14 November, 2024 02:59 PM IST | Mumbai | Rajul Bhanushali
મિસમૅચ ઇઅર-રિંગ્સ
કરીના કપૂર અને સોનાક્ષી સિંહાએ હમણાં એક ઇવેન્ટમાં બેઉ કાનમાં જુદાં-જુદાં ઇઅર-રિંગ્સ પહેર્યાં. ઈશા અંબાણીએ અનંત અંબાણીનાં લગ્નમાં આવી રીતે બેઉ કાનમાં જુદા-જુદા કલરના ઇઅર-રિંગ્સ પહેરીને ટ્રેન્ડ શરૂ કર્યો હતો. શ્રદ્ધા કપૂરે ‘સ્ત્રી-2’ના પ્રમોશનમાં એક જ કાનમાં આખો કાન કવર થાય એવું કર્ણફૂલ પહેર્યું હતું. આપણે ત્યાં સેલિબ્રિટીઝમાં આ ટ્રેન્ડ બનતો જાય છે. હૉલીવુડમાં તો ઘણા સમયથી આ સ્ટેટમેન્ટ સ્ટાઇલ ટ્રેન્ડમાં છે. કાં તો એક જ કાનમાં ઇઅર-રિંગ પહેરવું અથવા તો બેઉ કાનમાં જુદા-જુદા ઇઅર-રિંગ્સ પહેરવાં. એમ્મા વૉટસનથી લઈને મેગન માર્કેલ જેવી સેલિબ્રિટીઝ આ સ્ટાઇલમાં આપણે જોઈ ચૂક્યા છીએ.
કઈ-કઈ વાતોનું ધ્યાન રાખવું?
સેલિબ્રિટીઓ જેવી સ્ટાઇલ આપણે કોઈ ફંક્શનમાં કે રોજિંદા જીવનમાં કરવી હોય તો કઈ-કઈ વાતનું ધ્યાન રાખવું જોઈએ એ વિશે માટુંગા બેઝ્ડ સ્ટાઇલિસ્ટ શૈલવી શાહ કહે છે, ‘હમણાં આ ટ્રેન્ડ પૉપ્યુલર છે. ફૅશન-શોઝમાં, ઇન્સ્ટાગ્રામના વિડિયોમાં, ઇન્ફ્લુઅન્સર્સમાં મિસમૅચ ઇઅર-રિંગ્સ પહેરવાનું ચલણ વધી રહ્યું છે. આ એક અનકન્વેન્શનલ પૅશન છે. આવો કોઈક એક્સપરિમેન્ટ કરીએ તો લોકો આપણને નોટિસ કરે છે. બીજા સાથે બ્લેન્ડ ન થઈ જવાય. આવું કશુંક હટકે કરવાથી કૉન્ફિડન્સ લેવલ પણ વધે છે. એવી છાપ ઊભી થાય છે કે તમે ફૅશન જાણો છો, ટ્રેન્ડ સાથે ચાલો છો પરંતુ આ પ્રકારના એક્સપરિમેન્ટ વખતે આઉટફિટનું ખાસ ધ્યાન રાખવાનું હોય છે. તમારો આઉટફિટ ન્યુટ્રલ કલરનો હોવો જોઈએ. મોનોક્રોમ પ્રકારના ડ્રેસ સાથે આ સ્ટાઇલ બેસ્ટ જશે. બહુ લાઉડ કલર્સ કે મોટી-મોટી પ્રિન્ટ્સ ટાળવી. એ ઉપરાંત તમે મિસમૅચ ઇઅર-રિંગની કઈ પેર પહેરો છો એનું પણ ધ્યાન રાખવાની જરૂર છે. એક જ સ્ટાઇલમાં બે જુદા કલર પહેરી શકો, લેંગ્થ મિસમૅચ હોય એવાં ઇઅર-રિંગ્સ ટ્રાય કરાય પણ થીમ અને કલર સેમ હોવા જોઈએ. કોઈ પણ રૅન્ડમ જોડી બનાવી નાખો તો ન ચાલે. જેમ કે એક મેટલનું હોય તો બીજું પર્લ ન લઈ શકાય. ઇઅર-રિંગ્સ ભલે મિસમૅચ હોય, પણ એકબીજાને કૉમ્પ્લીમેન્ટ આપે એવાં હોવાં જોઈએ. બીજું, ઇન્ડિયન આઉટફિટ હોય, વેસ્ટર્ન હોય કે પછી ઇન્ડો-વેસ્ટર્ન હોય; બધા પ્રકારના આઉટફિટ સાથે આ ટ્રેન્ડ જશે. શરત માત્ર એટલી જ કે આ સ્ટાઇલ કરો તો કૉન્ફિડન્સથી કૅરી કરવી.’
ક્યારે પહેરી શકાય?
Luxe-up નામની શૈલવીની પોતાની જ્વેલરી બ્રૅન્ડ છે. કયા પ્રસંગમાં આ સ્ટાઇલ કરવી એ વિશે ટિપ્સ આપતાં શૈલવી કહે છે, ‘આ સ્ટાઇલ તમે કિટ્ટી પાર્ટી હોય કે ફ્રેન્ડ્સ સાથે લંચ કે બ્રન્ચ કરવા ગયા છો ત્યાં પણ પહેરી શકશો. આમાં એજ પણ બૅરિયર નથી. નીના ગુપ્તાએ હમણાં પોતાની ફિલ્મના પ્રમોશનમાં આવાં મિસમૅચ ઇઅર-રિંગ પહેર્યાં છે અને ખૂબ જ કૉન્ફિડન્સથી કૅરી કર્યાં છે. તમે પણ આ નવા ટ્રેન્ડ માટેની તૈયારી કરી લેજો.’