હેર-ઍક્સેસરીઝથી સિમ્પલ હેરસ્ટાઇલને બનાવો સ્પેશ્યલ

16 September, 2025 10:55 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

જો તમને હેરસ્ટાઇલ કરતાં ન ફાવતું હોય તો તમે કલરફુલ હેર-ઍક્સેસરીઝનો ઉપયોગ કરીને ફેસ્ટિવ લુક મેળવી શકો છો

હેર-ઍક્સેસરીઝ

નવરાત્રિમાં તમે ગમે એટલાં સારાં ચણિયાચોળી, લેહંગો, કુરતી પહેરી લો... પણ હેરસ્ટાઇલ સારી ન હોય તો લુક અધૂરો લાગે છે. જોકે હેરસ્ટાઇલ બનાવવાનું કામ થોડી મહેનત, કળા અને સમય માગી લે એવું હોય છે. એટલે દરરોજ નવી-નવી હેરસ્ટાઇલ કરવાનું દરેકને ન આવડે. એવા સમયે તમે કોઈ સિમ્પલ હેરસ્ટાઇલ કરો અને નવરાત્રિ સ્પેશ્યલ એવી કલરફુલ ઍક્સેસરીઝનો ઉપયોગ કરો તો પણ તમને ફેસ્ટિવ લુક મળી જશે.

નવરાત્રિ સ્પેશ્યલ કેવી-કેવી હેર-ઍક્સેસરીઝ માર્કેટમાં ઉપલબ્ધ છે એની વાત કરીએ તો રબરબૅન્ડ સાથે હેર-બૅન્ડ અટૅચ્ડ હોય એવી ઍક્સેસરીઝ આવે છે. માથામાં લગાવવાનો આ તૈયાર ચોટલો રંગબેરંગી ધાગાઓથી વાળવામાં આવેલો હોય છે. એના પર કોડી, મિરર, મોતીથી વર્ક કરેલું હોય છે. એ સિવાય નવરાત્રિ સ્પેશ્યલ હેર-સ્ક્રન્ચિસ પણ આવે છે જેના પર ટ્રેડિશનલ કચ્છી વર્ક કરેલું હોય છે. આ વખતે તો હેર-ક્લિપ્સમાં પણ ઘણી વરાઇટી છે. એમાં પણ કમળ, અર્ધચંદ્ર, ઇવિલ આઇ અથવા તો જ્યૉમેટ્રીના અલગ-અલગ શેપ જેમ કે ગોળ, ત્રિકોણ, ચોરસ વગેરેમાં આવે છે. આ ક્લિપ્સ પાછી સિંગલ, ડબલ, ટ્રિપલ લેયરમાં તેમ જ લટકણ, ચેઇન લાગેલી હોય એવી આવે છે. આ વખતે નવરાત્રિ વાઇબ્સ આપતા હેરબો પણ ખૂબ ટ્રેન્ડમાં છે, જેમાં એમ્બ્રૉઇડરી વર્ક, મિરર વર્ક કરેલું હોય છે. એને વધુ આકર્ષક બનાવવા માટે કોડી, ઘૂંઘરું લટકાવેલાં હોય છે. નવરાત્રિ સ્ટાઇલ હેર-બક્કલ અને હેર-બૅન્ડ પણ મળે છે જેના પર ટ્રેડિશનલ એમ્બ્રૉઇડરી વર્ક હોય છે. એ સિવાય માથામાં પહેરવાની મલ્ટિલેયરની કલરફુલ હેર-ચેઇનનું પણ ખૂબ ચલણ છે. એમાં બીડ્સ, પર્લ, સ્ટોન્સ, કૉઇન્સ, શેલ્સ અથવા ચાર્મ્સ લાગેલાં હોય છે.

navratri fashion fashion news lifestyle news life and style columnists