25 February, 2026 01:22 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
સોશ્યલ મીડિયા પર ગ્લાસ સ્કિન મેળવવાની હોડ જામી છે. બ્યુટી બ્લૉગર્સ અને ઇન્ફ્લુઅન્સર્સ આપણને સવાર-સાંજ ૧૦-૧૨ સ્ટેપ્સવાળા લાંબા સ્કિન-કૅર રૂટીન અનુસરવાની સલાહ આપે છે. રાત્રે સૂતા પહેલાં ચહેરા પર એક પછી એક સિરમ, તેલ અને ક્રીમના લેયર્સ કરવાં ફૅશન બની ગયું છે. આપણને લાગે છે કે જેટલી વધારે પ્રોડક્ટ્સ વાપરીશું એટલી ત્વચા વધુ યુવાન અને સુંદર દેખાશે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે આ હેવી સ્કિન-કૅર તમારી ત્વચાને રિપેર કરવાને બદલે નુકસાન પહોંચાડી રહ્યું છે?
સૌપ્રથમ એ સમજવું જરૂરી છે કે રિચ અને હેવી સ્કિન-કૅર વચ્ચે ઘણો મોટો તફાવત છે. રિચ સ્કિન-કૅર એટલે એવી પ્રોડક્ટ્સ જે ત્વચાને ઊંડાણપૂર્વક પોષણ આપે છે. એમાં હાયોલ્યુરૉનિક ઍસિડ, પેપ્ટાઇડ્સ કે સેરામાઇડ્સ જેવાં તત્ત્વો હોય છે જે ત્વચાની ભેજ જાળવી રાખવાની ક્ષમતા વધારે છે. આ પ્રકારનું રૂટીન ત્વચાના કુદરતી બૅરિયરને મજબૂત બનાવે છે. બીજી તરફ હેવી સ્કિન-કૅર એટલે જરૂરિયાત કરતાં વધારે પડતી પ્રોડક્ટ્સનો ઉપયોગ જ્યારે તમે એકસાથે ઘણાંબધાં ઍસિડ્સ, રેટિનોલ અને થિક ક્રીમનો ઉપયોગ કરો છો. આવી પ્રોડક્ટ્સને લીધે ત્વચા શ્વાસ લઈ શકતી નથી. આનાથી ત્વચા પર પ્રોડક્ટ્સનું એક એવું લેયર બની જાય છે જે પોર્સને બંધ કરી દે છે. જ્યારે ત્વચા પર એકસાથે અનેક હેવી ક્રીમ લગાવવામાં આવે છે ત્યારે એ છિદ્રોમાં ફસાઈ જાય છે, પરિણામે વાઇટહેડ્સ, બ્લૅકહેડ્સ અને ઍક્નેની સમસ્યા વધે છે. આપણી ત્વચાનું એક નૅચરલ સ્કિન બૅરિયર વધુપડતા કેમિકલયુક્ત એક્સફોલિએટર્સ અને સિરમ વાપરવાથી નબળું પડે છે, જેનાથી ત્વચા વધુ સંવેદનશીલ બની જાય છે અને લાલાશ કે બળતરા થવા લાગે છે. ત્વચાની પણ એક મર્યાદા હોય છે કે એ કેટલાં તત્ત્વો શોષી શકે. જરૂર કરતાં વધુ પ્રોડક્ટ્સ લગાવવાથી એ ત્વચાની સપાટી પર જ પડી રહે છે અને ગંદકી ચહેરા પર ચોંટે છે જે ઇન્ફેક્શનનું કારણ બની શકે છે. હેવી સ્કિન-કૅરને કારણે ત્વચા પોતાનું કુદરતી તેલ બનાવવાનું બંધ કરી દે છે અથવા તો વધુપડતું તેલ બનાવવા લાગે છે જે લાંબે ગાળે ત્વચાના ટેક્સચરને બગાડે છે.
સ્કિન-કૅર સાયન્સમાં સ્કિન મિનિમલિઝમનો ટ્રેન્ડ વધી રહ્યો છે અને સ્કિન-એક્સપર્ટ્સ પણ લેસ ઇઝ મોરના મંત્રમાં માની છે. રાતના સમયે ત્વચા પોતાની મેળે જ રિપેર થતી હોય છે. એ સમયે એને શ્વાસ લેવા માટે જગ્યા આપવી જોઈએ. તમારી સ્કિન-ટાઇપ પ્રમાણે પ્રોડક્ટ્સ પસંદ કરો. ક્લેન્ઝિંગ, મૉઇશ્ચરાઇઝિંગ અને પ્રોટેક્શન, આ ત્રણ પાયાનાં સ્ટેપ્સ પૂરતાં છે. જો જરૂર હોય તો જ સિરમનો ઉમેરો કરો. કોઈ પણ નવી પ્રોડક્ટ સીધી આખા ચહેરા પર લગાવવાને બદલે કાનની પાછળ ટેસ્ટ કરો. અઠવાડિયામાં એક રાત એવી રાખો જેમાં ત્વચા પર કશું જ ન લગાવો, જેથી એ કુદરતી રીતે શ્વાસ લઈ શકે.