19 May, 2026 03:12 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સ્કિનકૅરમાં આઇસ ગ્લોબ્સનો લેટેસ્ટ ટ્રેન્ડ
આજકાલ બ્યુટી અને સ્કિનકૅરની દુનિયા ખૂબ જ ઝડપથી બદલાઈ રહી છે. પહેલાંના સમયમાં સુંદર અને ગ્લોઇંગ ત્વચા મેળવવા માટે માત્ર મોંઘી ક્રીમ, સિરમ કે ફેસમાસ્ક પર જ આધાર રાખવામાં આવતો હતો. જોકે હવે મૉડર્ન મહિલાઓ સ્કિનકૅર પ્રોડક્ટ્સ કરતાં પણ વધુ બ્યુટી-ટૂલ્સ અને ગૅજેટ્સ પાછળ ઇન્વેસ્ટ કરી રહી છે. ગુઆ શા અને જેડ રોલરની સફળતા પછી અત્યારે આઇસ ગ્લોબ્સ ધૂમ મચાવી રહ્યું છે
ઉનાળાની આકરી ગરમી અને હ્યુમિડિટીમાં ત્વચાને ઇન્સ્ટન્ટ કૂલિંગ અને ગ્લો આપવા માટે આઇસ ગ્લોબ્સ અત્યારે ગ્લોબલ ફૅશન ટ્રેન્ડ બની ગયું છે. આઇસ ગ્લોબ્સ હાથથી પકડીને વાપરી શકાય એવું સ્કિનકૅર ટૂલ્સ છે જેનો ઉપયોગ ચહેરાની ક્રાયો થેરપી અથવા કોલ્ડ થેરપી મસાજ માટે થાય છે. સામાન્ય રીતે એ મજબૂત બોરોસિલિકેટ ગ્લાસ અથવા સ્ટેનલેસ સ્ટીલમાંથી બનાવવામાં આવે છે અને એની અંદર ખાસ પ્રકારની કૂલિંગ જેલ ભરેલી હોય છે. ઉપયોગ કરતાં પહેલાં એને ફ્રિજમાં અથવા ફ્રીઝરમાં ઠંડું કરવામાં આવે છે. એ ત્વચાને શાંત કરવામાં, ચહેરાનો સોજો (પફીનેસ) ઘટાડવામાં અને બ્લડ-સર્ક્યુલેશન વધારવામાં મદદ કરે છે.
કેવી રીતે કામ કરે?
ફેસ અને આંખોનો સોજો ઉતારે છે : સવારે ઊઠતી વખતે જો ચહેરો અથવા આંખોની આસપાસનો ભાગ ફૂલેલો દેખાતો હોય તો આ ટૂલ મૅજિકલ કામ કરે છે. એની અદ્ભુત ઠંડક ચહેરાના સોજાને તરત જ ઓછો કરીને ફેસને ફ્રેશ લુક આપે છે.
ત્વચાને અંદરથી સાફ કરે છે (લિમ્ફેટિક ડ્રેનેજ) : ચહેરા પર આ ઠંડા ગ્લોબ્સને હળવા હાથે ફેરવવાથી સ્કિનની અંદર જમા થયેલું વધારાનું પ્રવાહી ગતિશીલ બને છે. આ એક પ્રકારનો નૅચરલ મસાજ છે જે ત્વચાનાં ઝેરી તત્ત્વોને બહાર કાઢવામાં મદદ કરે છે.
ઓપન પોર્સ ટાઇટ કરે છે : આઇસ ગ્લોબ્સનો કોલ્ડ મસાજ ચહેરાનાં મોટાં અને ખુલ્લાં છિદ્રોને અસ્થાયીરૂપે સંકોચીને નાનાં કરી દે છે. આનાથી ત્વચા એટલી સ્મૂધ થઈ જાય છે કે મેકઅપ ખૂબ સરસ રીતે બેસે છે.
થાક અને માથાના દુખાવામાં રાહત : જો કમ્પ્યુટરની સ્ક્રીન સામે સતત કામ કરીને આંખો થાકી ગઈ હોય તો આ મસાજ બેસ્ટ થેરપી છે. એ સાઇનસના પ્રેશરને હળવું કરે છે, ચહેરાના સ્નાયુઓને રિલૅક્સ કરે છે અને માથાના દુખાવામાં શાંતિ આપે છે.
નૅચરલ ગ્લો વધારે : મસાજ પૂરો થયા પછી ચહેરાની ત્વચા પાછી નૉર્મલ તાપમાન પર આવે છે ત્યારે ફેસ પર બ્લડ-સર્ક્યુલેશન ખૂબ ઝડપી બને છે. આ પ્રક્રિયાથી ત્વચાને પૂરતો ઑક્સિજન મળે છે અને ચહેરો અંદરથી ગ્લો કરવા લાગે છે.
પાર્લરમાં જઈને મોંઘા આઇસ ફેશ્યલ પાછળ હજારો રૂપિયા ખર્ચવા કરતાં આઇસ ગ્લોબ્સ વન ટાઇમ ઇન્વેસ્ટમેન્ટ છે. આ ઉનાળામાં તમારા સ્કિનકૅર રૂટીનને અપગ્રેડ કરવા માટે આ નાનકડી બ્યુટી ઍક્સેસરી બેસ્ટ ઑપ્શન છે.
ઉપયોગ કરવાની સાચી રીત
આઇસ ગ્લોબ્સનો મહત્તમ ફાયદો મેળવવા માટે એને સાચી રીતે વાપરવું જરૂરી છે.
સ્ટેપ ૧ : ઉપયોગની પંદરથી ૨૦ મિનિટ પહેલાં ગ્લોબ્સને ફ્રિજમાં મૂકી દો.
સ્ટેપ ૨ : ચહેરો બરાબર સાફ કરીને તમારું નિયમિત ફેસ ઑઇલ, સિરમ કે મૉઇશ્ચરાઇઝર લગાવો. ક્યારેય સૂકી ત્વચા પર ગ્લોબ્સ ન ઘસવું. ક્રીમ લગાવવાથી એ સ્મૂધલી ફરશે.
સ્ટેપ ૩ : હવે બન્ને હાથમાં ગ્લોબ્સ પકડીને ચહેરા પર હળવા હાથે મસાજ કરો. ફેસલિફ્ટિંગ લુક જોઈતો હોય તો હંમેશાં નીચેથી ઉપરની તરફ (ગળાથી જૉ લાઇન તરફ) ગ્લોબ્સ ફેરવો.