટેટમેન્ટ બકલવાળો ઇલૅસ્ટિક બેલ્ટ મૅક્સી ડ્રેસ સાથે પહેરવાથી ટ્રેન્ડી લુક મળે છે.
ટ્રેડિશનલ અથવા ફ્યુઝન લુક માટે કુરતી પર બેલ્ટ પહેરવાનો ક્રેઝ હાલ ખૂબ જ લોકપ્રિય છે. કુરતી પર ઑક્સિડાઇઝ્ડ મેટલ, બાસ મટીરિયલ અથવા એમ્બ્રૉઇડરીવાળા બેલ્ટ ખૂબ સુંદર દેખાય છે. જો કુરતી કૅઝ્યુઅલ કે ઑફિસવેઅર માટે હોય તો મધ્યમ અથવા પાતળા ન્યુટ્રલ શેડના લેધર બેલ્ટ પસંદ કરી શકાય. એ કુરતીના ફ્લોને જાળવી રાખીને સુઘડ લુક આપે છે.
ઓવરસાઇઝ્ડ શર્ટમાં લુકને વધુ પડતો ઢીલો દેખાવા દેવાને બદલે એને સ્ટ્રક્ચર આપવું જરૂરી છે. શર્ટની ઉપર મધ્યમ પહોળાઈ ધરાવતો ક્લાસિક લેધર બેલ્ટ કમર પર બાંધવાથી કૅઝ્યુઅલ છતાં સ્માર્ટ લુક મળે છે. જો થોડો બોલ્ડ અને ફૅશન-ફૉર્વર્ડ લુક જોઈતો હોય તો ઓવરસાઇઝ્ડ શર્ટ સાથે કૉર્સેટ બેલ્ટ અથવા ડબલ બકલવાળા બેલ્ટ ઉત્તમ વિકલ્પ છે.