24 August, 2026 06:08 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
બરગંડી કલરના વાળ નૅચરલ ડાઇથી શક્ય છે?
આજકાલ અનનૅચરલ શેડ્સવાળા હેરકલરનું ચલણ ખૂબ ઝડપથી વધી રહ્યું છે. બજારમાં મળતા બ્રૅન્ડેડ હેર કલર્સમાં કેમિકલ્સ હોય જ છે. જોકે બરગંડી કલરના વાળ નૅચરલ ન હોવા છતાં સ્ટાઇલિશ જરૂર લાગે છે. વાળને જરાય નુકસાન ન થાય અને છતાં આવા રંગોની ઝાંયવાળા વાળ જોઈતા હોય તો બ્યુટી એક્સપર્ટ્સે શૅર કરેલા ઘરેલુ નુસખા અપનાવી શકાય. બરગંડી માટે બીટ અને હિબિસ્કસ એટલે કે લાલ જાસૂદનાં ફૂલો કુદરતી શેડનું કામ કરી શકે છે. જાસૂદનાં ફૂલો તો આમેય વાળને શાઇન અને મજબૂતી આપવાનું કામ પણ કરે છે.
એક કપ સાદી મેંદીનો પાઉડર લો. એને બીટના રસથી પલાળીને એની ઘાટી પેસ્ટ જેવું બનાવો. આ મિશ્રણને લોખંડના વાસણમાં ચારથી પાંચ કલાક માટે ઢાંકીને મૂકી રાખો. એ પેસ્ટને વાળમાં લગાવી લો. જો તમારે ચોક્કસ લટોમાં શેડ જોઈતો હોય તો માત્ર જે વાળની લટોમાં જોઈતો હોય એમાં જ લગાવો. બાકી આખા માથામાં લગાવી શકાય. બેથી ત્રણ કલાક સુધી એને વાળમાં રહેવા દો અને પછી સાદા પાણીથી ધોઈ લો. આનાથી કુદરતી રીતે બરગંડી ઝાંય વાળને મળશે.
જાસૂદનાં ફૂલો તાજાં મળે તો બેસ્ટ. જો ન મળે તો આજકાલ હિબિસ્કસ ટી માટે નૅચરલી સૂકવેલાં જાસૂદનાં ફૂલો મળે છે એ પણ લઈ શકાય. તાજાં ફૂલો હોય તો થોડુંક પાણી નાખીને પીસી લેવાં. જો સૂકાં ફૂલ હોય તો સહેજે ગરમ પાણીમાં નાખીને પલાળવાં અને પછી એને વાટીને પીસી લેવાં. આ પેસ્ટને ડાયરેક્ટ જ વાળ પર લગાવીને વાળમાં બે કલાક માટે રાખી શકાય. એ પછી માઇલ્ડ શૅમ્પૂથી ધોઈ લેવું.
જાસૂદનાં ફૂલોની પેસ્ટથી માત્ર રંગ જ નથી મળતો, અન્ય પણ અઢળક ફાયદા થાય છે. જેમ કે એ વાળનાં મૂળિયાંને મજબૂત કરે છે અને વાળ ખરવાનું પ્રમાણ ઘટે છે. ડૅન્ડ્રફ હોય તો ઘટાડે છે. જો જાસૂદનાં ફૂલ અને આમળાંના રસને નારિયેળના તેલમાં ઉકાળીને એનું તેલ તૈયાર કરીને સ્કૅલ્પમાં માલિશ કરવાથી વાળ અકાળે સફેદ થતા પણ અટકે છે. જો હિબિસ્કસની પેસ્ટને ઍલોવેરા કે દહીંમાં ભેળવશો તો એ હેરમાસ્ક જેવું કામ આપશે.