આ નવરાત્રિમાં ઝળકશે બોહો ફ્યુઝન ડેનિમ

15 September, 2025 12:27 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કલરફુલ પૉમ-પૉમ અને મિરર વર્કવાળાં ચણિયા-ચોળી ટ્રેડિશનલ ફૅશનમાં તો ઇનથિંગ છે જ, પણ હાલમાં ટ્રેન્ડ થઈ રહેલાં નવરાત્રિ સ્પેશ્યલ બોહો ફ્યુઝન ડેનિમ્સ પણ તમારી ફૅશન સ્ટાઇલને ખાસમખાસ રીતે લેવલઅપ કરશે

હાથથી પેઇન્ટિંગ કરીને આવું જીન્સ તૈયાર કર્યું (ડાબે), બાંધણીના કાપડને ડેનિમની સાઇડમાં લગાવીને સ્ટાઇલ કરી શકાય (વચ્ચે), પૉમ-પૉમ અને મિરર વર્ક સાથે બાંધણીના કાપડને પલાઝો સ્ટાઇલથી ડેનિમ ડિઝાઇન કર્યું છે (જમણે)

નવરાત્રિના પર્વને હવે ગણ્યાગાંઠ્યા દિવસો બાકી રહ્યા છે ત્યારે ખેલૈયાઓ ગરબાની સાથે નવેનવ દિવસનાં આઉટફિટ્સ કયાં પહેરવાં અને એને કઈ રીતે સ્ટાઇલ કરવાં એના પ્લાનિંગમાં વ્યસ્ત છે. માર્કેટમાં પણ નવરાત્રિ સ્પેશ્યલ આઉટફિટ્સ અને જ્વેલરીઝ આવવા લાગ્યાં છે ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ ફૅશનમાં અપ-ટુ-ડેટ રહેવા માટે માર્કેટમાં નવું શું આવ્યું છે એ પ્રશ્ન તો રહેતો જ હોય છે. આજની યુવા પેઢી ફ્યુઝન સ્ટાઇલને અપનાવી રહી છે ત્યારે આ વર્ષે ગરબાપ્રેમીઓ માટે સ્ટાઇલિશ અને કમ્ફર્ટેબલ ઑપ્શન તરીકે બોહો ફ્યુઝન ડેનિમ્સ માર્કેટમાં ટ્રેન્ડ કરી રહ્યાં છે. નવરાત્રિમાં પહેરાતાં કપડાંમાં લાગતા લેસ અને મિરર્સ જેવા એલિમેન્ટ્સને ડેનિમ પૅન્ટ્સ પર ટાંકીને તૈયાર કરવામાં આવતાં બોહો સ્ટાઇલ પૅન્ટ્સ દેખાવમાં સ્ટાઇલિશ અને કૂલ લાગે છે. એક ફૅશન-ઇન્ફ્લુઅન્સરે જૂના પૅન્ટમાં રાજસ્થાની એમ્બ્રૉઇડરી વર્કવાળા પૅચ, મિરર્સ, કલરફુલ પૉમ-પૉમ્સ અને કચ્છી વર્કવાળી લેસને પૅન્ટ્સ પર ટાંકીને ફેસ્ટિવ લુક આપે એવું પૅન્ટ તૈયાર કર્યું છે. જો બેસિક ક્રાફ્ટિંગ મટીરિયલ્સ ઘરે પડ્યાં હોય અને અને એને સીવતાં અને ટાંકતાં આવડતું હોય તો ઘરે બેઠાં તમે નવરાત્રિ માટે આવાં પૅન્ટ્સ બનાવી શકો છો.

સ્ટ્રીટ-સ્ટાઇલ અને ફેસ્ટિવ વાઇબ

આ DIY એટલે જાતે બનાવી શકાય એવા ટ્રેન્ડ ફક્ત ઇન્સ્ટાગ્રામ પૂરતા જ સીમિત નથી. ગુજરાતમાં તો સ્ટ્રીટ-વેન્ડર્સ પાસેથી આવાં ફ્યુઝન ડેનિમ્સ મળી જશે, પણ મુંબઈમાં નવરાત્રિમાં થતાં એક્ઝિબિશન્સ અને ફૅશન-સ્ટુડિયોમાં પણ મળી જાય. ફૅશનની થોડી સમજ હોય એવા લોકો આવાં પૅન્ટ્સ ઘરે બનાવીને વેચી રહ્યા છે. ગરબા માટે ચાલવા અને ફરવામાં કમ્ફર્ટેબલ લાગે અને ગરબા રમતી વખતે ડેનિમમાં ઘેર દેખાય એવા વાઇડ લેગ્ડ અથવા ફ્લેર્ડ ડેનિમ બહુ પૉપ્યુલર છે. આવાં ડેનિમ ઘૂંટણથી નીચે પલાઝો જેવી ઇફેક્ટ આપે છે.

ઘણા લોકો ડેનિમ્સમાં કચ્છી વર્ક જેવા દેખાતા પેઇન્ટિંગ સાથે મિરર વર્કવાળા પૅચ લગાવે છે જેથી ફેસ્ટિવ ટચ મળે. આ ઉપરાંત ડેનિમ પર રાજસ્થાની અને કચ્છી શૈલીની ફુલ પૅટર્ન અથવા જ્યોમેટ્રિક ડિઝાઇન્સ સાથે કસ્ટમ થ્રેડવાળું એમ્બ્રૉઇડરી વર્ક અને લટકણનું કૉમ્બિનેશન પણ મસ્ત લાગે છે. આ ઉપરાંત ફ્રિન્જ સ્ટાઇલનાં ડેનિમ્સ એટલે કે દોરાની લટકતી ફ્રિન્જ ગરબા કરતી વખતે બહુ સરસ લાગશે. આ રીતે પોતાના હિસાબે ઘરેબેઠાં પણ કરી શકાય અને માર્કેટમાં પણ ઉપલબ્ધ હોવાથી ગમે એવી ડિઝાઇનનાં પૅન્ટ્સ ખરીદી શકાય છે. મોટા ભાગે આવાં પૅન્ટ્સ વાઇડ લેગ્ડ, બૅગી અને બેલ બૉટમ્સ જેવા સ્કિનથી દૂર રહે અને લૂઝ રહે એવા જ જીન્સ પર આવું વર્ક થાય છે જેથી એને અલગ-અલગ રીતે સ્ટાઇલ કરવામાં પણ ઑપ્શન્સ મળી રહે.

કેવી રીતે સ્ટાઇલ કરશો?

નવરાત્રિ સ્પેશ્યલ બોહો ટાઇપ ડેનિમ્સને મિરર વર્કવાળા બ્લાઉઝ અથવા એમ્બ્રૉઇડરી વર્કવાળા ટૉપ સાથે પેર કરશો તો ગરબા રમતી વખતે તમારો વટ પડશે.

જ્વેલરીમાં ઑક્સિડાઇઝ્ડ જ્વેલરી જેમ કે દેખાવમાં મોટાં પણ વજનમાં હલકાં આવે એવાં ઇઅર-રિંગ્સ, લેયરવાળો નેકલેસ અને હાથમાં મિરર વર્કવાળી અથવા સિલ્વર કલર્સની બંગડી તમારા લુકને એન્હૅન્સ કરશે.

બાંધણી કે ટાઇ-ડાઇ પ્રિન્ટના દુપટ્ટા અથવા સ્ટોલને ખભા પર અથવા ચણિયા-ચોળીમાં ગુજરાતી પલ્લુ સ્ટાઇલ દુપટ્ટાની જેમ સ્ટાઇલ કરશો તો તમારી ફૅશનમાં ટ્રેડિશનલ ટચ ઉમેરાશે.

કમ્ફર્ટ માટે ડેનિમ સાથે મેળ ખાતી એમ્બ્રૉઇડરી અને મિરર વર્કવાળી જૂતી અથવા મોજડી કે સ્નીકર્સ પહેરો જેથી ગરબા રમતી વખતે તમે કમ્ફર્ટેબલ ફીલ કરો.

navratri fashion fashion news lifestyle news life and style columnists