મૅરેજનું મની-મૅનેજમેન્ટ

26 November, 2021 07:16 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

લગ્ન જીવનની ઘણી મોટી ઘટના છે. આ પ્રસંગને માણવાના ઉત્સાહમાં લગ્ન પછી આવનારી જવાબદારીઓ ઇગ્નૉર ન થઈ જાય એનું ધ્યાન રાખવા માટે ફાઇનૅન્શિયલ પ્લાનિંગ ઇઝ મસ્ટ

મૅરેજનું મની-મૅનેજમેન્ટ

લગ્નનો દિવસ દરેકની જિંદગીમાં ખાસ હોય છે. એને ખાસ બનાવવા માટે લોકો કંઈ પણ કરવા તૈયાર થઈ જાય છે. જોકે એક દિવસને ખાસ બનાવવાની હોંશમાં મોટા ભાગના લોકો ફાઇનૅન્શિયલ પ્લાનિંગની સાવ અવગણના જ કરે છે. જો તમે પણ ટૂંક સમયમાં લગ્ન કરીને એકમાંથી બે થવાની તૈયારી કરી રહ્યા હો તો મૅરેજલાઇફને સુખમય બનાવવા માટે લગ્ન પહેલાં અને લગ્ન પછી નાણાકીય વ્યવસ્થાપનની બાબતમાં શું અને કેવી કાળજી રાખવી એ જોઈએ. 
લગ્ન પહેલાંની નાણાકીય વ્યવસ્થા
પોતાના આ ખાસ દિવસને યાદગાર બનાવવાના અભરખામાં મોટા ભાગના લોકો પોતાની ક્ષમતા કરતાં વધુ લાંબી પછેડી તાણે છે અને લગ્નની શરૂઆત જ દેવાથી થાય છે. એટલે જ તમને જે નથી પરવડી શકે એવા ખોટા ભભકાનો મોહ ન રાખવો, કેમ કે એક દિવસની ચાંદની માણવાના બદલામાં તમે જ્યારે લગ્નજીવન શરૂ કરશો ત્યારે તમારું ખાતું નેગેટિવ હશે. ઊંચું વ્યાજ ચૂકવવું પડે એવી મોટી લોન લઈનેય લગ્નમાં ધામધૂમ કરવાનો આઇડિયા જરાય યોગ્ય નથી. ઇન ફૅક્ટ, ધામધૂમ માટે થઈને તમે બચત કરીને લાંબા ગાળા માટે જે રોકાણ કરેલું હોય એને તોડીને વાપરી નાખવાનું પણ ફાઇનૅન્શિયલ પ્લાનર્સ ઠીક નથી ગણાવતા. 
મોટા વ્યાજવાળી લોન ટાળો : જો તમે ખાસ તમારાં લગ્ન માટે બચત કરીને પૈસા બાજુએ ન મૂક્યા હોય તો લગ્નના ખર્ચની વ્યવસ્થા ફૅમિલી અને ફ્રેન્ડ્સ પાસેથી ઉધાર પૈસા લઈને કરવી પડે છે. જોકે આ ઉધારી વ્યાજમુક્ત હોવાથી લોન લેવા કરતાં તો સારી જ છે. એમ છતાં આદર્શ રીતે જોઈએ તો વ્યક્તિએ પોતાનાં લગ્નની તૈયારી માટે લગ્નના એક વરસ પહેલાંથી બચત કરવાની શરૂ કરી દેવી જોઈએ. ખૂટતા પૈસા માટે ફૅમિલી પાસે હાથ લાંબો કરવો ઠીક છે, પણ પૂરેપૂરી રકમ માટે કુટુંબીજનો અને મિત્રો પર અવલંબિત રહેવું ઠીક નથી. 
જો તમારાં લગ્ન માટે તમારા પેરન્ટ્સે કોઈ લોન લેવી પડતી હોય તો એ પણ ઠીક નથી. પેરન્ટ્સે તેમનાં લાંબા ગાળાનાં રોકાણો તોડવાં પડતાં હોય તો એવું ન કરવું. જો આ વિકલ્પ પણ શક્ય ન હોય તો મોટી બૅન્કલોન લેવા કરતાં તમારું રોકાણ તોડીને એમાંથી ખર્ચ કરવો બહેતર રહે. એનું કારણ છે કે તમે હજી યંગ છો અને ફરીથી તમારું રોકાણ ઊભું કરી શકશો. પેરન્ટ્સ એ સ્થિતિમાં નહીં હોય. 
ચાંદલા પર આશા ન રાખો : ઘણા લોકો ધામધૂમથી લગ્ન કરવા માટે માથે દેવું ચડાવે છે અને આશા રાખે છે કે લગ્નના ચાંદલામાં મળેલી રકમમાંથી એ વાળી દેશે. આ ભરોસો ક્યારેક ખોટો પડી શકે છે, કેમ કે તમે ધારો છો એટલો ચાંદલો ન મળે તો તમે લાંબા ગાળા માટે દેવામાં ભરાઈ પડો. બને ત્યાં સુધી ચાંદલામાં મળતી રકમને બચતરૂપે સાચવી મૂકશો તો ભવિષ્યમાં કામ આવશે. 
નાણાકીય સુસંગતતા : લગ્ન પહેલાં લાગણી, બુદ્ધિ અને સમજણની સુસંગતતા જોવામાં આવે છે એમ નાણાકીય સુસંગતતા પણ તપાસી લેવી જરૂરી છે. લગ્ન પહેલાં જ બન્ને પાર્ટનરનો પૈસાને લઈને અભિગમ મૅચ થાય છે કે નહીં એ પણ સફળ લગ્ન માટે હવે ખૂબ જરૂરી બની ગયું છે. બન્ને વ્યક્તિઓ પોતાના પૈસા બાબતે એકબીજા સાથે પારદર્શક વ્યવહાર રાખે છે કે નહીં? ખાસ કરીને જ્યારે બન્ને કમાતાં હોય ત્યારે એ અગત્યનું બની જાય છે. વિદેશોમાં તો ફાઇનૅન્શિયલ પ્લાનર લગ્ન પહેલાં જ એકમેક પર ક્રેડિટ-ચેક રાખવાનું જણાવે છે અને જો જરૂર પડે તો બન્ને એ માટેનું કાઉન્સેલિંગ પણ લે છે. 
લગ્ન પછીનું ફાઇનૅન્સ મૅનેજમેન્ટ
હનીમૂન પૂરું થાય એટલે ખરી કસોટી શરૂ થાય છે. તમે જેટલા બને એટલા જલદીથી હનીમૂન-મૂડમાંથી બહાર આવીને પૈસાની દૃષ્ટિએ વાસ્તવિકતાને સમજવા લાગો એટલું સારું છે. લગ્ન પછી તરત જ તમારે કેટલીક બાબતો તાત્કાલિક ધોરણે કરવી જોઈએ.
અપડેટ ડૉક્યુમેન્ટ્સ : જો લગ્ન પછી યુગલ નવા ઘરમાં રહેવા ગયું હોય તો બૅન્કથી લઈને તમામ દસ્તાવેજોમાં સરનામાનો બદલાવ બને એટલો જલદીથી કરવો જરૂરી છે. જે સ્ત્રીઓ લગ્ન પછી પતિની અટક લગાવે છે તેમણે પણ તેમના તમામ ડૉક્યુમેન્ટ્સમાં એ બદલાવ કરવો પડશે. એ માટે તેમણે પર્મનન્ટ અકાઉન્ટ નંબર, નવો પાસપોર્ટ, ડ્રાઇવિંગ લાઇસન્સ તેમ જ નો યૉર ક્લાયન્ટ જેવા દસ્તાવેજો નવેસરથી કઢાવવા પડશે. જો તમારાં જૂનાં ઇન્વેસ્ટમેન્ટ્સ કે બૅન્ક-અકાઉન્ટમાં નૉમિની તરીકે તમારા પાર્ટનરનું નામ કરવા માગતા હો તો એની જરૂરી પ્રોસીજર્સ પણ તરત જ પતાવી લો.
લૉકર લઈ લો : લગ્નમાં સોનાના દાગીના અને મોંઘી ભેટોની લેવડ-દેવડ મોટા પાયે થતી હોય છે. એટલે લગ્ન પછી બને એટલું જલદીથી બૅન્ક-લૉકર લઈ લેવું હિતાવહ છે અને તમારી પાસેની જ્વેલરીનો ઇન્શ્યૉરન્સ પણ કાઢી શકો છો. 
નાણાકીય લક્ષ્ય રાખો : જીવનનાં ધ્યેયો મુજબ તમારે ક્યારે કેટલા પૈસાની જરૂરિયાત ઊભી થવાની છે એનું પ્લાનિંગ કરો અને એ મુજબ આગોતરી બચત કરવાનું લક્ષ્ય તૈયાર કરો. લગ્ન પછી તરત જ કાર ખરીદવી કે હૉલિડે પ્લાન કરવી કે નવું ઇન્ટીરિયર કે ફર્નિચર જેવી લક્ઝરીની ચીજોમાં કોઈ પ્લાનિંગ વિના પૈસા ખર્ચાઈ જાય છે. માટે પહેલાં તો તમારો લૉન્ગ ટર્મ ગોલ બનાવો અને એ માટે અત્યારથી જરૂરી બચત કરવાનું શરૂ કરી દો. 
બજેટ બનાવો : નવાં-નવાં લગ્ન થયાં હોય ત્યારે ફૅમિલી અને ફ્રેન્ડ્સને પાર્ટી આપવાનું, વીક-એન્ડ્સમાં બહાર ફરવા જવાનું, અવારનવાર ડિનર પાર્ટી કરવાની, એકબીજા માટે મોંઘી ગિફટ્સ લાવવાની જેવી રોમૅન્ટિક લાગતી બાબતોમાં તમે ધાર્યું પણ ન હોય એટલા રૂપિયા ખર્ચાઈ જાય છે. ત્રણ-ચાર મહિના પછી તમને ખબર પડે છે કે ખિસ્સામાં કંઈ બચતું નથી એટલું જ નહીં, ક્રેડિટ કાર્ડનું બિલ પણ મોટું થતું જાય છે. આવી પરિસ્થિતિમાં ન મુકાવું પડે એ માટે બને એટલું વહેલું ઘરનું બજેટ તૈયાર કરી દો. એમાં લોનના હપ્તા અને ઇન્વેસ્ટમેન્ટની રકમ અલગ કાઢીને પછી જે બચે એમાં તમારો ખર્ચ કેવી રીતે કરવો એનું આયોજન કરો. એમાં નાની-મોટી ચીજો વસાવવા માટે કે એકમેકને આપવાની ગિફટ્સ માટે પણ અલગથી આયોજન કરી રાખો. 
શરૂઆતનાં ઇન્વેસ્ટમેન્ટ્સ : જો તમે કોઈ ખાસ ધ્યેય માટે નાની-મોટી રકમની બચત કરી રાખી હોય તો એને એમ જ ખરચી ન કાઢો. નવા ઘરનું સારું ફર્નિચર કરવામાં કે વિદેશ ફરવા જવામાં એ રકમ વાપરી લેવાનું સહેલું છે, પણ હવે જવાબદારી વધી હોવાથી ફરીથી એટલું રોકાણ એકઠું કરવાનું અઘરું થઈ જશે. 
ફાઇનૅન્શિયલ પ્લાન બનાવો : બજેટ, ખર્ચ, રોકાણોની સાથોસાથ હેલ્થ અને લાઇફ ઇન્શ્યૉરન્સ પ્લાન લેવાનું પણ ભૂલો નહીં. અચાનક આવી પડનારી તકલીફો માટે પણ સજ્જ રહેવું જરૂરી છે એટલે ઇમર્જન્સી માટેનું ભંડોળ પણ અલગ રાખો. તમારી ટૂંકી તેમ જ લાંબા ગાળાની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને ઇન્વેસ્ટમેન્ટ્સ કરો ને જો ન સમજાય તો એક્સપર્ટ પ્લાનરની સલાહ પણ લો.
ટીમ તરીકે આગળ વધો : જો બન્ને પાર્ટનર કમાતા હોય તો બન્ને વ્યક્તિની જુદી વ્યવસ્થાઓ હોય તો પણ કેટલીક નાણાકીય બાબતોમાં બન્નેએ સાથે મળીને કામ કરવું જોઈએ. જેમ કે તેમનું એક જૉઇન્ટ અકાઉન્ટ હોવું જોઈએ. કોઈ મોટી ઍસેટ ખરીદતી વખતે બન્ને વ્યક્તિનું નામ એની સાથે જોડાય. મોટી ઍસેટ ખરીદતી વખતે એ માટેના પૈસા બેમાંથી જે પણ પાર્ટનરે આપ્યા હોય, બીજા પાર્ટનરનું નામ પણ કો-ઓનર તરીકે એમાં જોડાયેલું રાખો.

fashion news fashion