10 February, 2026 03:27 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
સુંદર સ્મિતનો પાયો છે સ્વસ્થ હોઠ. ચહેરાને નિખારવા માટે આપણે અનેક પ્રોડક્ટ્સ વાપરીએ છીએ, પરંતુ હોઠની સંભાળ બાબતે આપણે અજાણતાં બેદરકારી દાખવીએ છીએ. લિપ બામ ફક્ત ઉપરછલ્લું રક્ષણ આપે છે, જ્યારે હોઠની જરૂરિયાત ઊંડી સારવારની છે. આ જ કારણ છે કે હવે બ્યુટી
એક્સપર્ટ ફેસમાસ્કની જેમ લિપ માસ્કને પણ સ્કિન-કૅર કિટની મહત્ત્વની જરૂરિયાત ગણાવી રહ્યા છે.
લિપ માસ્ક એ એક પ્રકારની બ્યુટી પ્રોડક્ટ છે જે હોઠને લાંબા સમય સુધી હાઇડ્રેટ રાખવા માટે બનાવવામાં આવી છે. લિપ બામ થોડા કલાકોમાં સાફ થઈ જાય છે, જ્યારે લિપ માસ્ક હોઠની નાજુક ત્વચામાં ઊંડે સુધી ઊતરીને એને પોષણ આપે છે.
ડીપ મૉઇશ્ચરાઇઝિંગ - હોઠ પર તેલની ગ્રંથિઓ હોતી નથી, તેથી એ જલદી સુકાઈ જાય છે. લિપ માસ્ક હોઠને અંદરથી નરમ બનાવે છે.
ફાટેલા હોઠથી છુટકારો - જો તમારા હોઠ વારંવાર ફાટતા હોય અથવ એમાંથી ચામડી નીકળતી હોય તો લિપ માસ્ક એને રિપેર કરવાનું કામ કરે છે.
નૅચરલ પ્લમ્પ લુક - લિપ માસ્કના નિયમિત વપરાશથી હોઠ ભરેલા અને સ્વસ્થ દેખાય છે, જે તમારા સ્મિતને વધુ આકર્ષક બનાવે છે.
લિપસ્ટિક માટે સ્મૂધ બેઝ - જો તમે લિપસ્ટિક લગાવવાના શોખીન હો તો લિપ માસ્ક લગાવવાથી હોઠ પર એક સમાન સપાટી તૈયાર થાય છે, જેથી લિપસ્ટિક લાંબો સમય ટકે છે અને હોઠ કાળા પડતા નથી.
નાઇટ ટ્રીટમેન્ટ - રાત્રે સૂતી વખતે હોઠ પર લિપ માસ્કનું ઘટ્ટ પડ લગાવો. આખી રાત એ હોઠને રિપેર કરશે અને સવારે તમારા હોઠ એકદમ મુલાયમ લાગશે.
ઇન્સ્ટન્ટ ગ્લો - કોઈ પ્રસંગમાં જતાં પહેલાં ૧૫-૨૦ મિનિટ માટે લિપ માસ્ક લગાવી રાખવાથી હોઠ તરત જ નરમ થઈ જાય છે.
જો તમે બજારના માસ્ક વાપરવા ન માગતા હો તો ઘરે પણ સરળતાથી લિપ માસ્ક બનાવી શકો છો. અડધી ચમચી મધમાં થોડું નારિયેળ તેલ અથવા ઘી મિક્સ કરીને હોઠ પર ૧૫ મિનિટ લગાવી રાખો. આ કુદરતી માસ્ક તમારા હોઠને કુદરતી રીતે ગુલાબી બનાવશે.