ઉનાળાની આકરી ગરમીમાં કિમોનો શ્રગ બનશે તમારું સ્ટાઇલ-સ્ટેટમેન્ટ

11 May, 2026 11:51 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

જો તમે તમારા રોજિંદા આઉટફિટથી કંટાળી ગયા હો અને એને સેકન્ડોમાં જ ગ્લૅમરસ બનાવવા માગતા હો તો કિમોનો શ્રગ તમારું બેસ્ટ ફ્રેન્ડ બની શકે છે. જીન્સ હોય કે વન-પીસ, એક હળવું અને કલરફુલ કિમોનો શ્રગ તમારા આખા લુકને બદલી નાખવાની તાકાત ધરાવે છે

સ્ટાઇલિશ લુક

ફૅશન એટલે માત્ર નવાં કપડાં પહેરવાં એવું નથી, જૂનાં જ આઉટફિટ્સને નવી રીતે રજૂ કરવાની કળા પણ છે. વાત જ્યારે લેયરિંગની આવે ત્યારે કિમોનો શ્રગથી વધુ આરામદાયક અને વર્સેટાઇલ બીજું કંઈ હોઈ શકે નહીં. ભલે ગરમી હોય કે ઑફિસની ACની ઠંડક, આ એક એવું આઉટફિટ છે જે સ્ટાઇલ અને કમ્ફર્ટનું પર્ફેક્ટ કૉમ્બિનેશન છે. તો ચાલો તમારા વૉર્ડરોબમાં રહેલા કિમોનો શ્રગને અલગ-અલગ પ્રસંગોએ કેવી રીતે સ્ટાઇલ કરી શકાય એ જાણીએ.

કિમોનો શ્રગ જપાનના પરંપરાગત પોશાક કિમોનોનું આધુનિક અને ફૅશનેબલ સ્વરૂપ છે. સરળ ભાષામાં કહીએ તો આ એક એવું હળવું અને ઢીલું જૅકેટ છે જે ખાસ કરીને ઉનાળામાં સ્ત્રીઓના વૉર્ડરોબમાં અનિવાર્ય બની ગયું છે. એ એક ઓપન ફ્રન્ટ (આગળથી ખુલ્લું) વસ્ત્ર છે. એમાં સામાન્ય જૅકેટની જેમ બટન, ઝિપ કે હુક હોતાં નથી. એની સૌથી મોટી ઓળખ એની T શેપ ડિઝાઇન અને પહોળી, ઢીલી સ્લીવ્સ  છે. એ મોટે ભાગે રેશમ, શિફૉન, જ્યૉર્જેટ કે હળવા કૉટન જેવા કાપડમાંથી બનાવવામાં આવે છે જેથી પવનમાં લહેરાતું રહે.

એની મુખ્ય ખાસિયતો

વર્સેટિલિટી : કિમોનો શ્રગની સૌથી મોટી ખાસિયત એ છે કે એ કોઈ પણ કપડાં સાથે સેટ થઈ જાય છે. તમે એને જીન્સ અને ટી-શર્ટ, શૉર્ટ્સ, સ્વિમવેઅર કે સાદા કુરતા પર પણ પહેરી શકો છો. એ સાધારણ લુકને પણ તરત જ સ્ટાઇલિશ બનાવી દે છે.

ગરમીમાં રક્ષણ : ઉનાળામાં જ્યારે આપણે તડકાથી બચવા માટે આખી બાંયનાં કપડાં પહેરવા માગતા હોઈએ ત્યારે એ બેસ્ટ છે. એ શરીરે વળગતું નથી અને એનું કાપડ ખૂબ જ પાતળું હોવાથી હવાની અવરજવર જળવાઈ રહે છે જેનાથી ગરમી લાગતી નથી.

દરેક બૉડી-ટાઇપ માટે પર્ફેક્ટ : એનો આકાર ઢીલો (ઓવરસાઇઝ્ડ) હોવાને કારણે એ દરેક પ્રકારના શરીરની બનાવટ પર સુંદર લાગે છે. એ શરીરના વધારાના ભાગોને સરસ રીતે કવર કરે છે અને લુકને વધુ સ્લિમ અને ગ્રેસફુલ બનાવે છે.

લાઇટવેઇટ અને ટ્રાવેલ-ફ્રેન્ડ્લી : આ શ્રગ વજનમાં ખૂબ જ હળવું હોય છે અને તમારી બૅગમાં બહુ ઓછી જગ્યા રોકે છે. વેકેશન પર જવા માટે આ સૌથી ઉત્તમ ફૅશન-આઇટમ છે, કારણ કે એને ઇસ્ત્રીની ઝંઝટ ઓછી રહે છે.

ઇન્સ્ટન્ટ ગ્લૅમર : જો તમે કોઈ પ્લેન સફેદ કે કાળાં કપડાં પહેર્યાં હોય અને એના પર કલરફુલ ફ્લોરલ કિમોનો શ્રગ નાખી દો તો તમે કોઈ મહેનત વગર પાર્ટી કે આઉટિંગ માટે તૈયાર થઈ જાઓ છો.

કઈ રીતે સ્ટાઇલ કરશો?

કૅઝ્યુઅલ લેયરિંગ : એકદમ સિમ્પલ અને સ્ટાઇલિશ દેખાવા માટે પ્લેન ટી-શર્ટ અને જીન્સ પર ખુલ્લું કિમોનો પહેરો. એ એક એફર્ટલેસ ચિક લુક આપશે.

બોહો અને ફેસ્ટિવલ લુક : તહેવારો કે ફંક્શન માટે ફ્રિન્જ (ઝાલર) અથવા વાઇબ્રન્ટ પ્રિન્ટવાળું કિમોનો પસંદ કરો. એને ડેનિમ શૉર્ટ્સ અને બોહો ઍક્સેસરીઝ સાથે પેર કરો.

ડ્રેસ-અપ : રાત્રે બહાર જવા માટે સિલ્ક અથવા સૅટિનના કિમોનોને બૉડીકૉન ડ્રેસ અથવા સ્લિપ ડ્રેસ સાથે પહેરો. એ તમારા સાધારણ ડ્રેસને પણ લક્ઝરી લુક આપશે.

વર્કપ્લેસ-ફ્રેન્ડ્લી : ઑફિસ માટે સોબર અથવા ન્યુટ્રલ પૅટર્નવાળું કિમોનો પસંદ કરો. એને ફૉર્મલ ટ્રાઉઝર (પૅન્ટ) અને પ્લેન બ્લાઉઝ કે ટૉપ સાથે
લેયર કરો.

બીચ કવર-અપ : બીચ પર સ્ટાઇલિશ દેખાવા માટે સ્વિમવેઅરની ઉપર નેટ અથવા લેસવાળા કિમોનોનો ઉપયોગ કરો.

fashion news fashion life and style lifestyle news gujarati mid day