✕

તહેવારોના લુકમાં ઉમેરો મહારાષ્ટ્રિયન ટચ : મરાઠી મુલગીનો લુક પૂરો કરતી નથની રૉયલ વરાઇટીઝ

01 October, 2026 10:31 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

માત્ર એક દાગીનો જ નહીં, પરંપરા અને રૉયલ્ટીનું પ્રતીક છે મરાઠી નથ. ગણેશોત્સવ કે કોઈ પણ ખાસ પ્રસંગે આકર્ષક લુક મેળવવા માટે જાણો એની અનોખી ડિઝાઇન્સ અને સ્ટાઇલિંગ ટિપ્સ

પેશવાઈ નથ

મહારાષ્ટ્રમાં ગણેશોત્સવ અને અન્ય તહેવારોનો માહોલ અનોખો જ ઉત્સાહ લઈને આવે છે. લાલબાગચા રાજાનાં દર્શન કરવા જવું હોય કે મુંબઈના ગલી-મહોલ્લાના પંડાલોની ભવ્યતા માણવી હોય, તહેવારોમાં પરંપરાગત વસ્ત્રો પહેરવાનો ઉત્સાહ દરેક વર્ગમાં જોવા મળે છે. ખાસ કરીને આજકાલ મરાઠી મુલગી એસ્થેટિક લુક ખૂબ જ ટ્રેન્ડમાં છે.

નવવારી સાડી અને અંબોડા સાથે જો કોઈ એક વસ્તુ આ લુકમાં પ્રાણ પૂરતી હોય તો એ છે મહારાષ્ટ્રિયન નથ. જોકે મોટા ભાગના લોકોને લાગે છે કે મરાઠી નથ એટલે મોતીવાળી એક જ સ્ટાન્ડર્ડ ડિઝાઇન, પરંતુ હકીકતમાં એમાં રૉયલ ઇતિહાસથી લઈને પ્રદેશ મુજબ વિવિધ પ્રકારો જોવા મળે છે. તહેવારોમાં તમારા આઉટફિટ સાથે શ્રેષ્ઠ નથ પસંદ કરવા માટે જાણી લો એની આ લોકપ્રિય શૈલીઓ.

કોલ્હાપુરી નથ : માછલી આકારની રસ્ટિક ડિઝાઇન કોલ્હાપુરના લોકસાંસ્કૃતિક વારસામાંથી આવતી આ નથ પોતાની અનોખી બનાવટ માટે જાણીતી છે. એનો આકાર નાક પર સરકતી માછલી જેવો દેખાય છે. આ નથ સોના ઉપરાંત ચાંદીના બેઝમાં પણ ખૂબ પસંદ કરવામાં આવે છે. એમાં સ્ટેટમેન્ટ ડીટેલ તરીકે મધ્યમાં લાલ માણેક (રુબી) મુખ્ય આકર્ષણ બને છે.
કારવારી નથ : કોકણ કિનારાનું ઝીણું તારકામ દરિયાકાંઠાના કોકણ અને કારવાર પ્રદેશમાંથી ઉદ્ભવેલી આ નથ ફિલિગ્રી (સોનાના ઝીણા તારનું કામ) પર આધારિત હોય છે. એમાં સોનાના નાજુક વાયરવર્કની આસપાસ નાનાં-નાનાં મોતીઓનાં ઝૂમખાં ગૂંથેલાં હોય છે. આ નથ ઍન્ટિક અને કલાત્મક લુક આપે છે.

બ્રાહ્મણી નથ : ક્લાસિક અને નાજુક મોતીવર્ક : 
ઐતિહાસિક રીતે ચિતપાવન અને દેશસ્થ બ્રાહ્મણ પરિવારોમાં પહેરાતી આ નથ ખૂબ જ પરંપરાગત શૈલી ધરાવે છે. પેશવાઈ નથની સરખામણીએ આ કદમાં સહેજ નાની અને નાજુક હોય છે. એમાં મોતીઓનું કામ વધુ પ્રમુખ હોય છે અને એની કારીગરી અત્યંત બારીક હોય છે. જેમને ભારે દાગીનાને બદલે સુંદર, સોબર અને ક્લાસિક મહારાષ્ટ્રિયન ટચ જોઈતો હોય તેમના માટે આ બેસ્ટ ઑપ્શન છે.

પેશવાઈ નથ : રાજવી ઠાઠ અને ભવ્યતા : 
પેશવાઈ નથ સૌથી વધુ લોકપ્રિય અને સ્ટેટમેન્ટ લુક આપતી નથ છે. પેશવાઓના શાસનકાળના ઐતિહાસિક વારસા સાથે જોડાયેલી આ નથનો આકાર સામાન્ય રીતે કાજુ અથવા અર્ધચંદ્રાકાર જેવો હોય છે. એમાં સોનાના બેઝ પર મોતીની સાથે માણેક (રુબી) અથવા નીલમ (પન્ના/એમરલ્ડ) જડેલા હોય છે. જો તમે લગ્નપ્રસંગ કે ગણેશ ચતુર્થી પર એકદમ રૉયલ અને બોલ્ડ લુક ઇચ્છતા હો તો પેશવાઈ નથ ઉત્તમ પસંદગી છે.

બાનુ નથ : હળવી અને ઉત્સવો માટે અનુકૂળ બાનુ નથ વજનમાં ખૂબ જ હલકી અને સરળ મોતી-બીડ્સ વર્કવાળી હોય છે. ગણેશોત્સવ જેવા તહેવારોમાં જ્યાં પંડાલોમાં ફરવાનું અને ધમાલ-મસ્તી વધુ હોય ત્યાં આ નથ સંભાળવામાં સૌથી સરળ રહે છે. કલાકો સુધી પહેરી રાખવા છતાં એ નાક પર ભારે લાગતી નથી એટલે આજની યુવતીઓમાં એનો ક્રેઝ વધ્યો છે.

કેવી રીતે કરશો સ્ટાઇલિંગ?
• પહેરવાની રીત : મહારાષ્ટ્રિયન નથ હંમેશાં ડાબા નસકોરા પર પહેરવામાં આવે છે અને એનો છેડો સહેજ ગાલ તરફ નમેલો રહેવો જોઈએ.
• ક્લિપ-ઑન વિકલ્પ : જો તમારું નાક વીંધાવેલું ન હોય તો ચિંતા કરવાની જરૂર નથી. આજકાલ તમામ પરંપરાગત ડિઝાઇન્સમાં ઉચ્ચ ગુણવત્તાવાળાં ક્લિપ-ઑન (પ્રેસિંગ) વર્ઝન પણ ઉપલબ્ધ છે.
• આઉટફિટ્સ સાથે ફ્યુઝન : પરંપરાગત રીતે નવવારી કે પૈઠણી સાડી સાથે આ નથ અદ્ભુત લાગે જ છે; પરંતુ આજના સમયમાં તમે એને જીન્સ-કુરતી, અનારકલી અથવા મૉડર્ન કટવાળા સલવાર સૂટ સાથે પહેરીને એક ઇન્ડો-વેસ્ટર્ન ફ્યુઝન સ્ટેટમેન્ટ લુક પણ ક્રીએટ કરી શકો છો.
• મૅચિંગ જ્વેલરી : નથ સાથે લુક પૂરો કરવા માટે ગળામાં ઠુસી, ચંદ્રહાર કે મોહનમાળ પહેરવાથી સંપૂર્ણ મહારાષ્ટ્રિયન લુક મળે છે.

fashion fashion news lifestyle news life and style