25 May, 2026 11:00 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
કો-ઑર્ડ સેટ્સની સૌથી મોટી ખાસિયત એ છે કે એમાં સ્ટાઇલિંગ ખૂબ સરળ બની જાય છે
આજની ફાસ્ટ અને ફૅશન-ફૉર્વર્ડ લાઇફસ્ટાઇલમાં પુરુષોની ફૅશન માત્ર જીન્સ અને ટી-શર્ટ સુધી સીમિત રહી નથી. છેલ્લાં થોડાં વર્ષોમાં મેન્સ ફૅશનમાં અનેક નવા ટ્રેન્ડ્સ જોવા મળી રહ્યા છે ત્યારે આજકાલ કો-ઑર્ડ સેટ્સ ખૂબ લોકપ્રિય થઈ રહ્યા છે. એક સમય હતો જ્યારે કો-ઑર્ડ સેટ્સ ફક્ત મહિલાઓની ફૅશન સાથે જોડાતા હતા. હવે પુરુષો પણ આ સ્ટાઇલને ખૂબ આત્મવિશ્વાસથી અપનાવી રહ્યા છે.
કો-ઑર્ડ સેટ એટલે એકસરખા ફૅબ્રિક, કલર, પૅટર્ન અથવા પ્રિન્ટવાળા ટૉપ અને બૉટમનું મૅચિંગ આઉટફિટ. એમાં ટી-શર્ટ અને શૉર્ટ્સ, શર્ટ અને ટ્રાઉઝર્સ અથવા જૅકેટ અને પૅન્ટ જેવાં અલગ-અલગ કૉમ્બિનેશન્સ જોવા મળે છે. આ સ્ટાઇલ વ્યક્તિને ખૂબ જ ક્લીન, સિમ્પલ અને ટ્રેન્ડી લુક આપે છે. ખાસ કરીને આજના યુવાનોમાં ઍફર્ટલેસ ફૅશનનો ટ્રેન્ડ વધતો જઈ રહ્યો છે જેમાં વધારે મહેનત કર્યા વગર સ્ટાઇલિશ દેખાવું મહત્ત્વનું માનવામાં આવે છે. કો-ઑર્ડ સેટ્સ આ જરૂરિયાતને સંપૂર્ણ રીતે પૂરી કરે છે.
સમર સીઝનમાં લિનન અને કૉટન જેવા હળવા અને બ્રીધેબલ ફૅબ્રિકવાળા કો-ઑર્ડ સેટ્સ ખૂબ લોકપ્રિય બની રહ્યા છે. પેસ્ટલ શેડ્સ, બેજ, વાઇટ, ઑલિવ ગ્રીન અને સ્કાય બ્લુ જેવા કલર્સ આજકાલ ટ્રેન્ડમાં છે. કો-ઑર્ડ સેટ્સમાં આજકાલ વિવિધ પ્રકારની પ્રિન્ટ્સ પણ ખૂબ ટ્રેન્ડમાં છે. ખાસ કરીને સમર અને વેકેશન ફૅશનમાં પ્રિન્ટેડ કો-ઑર્ડ સેટ્સ યુવાનોની પહેલી પસંદ બની રહ્યા છે. ફ્લોરલ પ્રિન્ટ, ટ્રૉપિકલ પ્રિન્ટ, ઍબ્સ્ટ્રૅક્ટ ડિઝાઇન, સ્ટ્રાઇપ્સ અને જ્યોમેટ્રિક પૅટર્નવાળા સેટ્સ પુરુષોને સ્ટાઇલિશ અને ફ્રેશ લુક આપે છે. બીચ વેકેશન અથવા રિસૉર્ટવેઅર માટે પામ ટ્રી, ફ્લોરલ અને હવાઈ ઇન્સ્પાયર્ડ પ્રિન્ટ્સ વધુ લોકપ્રિય છે; જ્યારે કૅઝ્યુઅલ ડે આઉટ માટે ચેક્સ, સ્ટ્રાઇપ્સ અથવા મિનિમલ ગ્રાફિક પ્રિન્ટ્સ પસંદ કરવામાં આવે છે.
કો-ઑર્ડ સેટ્સની સૌથી મોટી ખાસિયત એ છે કે એમાં સ્ટાઇલિંગ ખૂબ સરળ બની જાય છે. સામાન્ય રીતે કોઈ પણ આઉટફિટ પહેરતી વખતે કયું ટૉપ કયા પૅન્ટ સાથે મૅચ થશે અથવા કયો કલર સારો લાગશે એ વિશે વિચારવું પડે છે, પરંતુ કો-ઑર્ડ સેટમાં આખું આઉટફિટ પહેલેથી જ મૅચિંગ હોય છે એટલે સમય પણ બચે છે અને લુક પણ બૅલૅન્સ્ડ લાગે છે. આજની બિઝી લાઇફસ્ટાઇલમાં ઘણા લોકો માટે આ એક મોટો ફૅશન ઍડ્વાન્ટેજ બની રહ્યો છે. કો-ઑર્ડ સેટ્સ માત્ર કમ્ફર્ટ માટે જ નહીં, વ્યક્તિની ફૅશન-સેન્સને વધુ શાર્પ અને અપડેટેડ દેખાડવામાં પણ મદદ કરે છે. ઓવરસાઇઝ ફિટ્સ, ડ્રૉપ-શોલ્ડર ટી-શર્ટ્સ અને રિલૅક્સ્ડ ટ્રાઉઝર્સવાળા કો-ઑર્ડ સેટ્સ ખાસ કરીને જેન-ઝી અને મિલેનિયલ્સમાં વધુ લોકપ્રિય છે. બૉલીવુડની સેલિબ્રિટીઝ પણ આ ફૅશનને સતત પ્રોત્સાહન આપી રહી છે. ઍરપોર્ટ લુકથી લઈને કૅઝ્યુઅલ પાર્ટી અને વેકેશન ફોટો સુધી ઘણી સેલિબ્રિટીઝ કો-ઑર્ડ સેટ્સમાં જોવા મળે છે. તેમની સ્ટાઇલથી પ્રેરાઈને યુવાનોમાં પણ આ ટ્રેન્ડ ઝડપથી ફેલાઈ રહ્યો છે. ખાસ કરીને ટ્રાવેલ દરમ્યાન કો-ઑર્ડ સેટ્સ ખૂબ પ્રૅક્ટિકલ માનવામાં આવે છે, કારણ કે એ સ્ટાઇલિશ દેખાવા સાથે લાંબા સમય સુધી આરામદાયક પણ રહે છે.
ફુટવેઅરની પસંદગી પણ કો-ઑર્ડ સેટ્સમાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે. સફેદ સ્નીકર્સ લગભગ દરેક પ્રકારના કો-ઑર્ડ સેટ સાથે સારી રીતે મૅચ થાય છે. બીચ અથવા સમર લુક માટે સ્લાઇડર્સ અને લોફર્સ પણ પસંદ કરવામાં આવે છે. સાથે જ વૉચ, સનગ્લાસિસ, કૅપ અથવા સિમ્પલ ચેઇન જેવી ઍક્સેસરીઝ આખા લુકને વધુ આકર્ષક બનાવી શકે છે. જોકે કો-ઑર્ડ સેટ પસંદ કરતી વખતે બૉડી-ટાઇપ અને ફિટનું ધ્યાન રાખવું પણ જરૂરી છે. ખૂબ જ ટાઇટ અથવા ખૂબ લૂઝ આઉટફિટ લુકને બગાડી શકે છે. તેથી યોગ્ય સાઇઝ અને કમ્ફર્ટેબલ ફૅબ્રિક પસંદ કરવું જરૂરી છે. ભારે પ્રિન્ટ્સ કરતાં સિમ્પલ અને એલિગન્ટ ડિઝાઇન લાંબા સમય સુધી ટ્રેન્ડમાં રહેતી હોય છે.