હવે ક્લીન નહીં, મેસી ગ્લૅમ લુક છે ટ્રેન્ડમાં

25 May, 2026 11:03 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ચમકતી ફ્લોલેસ ત્વચા અને ટિપટૉપ હેરસ્ટાઇલને બદલે યુવતીઓને મેસી લુક વધુ કૉન્ફિડન્ટ ફીલ કરાવે છે ત્યારે ઇમ્પર્ફેક્ટ અને બોલ્ડ લુક કેવી રીતે મેળવવો એ જાણી લો

મેસી ગ્લૅમ લુક

છેલ્લા કેટલાક સમયથી સોશ્યલ મીડિયા અને સેલિબ્રિટીઝમાં ક્લીન ગર્લ લુક ખૂબ લોકપ્રિય હતો, પણ હવે એની જગ્યાએ મેસી ગ્લૅમ ટ્રેન્ડ ચાલી રહ્યો છે. પર્ફેક્શનના અતિરેક અને એફર્ટલેસ લુકથી કંટાળીને લોકો મેસી ગ્લૅમ લુક અપનાવી રહ્યા છે. આ લુક વાસ્તવમાં એ દર્શાવે છે કે બહુ ફૅશન પાછળ ભાગીને તમે મગજ નથી બગાડ્યું છતાં લુક સારો લાગે છે. આ ટ્રેન્ડ મુખ્યત્વે ૧૯૯૦ અને ૨૦૦૦ના દાયકાનું ફ્યુઝન છે.

ઇમ્પર્ફેક્ટ મેકઅપ

હવે શાર્પ, પર્ફેક્ટ આઇલાઇનરનો જમાનો ગયો. આંખોમાં કાજલ લગાવીને એને આંગળીથી સહેજ સ્મજ કરી દેવી આ લુકની મુખ્ય ઓળખ છે. લિપસ્ટિકમાં પણ આઉટલાઇન કરવાને બદલે હોઠની વચ્ચે શેડ લગાવીને એને નૅચરલ લુક આપવામાં આવે છે. સ્કિન પણ મેટ કે એકદમ પાઉડરી હોવાને બદલે થોડી નૅચરલ અને ડ્યુઇ રાખવામાં આવે છે.

નૅચરલ ટેક્સ્ચર

જેલ લગાવીને એકદમ ચીપકાવી દીધેલા વાળ હવે આઉટ-ઑફ-ફૅશન છે. મેસી ગ્લૅમ લુકમાં વાળને એના નૅચરલ ટેક્સ્ચરમાં રહેવા દેવાય છે. જો તમે હેર-બન બનાવો છો તો પણ ચહેરાની આસપાસની થોડી લટોને મુક્ત રાખવામાં આવે છે, જેથી એવું લાગે કે આ હેરસ્ટાઇલ બહુ સહજતાથી બની ગઈ છે.

હાઈ-લો મિક્સ

આ ટ્રેન્ડનો સૌથી રસપ્રદ ભાગ કપડાંની પસંદગી છે. એમાં ઑપોઝિટ વસ્તુઓ સાથે પહેરવામાં આવે છે. જેમ કે સિક્વિનવાળા સ્કર્ટ કે ટ્રાઉઝર સાથે એક સાદું, લૂઝ વિન્ટેજ ટી-શર્ટ અથવા ઓવરસાઇઝ્ડ બ્લેઝર. લેધર જૅકેટની નીચે પહેરેલો કૅઝ્યુઅલ ડ્રેસ આ લુકને એક અલગ જ આત્મવિશ્વાસ આપે છે.

શા માટે છે આ ટ્રેન્ડ સુપરહિટ?

હવે લોકો રિયલ અને રિલેટેબલ વસ્તુઓ તરફ વળી રહ્યા છે. સોશ્યલ મીડિયા પર જે પર્ફેક્શન બતાવવામાં આવતું હતું એનાથી લોકો માનસિક રીતે થાક્યા છે. મેસી ગ્લૅમ લોકોને પોતાની ખામીઓ સાથે પણ સુંદર દેખાવાની સ્પેસ આપે છે. આ લુકમાં એક મેસેજ છે : હું સુંદર પણ છું અને ગ્લૅમરસ પણ છું, પણ મારી પાસે ફૅશનના નિયમોમાં કેદ થવાનો સમય નથી. આ લુકને બૅલૅન્સ કરવા માટે તમારા આખા મેસી લુકમાં કોઈ એક એલિમેન્ટ એકદમ પ્રીમિયમ અને શાર્પ હોવું જોઈએ; જેમ કે બ્રૅન્ડેડ આઇવેર, એક સરસ ક્લાસિક બૅગ અથવા શાર્પ હાઈ હીલ્સ.

fashion fashion news life and style lifestyle news columnists