05 November, 2025 01:24 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સાડી સાથે જૅકેટનું કૉમ્બિનેશન ટ્રેન્ડમાં છે
ફૅશન-જગતમાં થઈ રહેલા નવા-નવા પ્રયોગોમાં હાલમાં સાડી સાથે જૅકેટનું કૉમ્બિનેશન ટ્રેન્ડમાં છે. પરંપરાગ પોશાક ગણાતી સાડીને આધુનિકતાના રંગે રંગવા માટે જૅકેટ સ્ટાઇલમાં પ્રૅક્ટિકલ ટ્વિસ્ટ આપે છે. બૉલીવુડની કેટલીક અભિનેત્રીઓએ આ ટ્રેન્ડને અલગ-અલગ અંદાજમાં અપનાવ્યો છે ત્યારે આવી રહેલી વેડિંગ સીઝનમાં તમારે પણ આ ટ્રેન્ડને ફૉલો કરવો હોય તો સ્ટાઇલિંગ ટિપ્સ લઈ લેજો.
એવરગ્રીન ક્લાસિક લુક
ટાઇમલેસ ફૅશન ક્યારેય આઉટ ઑફ ટ્રેન્ડ જતી નથી. કરિશ્મા કપૂરે થોડા સમય પહેલાં લાલ રંગની સાડી પર ક્રીમ કલરનું લાંબું જૅકેટ પહેર્યું હતું જે સિમ્પલની સાથે રૉયલ વાઇબ આપી રહ્યું હતું. વિન્ટર વેડિંગ માટે આ લુક પર્ફેક્ટ ઇન્સ્પિરેશન છે. તમને પણ કરિશ્મા જેવો લુક જોઈતો હોય તો જૅકેટ સૉલિડ કલરનું પસંદ કરો અને સાડીના કલર સાથે કૉન્ટ્રાન્સ્ટ હોય એવા કલર પેર કરશો તો ઠંડીથી રક્ષણ પણ મળશે અને તમારો લુક પણ એલિગન્ટ લાગશે.
ક્રૉપ્ડ ડૅનિમ જૅકેટનો ફ્યુઝન લુક
અભિનેત્રી શર્વરી વાઘે ટ્રેડિશનલ સીક્વન્સવાળી સાડીને ક્રૉપ્ડ ડેનિમના બ્લેઝર સ્ટાઇલ જૅકેટ સાથે પેર કરીને ઇન્ડો-વેસ્ટર્ન ફ્યુઝન લુક ક્રીએટ કર્યો હતો. એક્સપાયર્ડ ડેનિમમાંથી બનેલું જૅકેટ સ્ટાઇલનું બ્લાઉઝ ફ્યુઝન ફૅશનનું પર્ફેક્ટ ઇદાહરણ છે. તમને પણ આવો લુક જોઈતો હોય તો સાડીના ફૅબ્રિક કરતાં કૉન્ટ્રાસ્ટ જેમ કે સિલ્ક સાથે ડેનિમને પેર કરી શકાય એ રીતે સ્ટાઇલ કરશો તો લુક એકદમ મૉડર્ન અને આકર્ષક લાગશે. આવો ફ્યુઝન લુક કૉકટેલ પાર્ટીઝ કે સંગીત જેવાં ફંક્શન્સમાં અપનાવી શકો.
સિલ્કની સાડી સાથે હેવી જૅકેટ
ફૅશન-એક્સપરિમેન્ટની વાત આવે ત્યારે અભિનેત્રી સોનમ કપૂરનું નામ મોખરે હોય છે. તેણે સિલ્કની સાડી સાથે બ્લાઉઝને બદલે હાઈ કૉલર અને બિશપ સ્લીવ્ઝવાળું પ્રિન્ટેડ શર્ટ પહેરવાનું પસંદ કર્યું હતું. લુકને કમ્પ્લીટ કરવા વેલ્વેટના ફૅબ્રિકનું જૅકેટ અંગરખા સ્ટાઇલમાં પહેરીને સાડીના પાલવને ખભે રાખવાને બદલે કમરની આસપાસ વીંટાળીને સ્ટાઇલ કર્યો હોવાથી જૅકેટને મેઇન ફોકસ બનાવ્યું હતું જે એના લુકમાં રૉયલનેસ ઍડ કરી રહ્યું હતું. જો તમારી પાસે પણ હેવી કે ભરતકામવાળું જૅકેટ હોય તો સોનમની જેમ સાડીને કમરની આસપાસ ડ્રેપ કરશો તો શિયાળાના લગ્ન અને સંગીત-નાઇટ્સમાં તમારો લુક ખરેખર યુનિક લાગશે.
ટોન-ઑન-ટોન ટ્રેન્ચ જૅકેટ
લિનન ફૅબ્રિકની સાડીને મૅચિંગ બૉડી સૂટ અને બેલ્ટેડ ટ્રેન્ચ જૅકેટ સાથે પેર કરવાથી કોઈ પણ જ્વેલરી વગર લુકને એલિગન્ટ બનાવી શકાય છે. અભિનેત્રી ડાયના પેન્ટીએ સાબિત કર્યું એવી રીતે તમે પણ એક જ કલર શેડમાં ફ્યુઝન ફંક્શન્સ માટે સ્ટાઇલ કરી શકો છો. જૅકેટમાં પણ મૅચિંગ બેલ્ટ ઍડ કરશો તો તમારું િફગર ડિફાઇન થશે. મોટી જ્વેલરી વગર પણ આ પ્રકારે તમે સ્ટાઇલ કરશો તો તમારી સુંદરતામાં ચાર ચાંદ લાગી જશે.
આટલું ધ્યાનમાં રાખો
જો તમે પણ સાડી-જૅકેટ ટ્રેન્ડ અજમાવવા ઇચ્છો છો તો એક બેઝિક રૂલ યાદ રાખો અને એ છે બૅલૅન્સ. ભારે સાડી હોય તો પ્લેન જૅકેટ લો અને સાદી સાડી પર એમ્બ્રૉઇડરીવાળું જૅકેટ અજમાવો.
ટ્રેડિશનલ બ્લાઉઝને બદલે શૉર્ટ વેલ્વેટ જૅકેટ અથવા બ્લેઝર સ્ટાઇલ ક્રૉપ્ડ જૅકેટને હાઈ-નેક અથવા ફુલ સ્લીવ્ઝ સાથે પેર કરી શકાય.
લાંબા અને ખુલ્લા જૅકેટને સાડીના પલ્લુની ઉપર રાખો. સિલ્ક ફૅબ્રિકનું લૉન્ગ બ્લેઝર ક્લાસિક અને ગ્લૅમરસ લુક આપશે.
વિન્ટર વેડિંગ સીઝનમાં વેલ્વેટ અને બ્રૉકેડ ફૅબ્રિકનાં જૅકેટ પહેરવાથી ઠંડી નહીં લાગે અને તમારા લુકની રૉયલનેસ જળવાઈ રહેશે.
જૅકેટને હાઇલાઇટ કરવા સાડીનો પલ્લુ સાઇડમાં રાખવાને બદલે પિન-અપ કરી લો અથવા સોનમ કપૂરની જેમ કમરની આસપાસ ડ્રેપ કરશો તો પણ સારું લાગશે.