કફ્તાન સાડી તમે વસાવી લીધી કે નહીં ?

30 April, 2025 07:00 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ નવી જ સ્ટાઇલ હમણાં વાઇરલ થઈ છે અને ઑનલાઇન પ્લૅટફૉર્મ્સ પર મળી રહી છે. ખરીદતી વખતે શું ધ્યાન રાખવું? એની સાથે કઈ ઍક્સેસરીઝ કૅરી કરવી? આ અને આવી બીજી બાબતો અમે એક્સપર્ટ પાસેથી જાણવાનો પ્રયત્ન કર્યો.

કફ્તાન સાડી

ફ્રીહૅન્ડ સાડીનો કન્સેપ્ટ ધીરે-ધીરે પ્રચલિત થઈ રહ્યો છે. અમુક જણ એને કફ્તાન સાડી પણ કહે છે. ફ્રીહૅન્ડ એટલે પહેરો અને પાલવમાં ખાસ ડિઝાઇન કરેલા લૂપમાં હાથ નાખી દો એટલે પાલવ ફિક્સ થઈ જાય. વધુ સાચવણી ન કરવી પડે અને હાથ ફ્રી રહે. જો એ લૂપને ગળામાં પહેરી લો તો એનો લુક કફ્તાન ડ્રેસ પહેર્યો હોય એના જેવો આવે એટલે એને કફ્તાન સાડી પણ કહે છે. થોડા વખત પહેલાં બૉલીવુડની અભિનેત્રી દિયા મિર્ઝા આવી કફ્તાન સાડીમાં દેખાઈ હતી. હમણાં એક સોશ્યલ મીડિયા ઇન્ફ્લુએન્સરે પણ પોતાની રીલમાં આ સાડી પહેરી હતી અને હવે આ સાડી વાઇરલ થઈ ગઈ છે. હવે તો ઘણાંબધાં ઑનલાઇન પ્લૅટફૉર્મ પર આ સાડી દેખાઈ અને વેચાઈ રહી છે. ક્યારેક એવું થાય કે આવો કોઈ હટકે ફૅશનનો ટ્રેન્ડ આવે ત્યારે ઘણાને અવઢવ થાય કે લેવું કે નહીં? મારા પર સારી લાગશે કે નહીં? તમને પણ આવા સવાલ થતા હશે, નહીં? તો આ તદ્દન જુદા પ્રકારની સાડી કોણે પહેરવી જોઈએ? પહેરવી હોય તો શું ધ્યાન રાખવું? ખરીદતી વખતે શું ધ્યાન રાખવું? એની સાથે કઈ ઍક્સેસરીઝ કૅરી કરવી? આ અને આવી બીજી બાબતો અમે એક્સપર્ટ પાસેથી જાણવાનો પ્રયત્ન કર્યો.

મુલુંડનાં ફૅશન-ડિઝાઇનર યોગિતા ભાનુશાલી કહે છે, ‘ધીમે-ધીમે આ ટ્રેન્ડ આવી રહ્યો છે અને એવું લાગે છે કે એ ખૂબ ચાલશે. કશુંક સાવ હટકે છે આ. લોકોને આવી સાડીઓ પહેરવી પણ છે અને સાથે મૂંઝવણ પણ છે. મારા ક્લાયન્ટ્સ આવા જ પ્રશ્નો પૂછી રહ્યા છે. આ પ્રકારની સાડી ખરીદતી વખતે એ ધ્યાન રાખવું કે એનું ફૅબ્રિક સૉફ્ટ અને ફૉલિંગ હોવું જોઈએ. મુખ્યત્વે ક્રેપ સિલ્ક, સૅટિન, જ્યૉર્જેટ, સૅટિન પ્લસ સિલ્ક, લક્ઝુરિયસ સૅટિન જેવાં ફૅબ્રિક્સ હોય તો બેસ્ટ લુક આપશે. આ સાડીઓ પહેરવામાં અને આખો દિવસ કૅરી કરવામાં પણ સરળ છે. મજાની વાત એ છે કે એમાં ટ્રેડિશનલ અને વેસ્ટર્ન એમ બેઉ લુક ક્રીએટ કરી શકાય છે. બર્થ-ડે પાર્ટી હોય, ઑફિસમાં પહેરવી હોય કે પછી એમ જ ક્યાંક જઈ રહ્યા હો ત્યારે ટ્રાય કરજો. આ સાડી કોઈ પણ નૉર્મલ ઇવેન્ટમાં પહેરી શકાશે. હજી હમણાં જ આવી છે એટલે કોઈને લગ્ન કે સગાઈ જેવા પ્રસંગે પહેરેલી નથી જોઈ, પરંતુ એવું લાગે છે કે એ એમાં પણ ચાલી જશે. તમે આ સાડી સાથે ઍક્સેસરીઝ કેવી પહેરો છો એના પર ઑફિસ કે નૉર્મલ લુક કે પછી હેવી લુક ક્રીએટ કરી શકાશે.’

સ્ટાઇલિંગ કેવી રીતે કરવું?
સ્ટાઇલિંગ બાબતે ટિપ આપતાં યોગિતા ભાનુશાલી કહે છે, ‘આમાં મહત્ત્વની વાત એ છે કે ઍક્સેસરીઝ કેવી પહેરવી? આ સવાલનો સાવ સાદો જવાબ એ છે કે તમારે સાડી ક્યાં પહેરવી છે અથવા કેવો લુક ક્રીએટ કરવો છે. બ્લાઉઝની પૅટર્ન કેવી છે એ પ્રમાણે જ ગળામાં કશું પહેરવું હોય તો પહેરવું. જો તમે ગળામાં હેવી પહેરો છો તો કાનમાં ઇઅર-રિંગ્સ લાઇટ પહેરવાનાં અને જો ગળામાં લાઇટ પહેરતાં હો તો ઇઅર-રિંગ્સ મોટાં રાખી શકાય. સાથે હાથમાં રિંગ અથવા કડું પહેરવું. જોકે જે હાથમાં પલ્લુ કૅરી કર્યો હોય એ હાથમાં હેવી કશું જ ન પહેરવું. એકદમ ન્યુડ લુક જોઈતો હોય તો માત્ર કાનમાં સ્ટડ્સ પહેરવા. આ સાડીની સાથે ફુટવેઅર પણ થોડાક બેઝિક કહી શકાય એવાં પહેરવાં હિતાવહ છે. આ સાડીનો લુક જ એટલો અટ્રૅક્ટિવ અને યુનિક છે કે એની સાથે યુનિકનેસને ઝાંખી પાડી દે એવું બીજું કશું જ ન પહેરવું જોઈએ. અને હા, મોસ્ટ્લી આ સાડી પાતળા લોકો પર વધુ સૂટ થશે એવું લાગે છે, પરંતુ એવો કોઈ નિયમ નથી. જેને પહેરવી હોય તે પહેરે અને ભરપૂર આત્મવિશ્વાસથી પહેરે તો સરસ જ લાગવાની છે.’

fashion news fashion lifestyle news life and style beauty tips tips