29 December, 2025 12:18 PM IST | Mumbai | Kajal Rampariya
તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા
કલાકો સુધી બેસીને સુકાવાની રાહ જોવી પડે એવી મેંદીના સ્થાને હવે ઇન્સ્ટન્ટ ગ્લૅમર આપતી સ્ટોન અને બિંદી મેંદી લગ્નોત્સવમાં આકર્ષણનું કેન્દ્ર બની છે. સોશ્યલ મીડિયા પર વાઇરલ થયેલો આ ટ્રેન્ડ હવે લગ્નમંડપ સુધી પહોંચી ગયો છે જેમાં માત્ર મેંદીથી નહીં પણ ડાયમન્ડ, કુંદન અને સ્ટોન્સનો રંગબેરંગી ઉપયોગ કરીને હાથને જ્વેલરી જેવો લુક આપવામાં આવી રહ્યો છે. ફ્યુઝન ફૅશનમાં મૉડર્ન મેંદીનો કન્સેપ્ટ છવાઈ ગયો છે.
પરંપરાગત મેંદી સુકાતાં અને રંગ આવતાં કલાકો લાગે છે ત્યારે ડાયમન્ડ-સ્ટોન મેંદી માત્ર ગણતરીની મિનિટોમાં તૈયાર થઈ જાય છે. માર્કેટમાં બિંદી મેંદીનો સેટ મળે છે જેની કિંમત ૫૦૦થી ૧૫૦૦ રૂપિયા સુધી હોય છે. આ સેટમાં સજાવેલા સ્ટોન્સ હોય છે જે હાથ પર સીધા લગાવી શકાય છે. હવે એમ્બેલિશ્ડ સ્ટોન્સ પણ આવી રહ્યા છે જે લગ્ન જેવા પ્રસંગોમાં હાથને ડેકોરેટિવ લુક આપે છે.
મેંદી-આર્ટિસ્ટો પણ હવે આ ટ્રેન્ડ અપનાવી રહ્યા છે. આર્ટિસ્ટ ટ્રેડિશનલ મેંદી અને કુંદન વર્કના ફ્યુઝનને યુઝ કરે છે. પરંપરાગત મેંદીની ડિઝાઇન બનાવીને એના ઉપર વચ્ચે-વચ્ચે સ્ટોન લગાવાય છે જેને લીધે મેંદીની ડિઝાઇનના અમુક હિસ્સા હાઇલાઇટ થાય છે. ઘણી વાર કલરફુલ મેંદી સાથે આઉટફિટ સાથે મેળ ખાતા સ્ટોન્સ લગાવવાથી હાથ વધુ સુંદર દેખાય છે.
આવા સ્ટોન લગાવવા માટે સ્કિન-સેફ ઍધીસિવ જેમ કે આઇ-લૅશ ગ્લુ અથવા સ્પેશ્યલ બૉડી ગ્લુનો ઉપયોગ કરવામાં આવે છે. જો કાળજી રાખવામાં આવે તો આ સ્ટોન એકથી બે દિવસ સુધી હાથ પર ટકી શકે છે. લગ્ન કે એન્ગેજમેન્ટ જેવાં ખાસ ફંક્શન્સ માટે બેસ્ટ ઑપ્શન છે.
ઘણા ફૅશન-ઇન્ફ્લુઅન્સર્સે ફ્યુઝન અને મૉડર્ન મેંદીના ટ્રેન્ડને ફૉલો કર્યો છે ત્યારે બ્લુ રાઇન સ્ટોનવાળી મેંદી પણ બહુ સરસ કન્સેપ્ટ છે. જોતાં જ આંખોને ગમી જાય એવી આ મેંદીને ગ્લુની મદદથી લગાવવામાં આવે તો ખરેખર એનો મેકઓવર થઈ જાય છે.
આ ટ્રેન્ડી મેંદી માટે કલાકો સુધી બેસવાની જરૂર પડતી નથી. સમય ન હોય અને પ્રસંગમાં બધા કરતાં યુનિક દેખાવું હોય તો આ કન્સેપ્ટ તમારા માટે છે.
આની બીજી વિશેષ ખાસિયત એ છે કે તમારા આઉટફિટના કલર મુજબ સ્ટોન્સને પસંદ કરી શકાય છે. હાથમાં વીંટી કે બંગડી સાથે મૅચ થતા ડાયમન્ડ લગાવી શકાય. એટલે મન ફાવે ત્યારે તમે તમારા મનગમતા સ્ટોન્સ ચીપકાવીને મેંદી લગાવી શકો છો.
જેમને મેંદીથી ઍલર્જી છે અથવા કલર કે સ્મેલ પસદ ન હોય એવા લોકો માટે સ્ટોન મેંદી શ્રેષ્ઠ વિકલ્પ છે.
આ મેંદી પરંપરાગત મેંદીની જેમ અઠવાડિયા સુધી ટકતી નથી. એ માત્ર એકથી બે દિવસ સુધી જ સારી લાગે છે.
જો તમારી સ્કિન વધારે સેન્સિટિવ હોય તો સ્ટોન્સને ચોંટાડવા માટે વપરાતું ગ્લુ ખંજવાળ કે રૅશિસનું કારણ બની શકે છે.
જો ઘડી-ઘડી પાણીમાં હાથ નાખવાનો હોય એટલે કે કિચનનું કામ હોય તો સ્ટોન નીકળી શકે છે અને એને કારણે ડિઝાઇન અધૂરી લાગી શકે છે. આવી મેંદી લગાવવાથી નીકળવાનો ડર વધુ હોય છે. તેથી જો પાણીમાં હાથ ન નાખવાનો હોય તો જ આ મેંદી લગાવવી.
જો તમે ઘરે જાતે જ સ્ટોન મેંદીનો લુક ક્રીએટ કરવા માગતા હો તો સ્ટોન્સ લગાવવા માટે જે ગ્લુ વાપરો એની પહેલાં કાંડાના નાના ભાગ પર ટેસ્ટ કરી લો જેથી ઍલર્જીની ખબર પડે.
સ્ટોન્સ લગાવતાં પહેલાં હાથને સાબુથી ધોઈને બરાબર સૂકવી લો. સ્કિન પર લોશન કે ઑઇલ હશે તો સ્ટોન્સ બરાબર ચોંટશે નહીં.
હંમેશાં સ્કિન-ફ્રેન્ડ્લી બૉડી-ગ્લુ અથવા સારી બ્રૅન્ડના આઇ-લૅશ ગ્લુનો જ ઉપયોગ કરો. ફેવિક્વિક કે અન્ય હાર્ડ ગ્લુ ક્યારેય ન વાપરવાં.
આખો હાથ સ્ટોન્સથી ભરવાને બદલે ટ્રેડિશનલ મેંદીની ડિઝાઇનમાં વચ્ચે-વચ્ચે સ્ટોન્સ મૂકો. આનાથી જો એકાદ સ્ટોન નીકળી પણ જાય તો ડિઝાઇન ખરાબ નહીં લાગે.
સ્ટોન્સ કાઢવા માટે એને જોરથી ખેંચવાને બદલે ઑઇલ-બેઝ્ડ મેકઅપ રિમૂવર અથવા કોકોનટ ઑઇલનો ઉપયોગ કરો જેથી સ્કિનને નુકસાન ન થાય.