મંગળસૂત્રનું મેકઓવર

10 August, 2021 10:53 AM IST  |  Mumbai | Varsha Chitaliya

બ્રેસલેટ, બંગડી અને વીંટીની જેમ પહેરી શકાય એવું મંગળસૂત્ર વેસ્ટર્ન આઉટફિટ્સ સાથે પર્ફેક્ટ મૅચ થઈ જાય છે. નવી-નવી પરણેલી વર્કિંગ વિમેનમાં આ ટ્રેન્ડ પૉપ્યુલર બન્યો છે ત્યારે એની લેટેસ્ટ ડિઝાઇન પર એક નજર ફેરવી લો

મંગળસૂત્રનું મેકઓવર

બૉલીવુડની ઍક્ટ્રેસિસના ડ્રેસિસ ઉપરાંત જ્વેલરી પણ મહિલાઓને એટલી જ આકર્ષે છે. સૌભાગ્યની નિશાની ગણાતા મંગળસૂત્રને બ્રેસલેટની જેમ પહેરવાની ફૅશન બી-ટાઉનની હિરોઇનોને આભારી છે. સોનમ કપૂર, શિલ્પા શેટ્ટી અને બિપાશા બાસુ જાહેરમાં આ પ્રકારની જ્વેલરી પહેરતી જોવા મળે છે. ટીવી ધારાવાહિકમાં પણ આ ટ્રેન્ડ ચાલી રહ્યો છે ત્યારે એની લેટેસ્ટ ડિઝાઇન પર એક નજર ફેરવી લો. 
ટ્રેન્ડી ભી, ટ્રેડિશનલ ભી |  ભારતીય નારી જ્વેલરીની દીવાની છે. જોકે પારંપરિક જ્વેલરીનો ટ્રેન્ડ હવે રહ્યો નથી. જમાના પ્રમાણે એની ડિઝાઇનમાં ઘણાં પરિવર્તન આવ્યાં છે એમ જણાવતાં કાંદિવલીનાં જ્વેલરી ડિઝાઇનર સ્વાતિ દેવરુખકર કહે છે, ‘વેસ્ટર્ન કલ્ચરથી પ્રભાવિત આજની યુવતીઓને પસંદ પડે એવા સિમ્પલ ડાયમન્ડ મંગળસૂત્રની સાથે હવે કાંડામાં બ્રેસલેટની જેમ અથવા બંગડીની જેમ પહેરી શકાય એવા ડિઝાઇનર મંગળસૂત્રની ડિમાન્ડ વધી છે. આમાં જીન્સ અને ટી-શર્ટમાં મંગળસૂત્ર પહેરો તો ગામડિયા લાગો એવી માન્યતા પણ કામ કરે છે. જ્વેલરીની ચૉઇસમાં તેઓ ટ્રેન્ડી ભી ઍન્ડ ટ્રેડિશનલ ભી સૂત્રને ફૉલો કરે છે. ગળામાં પહેરવામાં આવતા મંગળસૂત્રને હાથમાં પહેરવાનો ટ્રેન્ડ નવી-નવી પરણેલી વર્કિંગ વિમેનને ખૂબ પસંદ પડી રહ્યો છે.’
શું ચાલે છે? |  હોલસેલ માર્કેટમાં કાળાં મોતીવાળી ચેઇન સહેલાઈથી મળી રહે છે એવી માહિતી શૅર કરતાં તેઓ કહે છે, ‘સામાન્ય રીતે આર્ટિફિશિયલ જ્વેલરી ડિઝાઇનરો તૈયાર ચેઇનનો ઉપયોગ કરે છે. એને જુદી-જુદી સાઇઝમાં કટિંગ કરીને વચ્ચે પેન્ડન્ટ ફિક્સ કરવામાં આવે છે. ડાયમન્ડ ઘણા સમયથી પૉપ્યુલર છે. ફેસ્ટિવ સીઝન આવી રહી 
હોવાથી લેટેસ્ટમાં કુંદન પેન્ડન્ટની ડિમાન્ડ વધી છે. આ ઉપરાંત એવિલ ઝાયકા સ્ટોન અને શાખાપારા ડિઝાઇન પણ મહિલાઓને ખૂબ પસંદ પડી રહી છે. જોકે આ ડિઝાઇન વન ગ્રામ ગોલ્ડમાં સારી લાગે છે. ગોલ્ડ વાપરવાનું કારણ એ કે જ્વેલરીની શાઇન જળવાઈ રહે છે. હવે આંગળીમાં પહેરવાની મંગળસૂત્ર રિંગ પણ માર્કેટમાં આવી ગઈ છે.’
ટૂ-ઇન-વન |  ઇન્ડો-વેસ્ટર્ન ડ્રેસિસમાં ચાલે એવું ટૂ-ઇન-વન મંગળસૂત્ર પણ ટ્રેન્ડી લુક આપે છે એમ જણાવતાં સ્વાતિબહેન કહે છે, ‘પેટ સુધીનું લાંબું મંગળસૂત્ર આઉટડેટેડ થઈ ગયું છે. ઘણી મહિલાઓને હાથમાં અને ગળામાં બન્ને રીતે પહેરી શકે એવું શૉર્ટ મંગળસૂત્ર વધુ પસંદ પડે છે. 
અનારકલી, ઘાઘરા-ચોલી જેવા ડ્રેસ સાથે મૅચ થઈ જાય અને જીન્સ પહેરો ત્યારે એને ડબલ ફોલ્ડ કરી હાથમાં પહેરી લો એટલે કામ થઈ જાય. બે જુદી જ્વેલરી વસાવવાની જરૂર રહેતી નથી.’

પર્સનલાઇઝ્ડ જ્વેલરી

દરેક જ્વેલરીની જેમ હવે બ્રેસલેટ મંગળસૂત્રમાં પણ પર્સનલ ટચ જોવા મળે છે. સ્વાતિબહેનના કહેવા અનુસાર ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજ પરથી ઇન્સ્પાયર્ડ થઈને અનેક મહિલાઓ પેન્ડન્ટની જગ્યાએ ગ્રહના નંગ વાપરવાનો આગ્રહ રાખે છે. તેઓ જે નંગ પહેરતી હોય એ લાવી આપે અને પછી ડિઝાઇનર તેમને આઇડિયા આપે છે. જોકે ગ્રહના નંગ ધરાવતું બ્રેસલેટ રિયલ 
અથવા એક ગ્રામ ગોલ્ડમાં જ બને છે. 

fashion fashion news columnists Varsha Chitaliya