તમારી મેકઅપ કિટને રાખો વાઇરસ-ફ્રી

27 July, 2021 07:13 PM IST  |  Mumbai | Varsha Chitaliya

કોરોનાકાળમાં લાંબા સમયથી આઇલાઇનર, લિપસ્ટિક, કાજલ, કૉમ્પૅક્ટ જેવી પ્રોડક્ટ્સ વાપર્યા વિનાની પડી હોય તો ભવિષ્યમાં આ કૉસ્મેટિક્સના કારણે ત્વચાને થતા નુકસાનથી બચવા શું કરવું જોઈએ એ જાણી લો

તમારી મેકઅપ કિટને રાખો વાઇરસ-ફ્રી

વર્કિંગ વિમેન હોય કે હાઉસવાઇફ, બ્યુટિફુલ દેખાવું દરેક મહિલાને ગમતું હોવાથી તેમના ડ્રેસિંગ ટેબલ પર ઢગલાબંધ કૉસ્મેટિક્સ જોવા મળે છે. જોકે કોવિડના સમયમાં વર્ક ફ્રૉમ હોમ અને ફેસ્ટિવલની ઉજવણી પર પાબંદીના કારણે બ્યુટી પ્રોડક્ટ્સનો વપરાશ ઘટી ગયો છે. લાંબા સમયથી વપરાયા વગરની પડેલી આ પ્રોડક્ટ્સથી ભવિષ્યમાં ત્વચાને લગતી સમસ્યા ઊભી થઈ શકે છે. તેથી સમય રહેતાં તમારી મેકઅપ કિટને રી-અરેન્જ કરી લેવામાં ભલાઈ છે. ડે ટુ ડે લાઇફમાં વપરાતી તમારા બ્યુટી પ્રોડક્ટ્સને બદલવાનો સમય આવી ગયો છે કે નહીં એ સમજી લો. 
હાઇજીનિક મેકઅપ | બ્યુટી પ્રોડક્ટ્સની વાત કરવા બેસીએ તો વાઇડ રેન્જ છે, પરંતુ આપણે રેગ્યુલર યુઝમાં લેવાતાં કૉસ્મેટિક્સની વાત કરીશું એમ જણાવતાં ઘાટકોપરના મેકઅપ આર્ટિસ્ટ દક્ષા નાથાણી કહે છે, ‘જેમ પીવાના પાણી માટે વૉટર પ્યૉરિફાયર જરૂરી છે એવી જ રીતે આપણી સ્કિન માટે હાઇજીનિક મેકઅપ જોઈએ. ઘણા વખતથી વાપર્યા વગરની બ્યુટી પ્રોડક્ટ્સનો ઉપયોગ કરતાં પહેલાં સ્પિરિટ અથવા વેટ ટિશ્યુથી ક્લીન કરી એને બૅક્ટેરિયા-ફ્રી કરો. મેકઅપ અપ્લાય કરતાં પહેલાં તમારા હાથ, મેકઅપ માટે વપરાતાં બ્રશ, સ્પન્જ અને અન્ય ટૂલ્સ સ્વચ્છ હોવાં જરૂરી છે. સમયાંતરે મેકઅપ બ્રશ અને સ્પન્જને ડેટોલ અથવા મેકઅપ રિમૂવરથી વૉશ કરવાં. એના પર ધૂળ અને ભેજ ન લાગે એનું ધ્યાન રાખો.’
લાઇફ કેટલી? | દરેક પ્રોડક્ટની ચોક્કસ લાઇફ હોય છે એવી માહિતી આપતાં તેઓ કહે છે, ‘આંખો સુંદર દેખાય એ માટે કાજલ અને આઇલાઇનર લગાવવાં બધી મહિલાઓને ગમતું હોય છે. આ પ્રોડક્ટને છ મહિનાની અંદર યુઝ કરી લેવી. લિપસ્ટિક સારી છે કે ખરાબ એની પણ સાઇન છે. લિપસ્ટિકને લગાવતી વખતે હોઠ પર પિગમન્ટ બરાબર ન આવે અથવા સ્મેલ ચેન્જ થઈ ગઈ હોય તો ડસ્ટબિજનમાં નાખી દેવી. બ્રૅન્ડેડ લિપસ્ટિકની આવરદા દોઢ વર્ષ સુધીની હોય છે. કૉમ્પૅક્ટને બે વર્ષ સુધી વાપરવામાં વાંધો આવતો નથી. જોકે ઘણી વાર એવું બને કે પ્રોડક્ટ વહેલી ખરાબ થઈ જાય. એને ઓળખવા માટે પિગમન્ટ લેયર પર ધ્યાન આપવું. મેકઅપ બ્રશની પણ લાઇફ છે. બ્રશના હેર સ્કિન પર વાગતા હોય અથવા હેર ખરી પડતા હોય તો એને બદલવાનો સમય આવી ગયો છે.’ 
રીડિંગની ટેવ | બ્યુટી પ્રોડક્ટ્સની એક્સપાયરી ડેટ રીડ કરવાની ટેવ પાડવી જોઈએ એવી ભલામણ કરતાં દક્ષાબહેન કહે છે, ‘બૉક્સ ફેંકતાં પહેલાં માર્કર અથવા સ્કેચ પેનથી પ્રોડક્ટની પાછળ છેલ્લી તારીખ નોંધી રાખવી. ત્વચાની સંભાળમાં કૉમ્પ્રોમાઇઝ ન કરવું. મોંઘાં કૉસ્મેટિક્સ ફેંકી દેતાં એક વાર જીવ બળશે પણ સ્કિનકૅરની દૃષ્ટિએ જોશો તો સસ્તું પડશે, કારણ કે ત્વચાના રોગની સારવાર ઘણી મોંઘી છે.’

નોટડાઉન કરી લો

ઘણી મહિલાઓને પોતાની બ્યુટી પ્રોડક્ટ્સ ફૅમિલી મેમ્બર્સ અથવા ફ્રેન્ડ્સ સાથે શૅર કરતી હોય છે એનાથી ઍક્ને, પિગમેન્ટેશન જેવા સ્કિન ઇન્ફેક્શનની શક્યતા રહે છે. ખાસ તો લિપસ્ટિક ડાયરેક્ટ હોઠના સંપર્કમાં આવતી હોવાથી એકબીજાની વાપરવી નહીં. બીજાના ઉપયોગ કરેલા મસ્કરા‍, કાજલ કે આઇલાઇનર વાપરવાથી આંખનું ઇન્ફેક્શન થવાનો ભય રહે છે. બાથ સ્પન્જ, લૂફા, હેરકલરનાં બ્રશ, કાંસકો પણ પર્સનલ હાઇજીનના લિસ્ટમાં આવે છે.

  લાંબા સમયથી વાપર્યા વગરની બ્યુટી પ્રોડક્ટ્સને સ્પિરિટ અથવા વેટ ટિશ્યુથી ક્લીન કરી બૅક્ટેરિયા-ફ્રી કરો. દરેક પ્રોડક્ટની એક્સપાયરી ડેટ જોવાનું ન ભૂલવું - દક્ષા નાથાણી, મેકઅપ આર્ટિસ્ટ

fashion news fashion columnists