સાડી વહી, અંદાઝ નયા : જાહ્‌નવી કપૂરે કરી રેટ્રો સ્ટાઇલને રિવાઇવ

28 May, 2026 11:38 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સાડી સાથે એક જ કલરનો સૉફ્ટ શિફોન કે જ્યૉર્જેટ દુપટ્ટો કૅરી કરવાનો ટ્રેન્ડ જાહ્‌નવીએ ફરી રિવાઇવ કર્યો છે ત્યારે તમે પણ રેટ્રો સ્ટાઇલ સિવાય આ લુકમાં નવા એક્સપરિમેન્ટ કરવા માગતા હો તો આ રહી સ્ટાઇલ ગાઇડ

જાહ‍્નવી કપૂર

ફૅશનવર્લ્ડમાં જૂની સ્ટાઇલને નવા ટ્વિસ્ટ સાથે રજૂ કરવાનો ક્રેઝ બહુ ચાલી રહ્યો છે અને ખાસ કરીને જ્યારે કોઈ સેલિબ્રિટી પ્રયોગો કરે ત્યારે એ નવો ફૅશન-ટ્રેન્ડ બની જાય છે. સામાન્ય રીતે લગ્નપ્રસંગે સાડી સાથે હેવી જરીકામવાળા કે બ્રૉકેડના દુપટ્ટા સ્ટાઇલ થતા જોયા છે, પણ બૉલીવુડ ઍક્ટ્રેસ જાહ્‌નવી કપૂરે આ પરંપરાગત શૈલીને મૉડર્ન અને મિનિમલ લુક આપીને ૯૦ના દાયકાની ફૅશનને રિવાઇવ કરી છે. આઇસ જેવા બ્લુ કલરની સૉફ્ટ શિફોન સાડી સાથે તેણે મૅચિંગ બૅન્ડો બ્લાઉઝ પેર કર્યું હતું. આ આખા લુકનું મુખ્ય આકર્ષણ સાડી સાથે પેર કરવામાં આવેલો એ જ કલરનો મૉનોટોન શિફોન દુપટ્ટો હતો. જાહ્‌નવીએ આ લાઇટ વેઇટ દુપટ્ટાને ગળાની આસપાસ ડ્રેપ કરીને પાછળની તરફ ખુલ્લો છોડ્યો હતો. એમાં નીચે ટસેલ્સની ડીટેલિંગ પણ હતી. આ ફૅશન એક્સપરિમેન્ટને કારણે તેનો આખો લુક રેટ્રો ગ્લૅમરસ અને કન્ટેમ્પરરી વાઇબ આપી રહ્યો હતો.

તમે કઈ રીતે સ્ટાઇલ કરી શકો?

જો તમે પણ કોઈ ફંક્શન કે કૅઝ્યુઅલ ગેટ-ટુગેધરમાં સાડી પહેરવાનું વિચારી રહ્યા છો અને ભારેખમ લુકને બદલે કંઈક નવું અને કમ્ફર્ટેબલ ટ્રાય કરવા માગો છો તો જાહ્‌નવીના આ લુકમાંથી પ્રેરણા લઈ શકાય. સાડી અને દુપટ્ટો અલગ-અલગ રાખવાને બદલે એક જ કલરનાં પસંદ કરો. ઉનાળા કે મૉન્સૂન દરમ્યાન પેસ્ટલ કલર્સ જેમ કે આઇસી બ્લુ, મિન્ટ ગ્રીન, લૅવન્ડર, સૉફ્ટ પિન્ક કે પીચ કલર ખૂબ જ એલિગન્ટ લુક આપશે.

ભારે સિલ્ક કે બનારસી સાડીને બદલે ફ્લુઇડ અને વજનમાં હલકું હોય એવું ફૅબ્રિક જેમ કે શિફોન, જ્યૉર્જેટ અથવા ઑર્ગન્ઝા પસંદ કરો. આ ફૅબ્રિક શરીર પર સુંદર રીતે ફિટ થાય છે અને ડ્રેપિંગમાં પણ સરળ રહે છે.

હેવી વેડિંગ લુકની જેમ દુપટ્ટાને ખભા પર પિન કરવાને બદલે એને ગળાની આસપાસ થોડો લૂઝ રાખીને ડ્રેપ કરો અને એના બન્ને છેડા પાછળની તરફ લટકતા રાખો. દુપટ્ટાની બૉર્ડર પર હળવી ટસેલ્સ કે નાની લેસ લગાવવાથી લુકમાં મૂવમેન્ટ અને ડ્રામા ઍડ થશે.

પરંપરાગત બ્લાઉઝને બદલે સ્ટ્રક્ચર્ડ બૅન્ડો બ્લાઉઝ, ટ્યુબ બ્લાઉઝ કે સ્લીવલેસ ક્રૉપ-ટૉપ સ્ટાઇલ બ્લાઉઝ પેર કરો. એ ટ્રેડિશનલ સાડીને એકદમ યુનિક અને મૉડર્ન ટચ આપશે.

ધ કેપ સ્ટાઇલ : જાહ્‌નવીની જેમ દુપટ્ટો ન રાખવો હોય તો દુપટ્ટાને સુપરહીરોના કૉસ્ચ્યુમમાં હોય છે એવી કેપ સ્ટાઇલમાં રાખી શકો છો. દુપટ્ટાને તમારી પીઠ પાછળ રાખો અને એના બન્ને છેડાને આગળ લાવીને તમારા બન્ને ખભા પર પિન કરી લો. આ સ્ટાઇલથી સાડી સાથે એક સુંદર શ્રગ અથવા કેપ જેવો લુક ક્રીએટ થાય છે જે ચાલતી વખતે ખૂબ જ ગ્રેસફુલ અને રૉયલ લાગે છે.

ફ્લોઇંગ ડ્રેપ : સાડીનો પલ્લુ જે ખભા પર હોય એનાથી વિરુદ્ધ એટલે કે જમણા ખભા પર દુપટ્ટાને પિન કરો. દુપટ્ટાનો આગળનો ભાગ ટૂંકો રાખો અને પાછળનો ભાગ લાંબો અને ખુલ્લો છોડી દો. આ સ્ટાઇલથી સાડીનો પલ્લુ અને દુપટ્ટો બન્ને અલગથી હાઇલાઇટ થાય છે અને મૉનોટોન હોવાને કારણે લુક જરાય લાઉડ નથી લાગતો.

ધ એલ્બો ડ્રેપ : આ એકદમ ક્લાસિક અને બૉલીવુડ ઇન્સ્પાયર્ડ રેટ્રો સ્ટાઇલ છે જે હૅન્ડ-ફ્રી રહેવા માટે પર્ફેક્ટ છે. દુપટ્ટાને ગળા કે ખભા પર નાખવાને બદલે પાછળથી બન્ને હાથની કોણીઓ પર લૂઝ રીતે ઓઢી લો. આ સ્ટાઇલ બ્લાઉઝની ડિઝાઇન અને સાડીના ફ્રન્ટ લુકને છુપાવતી નથી. જો તમારું બ્લાઉઝ હેવી કે યુનિક કટનું હોય તો આ ડ્રેપિંગ એના માટે બેસ્ટ ઑપ્શન છે.

બેલ્ટેડ મૉડર્ન લુક : દુપટ્ટાને એક ખભા પર પ્લીટ્સ વાળીને પિન કરો અને સાડીનો પલ્લુ બીજા ખભા પર નાખીને ટ્રેન્ડી મેટાલિક અથવા મૅચિંગ ફૅબ્રિકનો બેલ્ટ બાંધશો તો બૉડી કર્વ સુંદર દેખાય છે. મૉનોટોન દુપટ્ટા સાથે પ્રયોગ કરતી વખતે સાડીની પ્લીટ્સ અને પલ્લુને બહુ હેવી પિન-અપ કરવાને બદલે થોડું ફ્લુઇડ અને નૅચરલ રાખશો તો આખો લુક વધુ સૉફ્ટ અને મિનિમલિસ્ટિક લાગશે.

janhvi kapoor fashion fashion news life and style lifestyle news columnists