06 July, 2026 02:08 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
વરસાદની સીઝનમાં સ્કૂલમાં જતાં બાળકોનાં શૂઝ અને બૅગ પલળવાં બહુ જ સામાન્ય વાત છે. જોકે ચોમાસાના ભેજવાળા વાતાવરણમાં જો આ ભીની બૅગ અને શૂઝને એમ જ છોડી દેવામાં આવે તો એમાં ફંગસ અને બૅક્ટેરિયા બહુ ઝડપથી ગ્રો થાય છે જે એમને બગાડવાની સાથે બાળકના સ્વાસ્થ્ય માટે પણ નુકસાનકારક છે.
ચોમાસાની ઋતુ બાળકો માટે આનંદ અને મસ્તી લઈને આવે છે, પરંતુ માતા-પિતા માટે કેટલીક વધારાની જવાબદારીઓ પણ લાવે છે. સ્કૂલમાં જતી વખતે અચાનક વરસાદ શરૂ થઈ જાય અથવા રસ્તામાં પાણી ભરાયેલાં હોય તો બાળકોની સ્કૂલ-બૅગ અને શૂઝ ભીનાં થઈ જવાં સામાન્ય વાત છે. જો ભીની બૅગ અને શૂઝની યોગ્ય સંભાળ લેવામાં ન આવે તો એમાં દુર્ગંધ આવવી, ફંગસ થવી અને બુક્સ ખરાબ થવી જેવી સમસ્યાઓ ઊભી થઈ શકે છે.
ભીની સ્કૂલ-બૅગ તરત જ ખાલી કરો : બાળક સ્કૂલથી ઘરે આવે પછી સૌથી પહેલાં સ્કૂલ-બૅગ ખોલીને એમાં રહેલાં પુસ્તકો, નોટબુક, ટિફિન અને અન્ય વસ્તુઓ બહાર કાઢી લો. ભીની બૅગ લાંબા સમય સુધી બંધ રાખવાથી અંદર ભેજ જામી રહે છે, જેને કારણે દુર્ગંધ આવવાની અને ફંગસ થવાની શક્યતા વધી જાય છે.
બૅગને સારી રીતે સૂકવો : ભીની સ્કૂલ-બૅગ સીધી જ તડકામાં મૂકવાને બદલે હવાની સારી અવરજવર હોય એવી જગ્યાએ સૂકવો. જો બૅગ ખૂબ જ ભીની હોય તો પહેલાં સૂકા ટુવાલથી વધારાનું પાણી લૂછી લો. બૅગ સંપૂર્ણ સુકાઈ જાય પછી જ ફરી એનો ઉપયોગ કરો.
પુસ્તકોને પલળતાં બચાવો : તમારાં મહત્ત્વનાં પુસ્તકો પલળી ન જાય એ માટે એને પ્લાસ્ટિક કવરમાં અથવા વૉટરપ્રૂફ ફાઇલમાં મૂકીને રાખો. એમ છતાં જો કોઈ પુસ્તક થોડું ભીનું થઈ જાય તો એનાં પાનાં તરત પંખાની હવામાં સૂકવી દો.
શૂઝને યોગ્ય રીતે સૂકવો : બાળકનાં શૂઝ ભીનાં થઈ જય તો એને તરત જ બંધ કબાટમાં ન મૂકો. પહેલાં અંદરનું સોલ કાઢી લો અને શૂઝને હવાની અવરજવર હોય એવી જગ્યાએ સૂકવવા મૂકો. અંદર ન્યુઝપેપર ભરી દેવાથી વધારાનો ભેજ ઝડપથી શોષાઈ જાય છે અને શૂઝનો આકાર પણ જળવાઈ રહે છે.
દુર્ગંધથી બચવાના ઉપાય : ભેજને કારણે શૂઝમાં દુર્ગંધ આવવી સામાન્ય છે. શૂઝ સંપૂર્ણ સુકાઈ જાય પછી એમાં થોડો બેકિંગ સોડા ભભરાવીને થોડા કલાક રાખવાથી દુર્ગંધ ઓછી કરવામાં મદદ મળે છે. પછી એનો પાઉડર કાઢીને જ શૂઝ પહેરવા આપો.
વધારાની જોડી તૈયાર રાખો : ચોમાસામાં એક જ જોડી શૂઝ પર આધાર રાખવો યોગ્ય નથી. શક્ય હોય તો બાળક માટે એક વધારાની જોડી સ્કૂલ-શૂઝ રાખો. એક જોડી ભીની થઈ જાય તો બીજીનો ઉપયોગ કરી શકાય અને ભીના શૂઝને સુકાવા માટે પૂરતો સમય મળે.
બૅગ માટે વૉટરપ્રૂફ કવરનો ઉપયોગ કરો : આજકાલ બજારમાં સ્કૂલ-બૅગ માટે ખાસ વૉટરપ્રૂફ રેઇન કવર ઉપલબ્ધ છે. વરસાદ દરમ્યાન એનો ઉપયોગ કરવાથી બૅગ અને એની અંદરનો સામાન ભીનાં થવાની શક્યતા ઘણી ઓછી થઈ જાય છે.
ચોમાસામાં સ્કૂલ-બૅગ અને શૂઝની નિયમિત સફાઈ પણ એટલી જ જરૂરી છે. આ સીઝનમાં અઠવાડિયામાં ઓછામાં ઓછી એક વાર એને સાફ કરવાનો આગ્રહ રાખો. બૅગ પર લાગેલી ધૂળ કે કાદવને ભીના કપડાથી લૂછી લો અને શૂઝને પણ બરાબર સાફ કરીને સૂકવી દો. આવી નિયમિત સફાઈ રાખવાથી ચોમાસામાં બૅક્ટેરિયા અને ફંગસનો ગ્રોથ અટકે છે અને હાઇજીન જળવાઈ રહે છે.
બાળકને સમજાવો કે ઘરે આવ્યા પછી ભીનાં શૂઝ અને બૅગ એક ખૂણામાં ન ફેંકે. તેને યોગ્ય જગ્યાએ શૂઝ મૂકવાની, બૅગ ખાલી કરવાની અને ભીનાં કપડાં બદલવાની ટેવ પાડો. ચોમાસામાં થોડી સાવચેતી રાખીને બાળકોની સ્કૂલ-બૅગ અને શૂઝને લાંબા સમય સુધી સારી સ્થિતિમાં રાખી શકાય છે. યોગ્ય રીતે સૂકવવા, નિયમિત સફાઈ રાખવા અને ભેજથી બચાવવાના સરળ ઉપાયો અપનાવવાથી દુર્ગંધ, ફંગસ અને નુકસાન જેવી સમસ્યાઓથી બચી શકાય છે. આ નાની કાળજી માત્ર વસ્તુઓનું આયુષ્ય જ વધારતી નથી, બાળકના સ્વાસ્થ્ય અને સ્વચ્છતાનું પણ ધ્યાન રાખે છે.