06 March, 2026 12:58 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મંગળસૂત્ર બ્રેસલેટ
ભારતીય સંસ્કૃતિમાં મંગળસૂત્રને સૌભાગ્યની નિશાની માનવામાં આવે છે અને વર્ષોથી એ માત્ર સ્ત્રીઓ જ પહેરતી આવી છે, પણ હવે સમય બદલાયો છે. ગ્લોબલ આઇકન અને અભિનેત્રી પ્રિયંકા ચોપડાના પતિ નિક જોનસે તેની આગામી ફિલ્મના પ્રમોશન દરમિયાન હાથમાં કાળાં મોતી અને ગોલ્ડન પેન્ડન્ટવાળું મંગળસૂત્ર બ્રેસલેટ પહેર્યું હતું. આ માત્ર પ્રિયંકા પ્રત્યેનો નિકનો પ્રેમ નહીં પણ મૉડર્ન મૅનની પોતાની પત્ની સાથે ખભેખભા મિલાવીને ચાલવાની નવી
ફૅશન-ફિલોસૉફી છે. રિંગ-શાય એટલે કે વીંટી પહેરવામાં અચકાતા પુરુષોના જમાનામાં નિકનો આ નવો અંદાજ લોકોને આકર્ષી રહ્યો છે. તેણે હાથમાં મંગળસૂત્ર બ્રેસલેટ પહેર્યા બાદ પુરુષો માટે માર્કેટમાં આવાં બ્રેસલેટ્સ જોવા મળી રહ્યાં છે. જો તમને પણ મંગળસૂત્ર બ્રેસલેટ પહેરવાની ઇચ્છા હોય તો આ રહી સ્ટાઇલિંગ ટિપ્સ.
ધ બ્રેસલેટ લુક
ગળામાં મંગળસૂત્ર પહેરવાને બદલે એને હાથમાં બ્રેસલેટ તરીકે પહેરવું વધુ કમ્ફર્ટેબલ અને સ્ટાઇલિશ લાગે છે. કાળાં મોતીની એક કે બે લાઇન સાથે નાનો સેન્ટર પીસ લગાવીને એને ફૉર્મલ કે કૅઝ્યુઅલ કપડાં સાથે જોડી શકાય છે.
પેન્ડન્ટની પસંદગી
પુરુષો માટે મંગળસૂત્રમાં ભારે કે મોટાં પેન્ડન્ટ સારાં નથી લાગતાં. તેમના માટે જ્યોમેટ્રિક શેપ્સ જેમ કે ચોરસ, ત્રિકોણ કે લંબચોરસ આકારના ગોલ્ડ કે પ્લૅટિનમ પેન્ડન્ટ વધુ સૂટ થશે અને મૅન્લી પણ લાગશે. આ ઉપરાંત નાનું ૐ, સ્વસ્તિક અથવા રુદ્રાક્ષ સાથેનું પેન્ડન્ટ પણ બહુ મસ્ત લાગે. પત્નીના નામનો પહેલો અક્ષર હોય એવું પેન્ડન્ટ રોમૅન્ટિક અને પર્સનલાઇઝ્ડ ટચ આપે છે. આજના સમયમાં કપલ-ઍક્સેસરીઝનો ક્રેઝ છે. પતિ-પત્ની બન્ને એકસરખી ડિઝાઇન ધરાવતાં મંગળસૂત્ર બ્રેસલેટ પહેરી શકે છે. આ માત્ર ફૅશન નથી પણ એકબીજા પ્રત્યેની સમાનતા અને પ્રેમ દર્શાવવાની એક રીત છે.
મટીરિયલ અને ફિનિશિંગ
મેન્સ જ્વેલરીમાં ગ્લૉસી ફિનિશ કરતાં મૅટ ફિનિશ વધુ સૂટ થાય છે. તમે રોઝ ગોલ્ડ, વાઇટ ગોલ્ડ અથવા બ્લૅક મેટલનો ઉપયોગ કરી શકો છો. કાળાં મોતીની સાથે નાના ડાયમન્ડ અથવા પ્રેશિયસ સ્ટોન્સનો ઉપયોગ કરીને એને પ્રીમિયમ લુક આપી શકાય.
વૉચ સાથે પેર કરો
જો તમે ઘડિયાળ પહેરવાના શોખીન હો તો તમારી લેધર સ્ટ્રૅપ કે મેટલ ચેઇનવાળી ઘડિયાળની બાજુમાં જ આ મંગળસૂત્ર બ્રેસલેટ પહેરી શકાય છે. એ લેયર્ડ લુક ક્રીએટ કરશે જે અત્યારે અત્યંત ફૅશનેબલ ગણાય છે.
પ્રસંગ મુજબ પસંદગી
જો તમારે ઑફિસ કે ફૉર્મલ મીટિંગ માટે મંગળસૂત્ર પહેરવું હોય તો પાતળી ચેઇન અને માત્ર એક કે બે કાળાં મોતીવાળું સૉફિસ્ટિકેટેડ બ્રેસલેટ બહુ રિચ લુક આપશે. એ હાથના કાંડા પર સૉફ્ટનેસ ક્રીએટ કરશે.
આ ઉપરાંત કાળાં મોતીની સાથે બ્લૅક લેધરની પટ્ટીનો ઉપયોગ કરવાથી એ ઘણું પાવરફુલ દેખાય છે, જે સૂટ કે ઑફિસવેઅર સાથે પણ સારું લાગે છે. જેઓ જાહેરમાં બતાવવા નથી માગતા તેઓ એને કાંડા પર ઘડિયાળની પાછળ પહેરી શકે છે.
લગ્નપ્રસંગ કે ફૅમિલી-ફંક્શનમાં જવું હોય તો થોડું હેવી ગોલ્ડ પેન્ડન્ટ અથવા હીરાજડિત મંગળસૂત્ર પહેરી શકાય. એ ટ્રેડિશનલ કુરતા અને શેરવાની સાથે ક્લાસિક લુક આપશે.
કૅઝ્યુઅલ આઉટિંગ માટે જવું હોય પણ તોય મંગળસૂત્ર બ્રેસલેટ ફ્લૉન્ટ કરવું હોય તો લેધર સ્ટ્રૅપ અને કાળાં મોતીના કૉમ્બિનેશનવાળું મંગળસૂત્ર બેસ્ટ
ઑપ્શન છે.
સંભાળ રાખવી જરૂરી
પુરુષો સામાન્ય રીતે જ્વેલરીની સંભાળમાં થોડા બેદરકાર હોય છે પણ એની જાળવણી કરશો તો એ લાંબા સમય સુધી ત્યાં રહેશે. અત્તર કે પરફ્યુમ સીધું મંગળસૂત્ર બ્રેસલેટ પર ન છાંટવું, એનાથી કાળાં મોતીની ચમક ઓછી થઈ શકે છે અને સોનાનો રંગ ઝાંખો પડી શકે છે. જિમમાં હેવી વેઇટ-ટ્રેઇનિંગ કે સ્વિમિંગ કરતી વખતે બ્રેસલેટ ઉતારી લેવું હિતાવહ છે જેથી એ તૂટી ન જાય. કાળાં મોતીની વચ્ચે પરસેવો કે ધૂળ જમા ન થાય એ માટે એને નરમ અને સૂકા કપડાથી સાફ કરવું. મખમલના બૉક્સમાં એને અલગ રાખવું જેથી બીજી વસ્તુઓ સાથે ઘસાઈને એના પર સ્ક્રૅચ ન પડે.