તમારા મંગળસૂત્રમાં તરબૂચના આકારનું પેન્ડન્ટ પહેરશો?

26 March, 2025 02:22 PM IST  |  Mumbai | Kajal Rampariya

નૉર્મલ જ્વેલરીથી બોર થઈને કંઈક હટકે અને યુનિક ટ્રાય કરવું હોય તો ફ્રૂટ જ્વેલરી તમારા માટે બેસ્ટ ઑપ્શન છે

હટકે બૅગ્સ અને મંગળસૂત્રમાં તરબૂચના આકારનું પેન્ડન્ટ

ઉનાળામાં શરીરની સાથે આંખોને પણ ઠંડક મળે એવી ફૅશન અત્યારે ટ્રેન્ડમાં છે. ઉનાળામાં ગરમીથી બચવા માટે લાઇટ અને પેસ્ટલ કલર્સનો દબદબો તો છે જ, પણ ઍક્સેસરીઝની વાત કરીએ તો એમાં પણ ફ્રૂટ જ્વેલરીનો ટ્રેન્ડ યુવતીઓમાં જોવા મળી રહ્યો છે. ફળોના આકારની મળતી જ્વેલરી લુકને યુનિક બનાવે છે. કેવા પ્રકારની જ્વેલરી માર્કેટમાં છે અને કેવી જ્વેલરીને લોકો પસંદ કરી રહ્યા છે એ વિશે એક્સપર્ટ પાસેથી જાણીએ.

બનાના પેન્ડન્ટ

એક પ્રકારની સ્ટેટમેન્ટ જ્વેલરી

દ​ક્ષિણ મુંબઈના ઑપેરા હાઉસ એરિયામાં રહેતી જ્વેલરી ડિઝાઇનર મિલોની શાહ ફ્રૂટ જ્વેલરીના ટ્રેન્ડ વિશે કહે છે, ‘ફળોના આકારની જ્વેલરીનો ટ્રેન્ડ વિદેશમાંથી ભારતમાં આવ્યો છે અને એ પણ સેલેબ્રિટીઝ લાવી છે. થોડા સમય પહેલાં ખુશી કપૂરે પહેરેલાં ઑરેન્જની સ્લાઇસનાં ઇઅરરિંગ્સ આકર્ષણનું કેન્દ્ર બન્યાં હતાં ત્યારે અનન્યા પાંડેએ પણ એક પાર્ટીમાં ફ્રૂટ શેપની જ્વેલરી ફ્લૉન્ટ કરી હતી. આ જ્વેલરી એક પ્રકારની સ્ટેટમેન્ટ જ્વેલરી કહેવાય. તમે પોતાની પર્સનાલિટીને એન્હૅન્સ કરવા કોઈ જ્વેલરી પહેરો એને સ્ટેટમેન્ટ જ્વેલરી કહેવાય. પાર્ટી કે કૉન્સર્ટમાં જાઓ તો એ સારી લાગે. રેડ કાર્પેટ ઇવેન્ટમાં જવાનું હોય અને યુનિક દેખાવાની ઇચ્છા હોય એ લોકો પણ ફળોના આકારની જ્વેલરી પહેરી શકે. અત્યારે યુવતીઓ મોટા ભાગે ફળોના આકારનાં ઇઅરરિંગ્સ પહેરવાનું વધુ પસંદ કરી રહી છે. જોકે માર્કેટમાં મિક્સ ફ્રૂટ નેકલેસ, બ્રેસલેટ અને માથામાં નાખવાની ક્લિપ પણ મળે છે.’

ક્રોશેથી બનેલાં ઇઅરરિંગ્સ

જેનZની જ્વેલરી

જ્વેલરી ડિઝાઇનિંગ ક્ષેત્રે ૧૨ વર્ષનો અનુભવ ધરાવતી મિલોની હાલમાં આ જ ફીલ્ડમાં પોતાનો બિઝનેસ કરે છે ત્યારે તે ફ્રૂટ જ્વેલરીને જેનZ જ્વેલરી ગણાવે છે. એની પાછળનું કારણ જણાવતાં તે કહે છે, ‘ફ્રૂટ જ્વેલરી મોટી ઉંમરની વ્યક્તિને શોભે એવી નથી. આ જ્વેલરી યંગ વાઇબ્સ આપે છે તેથી મને લાગે છે એ ફક્ત જેનZને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે. માર્કેટમાં અત્યારે તો ચેરી શેપનાં ઇઅરરિંગ્સ વધુ જોવા મળે છે, પણ ઑનલાઇન ઈકૉમર્સ પ્લૅટફૉર્મ્સ પર ડ્રૅગન ફ્રૂટ, મૅન્ગો, ઑરેન્જ અને વૉટરમેલન જેવા ફ્રૂટના આકારના અથવા એના મિનિએચર વર્ઝન્સનાં ઇઅરરિંગ્સ પણ જોવા મળે છે. એમાંય ગૂંથણકામ કરીને બનાવેલા ક્રોશે ઇઅરરિંગ્સ પણ યુવતીઓને ગમતાં હોય છે કારણ કે એ પહેરવામાં પણ હળવાં હોય છે અને ઈઝી ટુ કૅરી હોય છે. માર્કેટમાં આ પ્રકારની જ્વેલરી ૨૦૦ રૂપિયાથી શરૂ થાય છે અને જેટલા સારા મટીરિયલમાં લેશો એટલી મોંઘી તો આવશે પણ એ લાંબા સમય સુધી ટકશે.’

વૉટરમેલનની સ્લાઇસ જેવી દેખાતી હૅન્ડબૅગ

ઇઅરરિંગ્સ પૉપ્યુલર

ફ્રૂટ જ્વેલરીમાં ગ્લાસ અને મેટલના મટીરિયલનાં ઇઅરરિંગ્સ ટ્રેન્ડમાં છે. ખાસ કરીને મિનિએચર વર્ઝનનાં સ્ટડ્સ અને હૅન્ગિંગ ઇઅરરિંગ્સ યુવતીઓમાં પૉપ્યુલર થઈ રહ્યાં છે. ઇઅરરિંગ્સ તો કૂલ લુક આપે જ છે અને એ ઉપરાંત ફ્રૂટની થીમની હૅન્ડબૅગ્સ પણ બની રહી છે. સ્ટ્રૉબેરી, સફરજન, પેરુ અને ઑરેન્જ શેપનાં ઇઅરરિંગ્સને જો વેસ્ટર્ન ડ્રેસમાં વન-પીસ અથવા ગાઉન સાથે સ્ટાઇલ કરવામાં આવે તો એ તમારી પર્સનાલિટીને યુનિક તો બનાવશે જ અને સાથે તમારા લુકને એન્હૅન્સ અને બોલ્ડ પણ કરશે. અત્યારે યુનિકના નામે મંગળસૂત્રમાં પણ તરબૂચના શેપનું પેન્ડન્ટ માર્કેટમાં જોવા મળી રહ્યું છે અને ગોલ્ડની ચેઇન અથવા મોતીની માળામાં મિક્સ ફ્રૂટનાં મિનિએચર્સને સામેલ કરીને જ્વેલરીને ઍન્ટિક અને હટકે લુક આપવામાં આવી રહ્યો છે. જોકે આ પ્રકારની જ્વેલરી હટકે દેખાવાની ઇચ્છા ધરાવતા હોય એવા લોકો જ ખરીદતા હોવાથી માર્કેટમાં એ વધુ દેખાતી નથી. જ્વેલરી ડિઝાઇનર ઑર્ડર પર એ પ્રમાણે બનાવીને આપે છે.

ચેરી પેન્ડન્ટ અને મિક્સ ફ્રૂટ નેકલેસ

હટકે બૅગ્સ

જ્વેલરી ઉપરાંત હૅન્ડબૅગ્સમાં ફ્રૂટ્સની થીમનો દબદબો વધી રહ્યો છે. હાથના કાંડામાં પહેરીને કૅરી કરાતી નાનકડી હૅન્ડબૅગ અનનાસના આકારની મળે છે. એ જીન્સ અથવા કોઈ પણ વેસ્ટર્ન આઉટફિટ પર સારી લાગે પણ એ રેગ્યુલર યુઝમાં લઈ શકાય એમ નથી. આવી તરબૂચની સ્લાઇસના શેપની અને સંતરાના શેપની સાઇડ બૅગ્સ પણ માર્કેટમાં છે, એનું મટીરિયલ હાર્ડ હોવાથી એમાં ચીજવસ્તુઓ પ્રોટેક્ટેડ રહે છે. સાઇઝમાં નાની હોવાથી વધુ સ્ટોરેજ આપતી નથી અને આ પ્રકારની હૅન્ડબૅગ્સ સામાન્ય યુવતીઓને બદલે મૉડલ્સ અને સેલિબ્રિટીઝને જ શોભે એવી છે. 

fashion news fashion life and style gujarati mid-day columnists