જાણો આજકાલ કયા પ્રકારની નેમપ્લેટ્સ બની રહી છે ટ્રેન્ડ?

30 July, 2026 08:02 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

હોમ ડેકોરમાં હવે નાની-નાની વિગતો પણ એટલી જ મહત્ત્વની બની ગઈ છે. પડદા, લાઇટિંગ અને ફર્નિચરની જેમ નેમપ્લેટ પણ હવે ડિઝાઇન-સ્ટેટમેન્ટ બની ગઈ છે. એટલા માટે જ આજે મિનિમલ, કસ્ટમાઇઝ્ડ અને આર્ટિસ્ટિક નેમપ્લેટ્સનો ટ્રેન્ડ ઝડપથી વધી રહ્યો છે

જાણો આજકાલ કયા પ્રકારની નેમપ્લેટ્સ બની રહી છે ટ્રેન્ડ?

હોમ ડેકોરની વાત આવે એટલે આપણે સોફા, લાઇટ્સ કે વૉલ-કલર પર તો ફટાફટ ધ્યાન આપી દઈએ છીએ; પણ ઘરની ફર્સ્ટ ઇમ્પ્રેશન તો દરવાજાથી જ પડે છે અને દરવાજાનો મૂડ સેટ કરે છે એક ટ્રેન્ડી નેમપ્લેટ. હવે એ જમાનો ગયો જ્યારે દરવાજા પર લાકડા કે પિત્તળની સાદી નેમપ્લેટ લગાવી દેવાતી હતી. આજના ન્યુ-એજ હોમ્સમાં નેમપ્લેટ માત્ર તમારું નામ કે હાઉસ-નંબર બતાવવા માટે નથી, તમારા પર્સનલ ટેસ્ટ અને વાઇબ્સને કન્વે કરવાનું એક કૂલ આર્ટ-પીસ બની ગઈ છે. ફ્લૅટ હોય કે બંગલો, લોકો હવે દરવાજાના એન્ટ્રન્સને મૉડર્ન, મિનિમલ અને એસ્થેટિક લુક આપવા માટે નેમપ્લેટ્સ સાથે મસ્ત એક્સપરિમેન્ટ્સ કરી રહ્યા છે.

૧. 3D ઍક્રિલિક અને મેટલ ફિનિશ

અત્યારે અપાર્ટમેન્ટ્સ અને બંગલા માટે 3D ઍક્રિલિક નેમપ્લેટ્સ સૌથી પહેલી ચૉઇસ બની રહી છે. મૅટ બ્લૅક, વુડન કે આર્ટિફિશ્યલ માર્બલ બેઝ પર ગોલ્ડ, સિલ્વર અથવા રોઝ ગોલ્ડ કટઆઉટ ઍક્રિલિકના 3D અક્ષરો ફિટ કરવામાં આવે છે. આ નેમપ્લેટ્સ મિનિમલ હોવા છતાં અત્યંત લક્ઝુરિયસ લાગે છે. સૌથી બેસ્ટ વાત એ છે કે એ વૉટરપ્રૂફ અને ડસ્ટપ્રૂફ હોવાથી તડકા કે વરસાદમાં પણ લાંબા સમય સુધી નવી જેવી જ ચમકે છે.

૨. LED વૉર્મ બૅકલાઇટ નેમપ્લેટ્સ

સોસાયટી કે ફ્લૅટના કૉરિડોરમાં રાતના સમયે એક્ઝિક્યુટિવ લુક આપવા માટે LED બૅકલાઇટ નેમપ્લેટનો ક્રેઝ ખૂબ જ વધ્યો છે. પ્લેટની પાછળથી નીકળતો સૉફ્ટ વૉર્મ યલો LED લાઇટનો પ્રકાશ અક્ષરોને ઊપસાવે છે. આનાથી માત્ર નામ જ સ્પષ્ટ નથી વંચાતું, આખા એન્ટ્રન્સને રૉયલ અને પ્રીમિયમ વાઇબ્સ મળે છે.

૩. એસ્થેટિક રેઝિન આર્ટ નેમપ્લેટ્સ

ઇન્સ્ટાગ્રામ અને સોશ્યલ મીડિયા પર અત્યારે રેઝિનની નેમપ્લેટ્સ સુપરવાઇરલ થઈ છે. પારદર્શક કે કલરફુલ રેઝિનમાં રિયલ ડ્રાય ફ્લાવર્સ, ગોલ્ડ ફ્લેક્સ, માર્બલ ઇફેક્ટ કે વુડન કટઆઉટ ઉમેરીને એને કસ્ટમાઇઝ કરવામાં આવે છે. એ હૅન્ડમેડ હોવાથી દરેક રેઝિન પ્લેટ પોતાની રીતે એકદમ યુનિક હોય છે.

૪. લાકડા અને પિત્તળનું ક્લાસિક કૉમ્બિનેશન

જે લોકોને વિન્ટેજ, સોબર અને ટ્રેડિશનલ અર્થી વાઇબ્સ ગમે છે તેમના માટે આ ઑલટાઇમ ફેવરિટ ઑપ્શન છે. સાગ કે વૉલનટ વુડના નૅચરલ ટેક્સ્ચર પર રિયલ બ્રાસના અક્ષરો દરવાજાને વૉર્મ અને વેલ-કમિંગ લુક આપે છે. ઇન્ડિયન કે હેરિટેજ લુક ધરાવતાં ઘરો માટે આ પર્ફેક્ટ મૅચ છે.

૫. યુનિક આકારો અને મિનિમલ ડિઝાઇન

જૂના લંબચોરસ શેપનો જમાનો હવે જૂનો થઈ ગયો છે. હવે લોકો ગોળાકાર, ષટ્કોણ, અર્ધચંદ્રાકાર કે ઊભી નેમપ્લેટ્સ સાથે પ્રયોગો કરી રહ્યા છે. ક્લીન લાઇન્સ, ઓછા રંગો અને સિમ્પલ ફોન્ટ્સ ધરાવતી આ ડિઝાઇન્સ ફ્લૅટના નાના ગેટ પર પણ બહુ સ્માર્ટ લાગે છે.

૬. પર્સનલાઇઝેશન બની રહ્યું છે સોનામાં સુગંધ

આજકાલ લોકો માત્ર સરનામું લખાવીને અટકતા નથી, એમાં પોતાનો પર્સનલ ટચ ઉમેરાવે છે. પ્રાદેશિક ભાષામાં નામ, અટક, હાઉસ-નંબર ઉપરાંત ૐ, સ્વસ્તિક, ગણેશજી કે શુભ-લાભ જેવાં ધાર્મિક પ્રતીકો ઉમેરાવવાનો નવો ક્રેઝ છે. એટલું જ નહીં, હવે નેમપ્લેટ સાથે નાનું પ્લાન્ટર-હોલ્ડર પણ અટૅચ કરવામાં આવે છે જેમાં મનીપ્લાન્ટ કે ઇન્ડોર સક્યુલન્ટ મૂકવાથી પ્રવેશદ્વાર એકદમ જીવંત અને નૅચરલ લાગે છે.
નાની લાગતી આ નેમપ્લેટ તમારા ઘરની ફર્સ્ટ ઇમ્પ્રેશન સેટ કરે છે. તેથી દરવાજાના કલર, સાઇઝ અને તમારી પર્સનલ સ્ટાઇલ સાથે મૅચ થાય એવી ટકાઉ અને કૂલ નેમપ્લેટ પસંદ કરીને તમે ઘરના એન્ટ્રન્સને ૪ ચાંદ લગાવી શકો છો.               

lifestyle news life and style fashion news fashion home decor