નાક વીંધ્યા વગર જ પર્સનાલિટીને બોલ્ડ લુક આપે છે નોઝ કફ્સ

26 June, 2026 01:05 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

જે વસ્તુ આપણને વિચિત્ર લાગે એ જ ક્યારેક ગ્લોબલ ટ્રેન્ડ બની જાય છે. અત્યારે આવો જ નોઝ કફ્સનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. નથણી કે નોઝ-પિન કરતાં અલગ અને મોટો આકાર ધરાવતી આ ઍક્સેસરી અત્યારે પૉપ્યુલર થઈ રહી છે

નોઝ કફ્સ

કોઈ પણ નવો ટ્રેન્ડ આવે એટલે ચર્ચા તો થાય જ. નોઝ કફ્સને લઈને અમુક લોકો એવું માને છે કે આ ઍક્સેસરી પર્સનાલિટીને પાવરફુલ, આર્ટિસ્ટિક અને હાઈ-ફૅશન વાઇબ્સ આપે છે. વેસ્ટર્ન આઉટફિટ્સ કે મૉડર્ન ફ્યુઝનવેઅર સાથે એ ખૂબ જ આકર્ષક લાગે છે. બીજી તરફ સિમ્પલ ફૅશન પસંદ કરતા લોકોને આ આકારો વિચિત્ર અને અગવડભર્યા લાગે છે. ઇન્ટરનૅશનલ રૅમ્પ-વૉકથી લઈને પૉપકલ્ચરમાં હૉલીવુડ અને બૉલીવુડના સેલેબ્સ આ પ્રકારની મેટાલિક અને ઓવરસાઇઝ્ડ નોઝ કફ્સ ઍક્સેસરીને અપનાવી રહ્યા છે એ જોતાં જ હવે યુવા વર્ગમાં આ ઍક્સેસરી ધીરે-ધીરે પૉપ્યુલર થઈ રહી છે.

બોલ્ડ અને ડ્રામેટિક લુકની નવી વ્યાખ્યા

સામાન્ય રીતે આપણે નાકમાં નાની હીરાની ચૂંક અથવા રિંગ પહેરતા હોઈએ છીએ, પરંતુ આ નવો ટ્રેન્ડ કંઈક અલગ જ છે. નોઝ કફ્સ કદમાં મોટાં, આડા-અવળા આકારોવાળાં અને મેટાલિક ફિનિશ ધરાવે છે. એ નાકની આસપાસના એરિયાને કવર કરે એવા ડ્રામેટિક લુકમાં આવે છે. જે લોકોને પોતાની સ્ટાઇલ સાથે પ્રયોગો કરવા ગમે છે અને ભીડથી અલગ દેખાવું છે તેમના માટે આ એક પર્ફેક્ટ સ્ટેટમેન્ટ ઍક્સેસરી છે.

નાક વીંધાવવાની કોઈ માથાકૂટ નહીં

આ ટ્રેન્ડ આટલો પૉપ્યુલર થવાનું સૌથી મોટું કારણ એ છે કે આ ક્લિપ-ઑન ઍક્સેસરી છે. એટલે કે આ કફ્સ પહેરવા માટે નાક વીંધાવવાની જરૂર પડતી નથી. એને માત્ર નાકની વચ્ચે અથવા સાઇડમાં ભરાવી દેવાનું હોય છે. જે યુવાનો પેઇન વગર માત્ર ચોક્કસ પ્રસંગો કે ફોટોશૂટ માટે બોલ્ડ લુક ઇચ્છે છે તેમના માટે આ નોઝ કફ્સ બેસ્ટ ઑપ્શન સાબિત થઈ રહ્યાં છે.

કેવી ડિઝાઇન ટ્રેન્ડમાં?

આમાં કોઈ ચોક્કસ આકાર નથી હોતો. લિક્વિડ મેટલ અથવા વેવ્ઝ જેવો લુક આ કફ્સને આપવામાં આવે છે. આ સૌથી મૉડર્ન અને હાઈ-ફૅશન લુક આપે છે જે વેસ્ટર્ન આઉટફિટ્સ સાથે શાનદાર લાગે છે.

ઓવરસાઇઝ્ડ અને ડ્રામેટિક ડિઝાઇનનાં કફ્સ કદમાં મોટાં હોય છે. એ માત્ર નાકની કિનારી પર નહીં, આખા નાકને ઉપરથી નીચે સુધી અથવા આજુબાજુના ગાલના ભાગ સુધી કવર કરે એવા મોટા કદમાં આવે છે. આ ખાસ કરીને આ ફોટોશૂટ, ફૅશન-શો અથવા મ્યુઝિક આલબમ્સ માટે પાવર લુક આપે છે.

મિનિમલિસ્ટિક ડિઝાઇનનાં વાયર કફ્સ એ લોકો માટે છે જેમને બહુ હેવી લુક નથી જોઈતો. આમાં સોના, ચાંદી કે બ્લૅક મેટલના પાતળા વાયરને ટ્વિસ્ટ કરીને સાદી પણ એસ્થેટિક ડિઝાઇન બનાવવામાં આવે છે. આ ડિઝાઇન કૅઝ્યુઅલવેઅર કે ઇન્ડો-વેસ્ટર્ન કપડાં સાથે એલિગન્ટ લાગશે.

ટ્રાઇબલ અને એથ્નિક ફ્યુઝનનાં કફ ગૉથિક વાઇબ્સ આપે છે. એમાં સાપ, પક્ષીઓની પાંખો અથવા અગ્નિની જ્વાળાઓ જેવાં પાવરફુલ મૉટિફ્સ જોવા મળે છે. એ પર્સનાલિટીને બોલ્ડ લુક આપે છે.

ચેઇન લિન્ક્ડ કફ્સમાં નોઝ કફની સાથે એક પાતળી ચેઇન જોડાયેલી હોય છે જે કાન સુધી અથવા વાળની પિન સુધી જાય છે. આ નથણી જેવો જ કન્સેપ્ટ છે, પણ એની ડિઝાઇન મૉડર્ન અને મેટાલિક હોય છે. ઇન્ડો-વેસ્ટર્ન ફ્યુઝન લુક અથવા ફેસ્ટિવલ સીઝન માટે આ ટ્રેન્ડ ઇન છે.

fashion fashion news life and style lifestyle news columnists