ટ્‍વિનિંગ કરવાનું વિચારતા હો તો આટલું જાણી લેજો

29 November, 2022 04:43 PM IST  |  Mumbai | Rupali Shah

સોશ્યલ ફંક્શન્સમાં યુગલ કે પછી આખી ફૅમિલી માટે એકસરખી થીમ ટ્રેન્ડમાં છે ત્યારે તમને જો આવું કરવાની ઇચ્છા હોય તો ફૅશન ડિઝાઇનર પાસેથી સમજી લો કે કેવી ભૂલો ન કરવી

ટ્‍વિનિંગ કરવાનું વિચારતા હો તો આટલું જાણી લેજો

એક સમય હતો જ્યારે સોશ્યલ ફંક્શનમાં તમે બધાથી જુદા દેખાઓ એ માટે ડિફરન્ટ કલર, ડિફરન્ટ પૅટર્નવાળું સ્ટાઇલિંગ કરો તો યુનિક દેખાતા હતા, પણ હવે વાતાવરણમાં જરાક બદલાવ આવ્યો છે. સોશ્યલ ફંક્શનમાં કપલ તરીકે કે ફૅમિલી તરીકે તમે અલગ તરી આવો એવું મૅચિંગ કરવાનો ટ્રેન્ડ છે. વર-વધૂમાં ટ્‍વિનિંગ કરવાનું ચલણ તો ઘણાં વર્ષોથી આવ્યું છે, પણ હવે મહેમાન યુગલો પણ ટ્‍વિનિંગ પર બહુ ભાર આપે છે. એવું મનાય છે કે એમ કરવાથી યુગલ વચ્ચેનો પ્રેમ, અન્ડરસ્ટૅન્ડિંગ અને ટ્યુનિંગ વધુ સારું છે એવું લાગે છે. અલબત્ત, તમે જો નવું-નવું ટ્‍વિનિંગ શરૂ કરતા હો તો આટલી કાળજી રાખજો.

પીયૂષ શાહ

બન્નેને સૂટ શું થશે? | જ્યારે તમે કપલ સાથે મૅચિંગ કરતા હો ત્યારે શરૂઆતમાં એકદમ હટકે એક્સપરિમેન્ટ્સ કરવાનું ટાળવું. બન્નેનું ફિઝિકલ સ્ટ્રક્ચર, બૉડી-લૅન્ગ્વેજ અને પર્સનાલિટીને અનુકૂળ આવે એવા સેફ પ્રયોગ કરવા. લેડીઝને વાઇબ્રન્ટ રંગ પહેરવા હોય ત્યારે તમારો પાર્ટનર એ વાઇબ્રન્ટ રંગ કૅરી કરી શકે એવો કૉન્ફિડન્ટ હોય એ જરૂરી છે. શરૂઆતમાં એવા રંગોથી ટ્વિનિંગ શરૂ કરવું જેમાં બન્ને પાર્ટનર કમ્ફર્ટેબલ હોય. 

મૅચિંગમાં કૉમ્બિનેશન | મોટા ભાગે તમે એકસરખા રંગ કે પૅટર્ન સાથે મૅચ થાય એવું કૉમ્બિનેશન રેડીમેડમાં નહીં મળે. ધારો કે મળે તો પણ એ તમારી પર્સનાલિટીને સૂટ થાય એવું હશે કે નહીં એ પણ કહી શકાય એવું નથી. ટ્‍વિનિંગ માટે કસ્ટમાઇઝેશન ઇઝ મસ્ટ. થાણે અને મુલુંડમાં ફૅબ્રિક સ્ટુડિયો ધરાવતા ફૅશન-ડિઝાઇનર પીયૂષ શાહ કહે છે, ‘કપલ, કિડ્સ, મૉમ ઍન્ડ ડૉટર તેમ જ ફૅમિલી કૉમ્બો ટ્‍વિનિંગ માટે કસ્ટમાઇઝ્‍ડ ડિઝાઇનિંગ કરવું જરૂરી છે. ટ્‍વિનિંગમાં કલર, ફૅબ્રિક અને પ્રિન્ટ સરખી જોઈતી હોય તો રેડીમેડમાં એ મળવું મુશ્કેલ છે. આને માટે કસ્ટમાઇઝેશન કરી આપતાં ફૅબ્રિક સ્ટુડિયો અત્યારે ખૂબ ઇન છે. બાળકો, નાનાં-મોટાં ગર્લ્સ-બૉય્‍સ બધાને ચાલે એવા કલર, સ્ટાઇલ પ્રિન્ટના ફૅબ્રિક તમને આવા સ્ટુડિયોમાં મળી રહે છે. જો આ કૉમ્બિનેશન બરાબર થયું તો તમારું ટ્વિનિંગ કદી ફેલ નહીં થાય.’

ટ્રેન્ડમાં શું છે ઇન? | ફેસબુક, ઇન્સ્ટાગ્રામ જેવી સોશ્યલ મીડિયા સાઇટ પર લોકોને ફોટો મૂકવા ગમતા હોય છે એટલે ફોટોમાં શું સારું લાગશે એ પહેલો વિચાર હોય છે એમ જણાવતાં પીયૂષ શાહ કહે છે, ‘ફોટોગ્રાફમાં તમે યુનિક લાગો એટલે લગ્નમાં પણ આજે એકસરખા કલરનાં કપડાં પહેરવાનો ટ્રેન્ડ છે. હલદીમાં પીળો, મેંદી ફંક્શનમાં લીલો, લગ્નપ્રસંગે રેડ ઍન્ડ વાઇટ રંગના ટ્‍વિનિંગની થીમ બની ગઈ છે. રિસેપ્શનમાં મોટા ભાગે કપલ ટ્‍વિનિંગ જ જોવા મળે છે. અત્યારે પેરન્ટ્સ અને બાળકો તેમ જ ફૅમિલી કૉમ્બો ટ્‍વિનિંગની બોલબાલા છે. એ ખૂબ આઇ કૅચી લાગે છે. અત્યારે નેટ અને સાટિન મટીરિયલ સૌથી વધુ ચાલે છે. ફ્રોઝન, મરમેડ વગેરે થીમ સાથે મૅચ થતી હેરબૅન્ડ, બેલ્ટ, ટ્રેલ જેવી વિવિધ ઍક્સેસરીઝ પણ હોય છે.’

columnists fashion fashion news