04 June, 2026 01:19 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
ઋતુ બદલાય એમ વાળનો મિજાજ પણ બદલાય છે. સામાન્ય રીતે શિયાળામાં ઠંડી અને સૂકી હવાને કારણે ડ્રાય ડૅન્ડ્રફ થાય છે જે ખભા પર સફેદ પાઉડરની જેમ ખરે છે. જોકે ઉનાળામાં બફારો થાય ત્યારે ગરમી અને પરસેવો વધે છે. આ સમય દરમ્યાન સ્કૅલ્પ ઑઇલી થવા લાગે છે અને એના પર જામતા ડૅન્ડ્રફને ઑઇલી ડૅન્ડ્રફ કહેવાય છે. એ સ્કૅલ્પ પર ચોંટી રહે છે અને વાળનાં મૂળને નબળાં પાડે છે. જો એના પર સમયસર ધ્યાન આપવામાં ન આવે તો વાળ ખરવાની સમસ્યા બમણી થઈ જાય છે. તો જાણો ઑઇલી ડૅન્ડ્રફનાં લક્ષણો શું હોય છે અને એને કેવી રીતે દૂર કરી શકાય.
ડ્રાય ડૅન્ડ્રફ સફેદ હોય છે, જ્યારે ઑઇલી ડૅન્ડ્રફ પીળાશ પડતો અને ચીકણો હોય છે. એ વાળનાં મૂળમાં ભીંગડાંની જેમ ચોંટી જાય છે. માથામાં પરસેવો અને તેલ ભેગું થવાને કારણે બૅક્ટેરિયા વધે છે, જેને લીધે સતત અને અસહ્ય ખંજવાળ આવે છે. વધુ પડતી ખંજવાળને કારણે માથાની ત્વચા લાલ થઈ જાય છે અને ક્યારેક નાના સોજા કે ફોલ્લીઓ પણ થઈ શકે છે. તેલ, પરસેવો અને ડૅન્ડ્રફના મિશ્રણને કારણે વાળ ધોયાના એક જ દિવસમાં માથામાંથી અજીબ દુર્ગંધ આવવા લાગે છે. ચીકણો ખોડો વાળના મૂળને બંધ કરી દે છે. પરિણામે વાળને પોષણ નથી મળતું અને હેવી હેરફૉલની સમસ્યા થાય છે.
ઉનાળામાં સામાન્ય કે મૉઇશ્ચરાઇઝિંગ શૅમ્પૂ વાપરવાનું ટાળો. એવું શૅમ્પૂ પસંદ કરો જેમાં સૅલિસિલિક ઍસિડ, કિટોકોનાઝોલ અથવા ઝિન્ક પાયરિથિઓન જેવાં તત્ત્વો હોય. એ સ્કૅલ્પ પરથી ઍક્સેસ ઑઇલ દૂર કરીને ફંગસનો નાશ કરે છે. ઑઇલી ડૅન્ડ્રફની સમસ્યામાં તેલ લગાવવાની ભૂલ કરવી નહીં. એનાથી ખોડો વધુ ઑઇલી થશે અને સમસ્યા વકરશે. જો તેલ લગાવવું જ હોય તો વાળ ધોવાના એક કલાક પહેલાં લગાવો. આ ઉપરાંત કેટલાક ઘરગથ્થુ નુસખા પણ ટ્રાય કરી શકો છો. અલોવેરા જેલમાં એક ચમચી લીંબુનો રસ મિક્સ કરીને સ્કૅલ્પ પર લગાવો અને ૨૦ મિનિટ પછી ધોઈ લો. લીંબુમાં રહેલું સાઇટ્રિક ઍસિડ ઑઇલ કન્ટ્રોલ કરશે અને અલોવેરા ખંજવાળ શાંત કરશે. કડવા લીમડાનાં પાનને પાણીમાં ઉકાળીને એ પાણી ઠંડું થાય ત્યારે માથું ધુઓ. લીમડાના ઍન્ટિ-બૅક્ટેરિયલ ગુણો ડૅન્ડ્રફને જડમૂળથી ખતમ કરવામાં મદદ કરે છે. ડાયટ પર પણ થોડું ધ્યાન આપવાની જરૂર છે. વધુ પડતું ગળ્યું, જન્ક-ફૂડ કે તળેલું ખાવાથી શરીરમાં ઑઇલનું ઉત્પાદન વધે છે. ઉનાળામાં પુષ્કળ પાણી પીઓ, લીલાં શાકભાજી ખાઓ અને ખાટાં ફ્રૂટ્સનો આહારમાં સમાવેશ કરો.