ઘરની એક દીવાલની સજાવટ આપશે એસ્થેટિક લુક

06 July, 2026 02:19 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઘરમાં કોઈ મોટો ફેરફાર કર્યા વગર જો કોઈ એક જ વસ્તુ આખા રૂમનો લુક બદલી શકે તો એ છે દીવાલની સ્ટાઇલિંગ. ખાલી પડેલી દીવાલ ઘણી વખત રૂમને બોરિંગ બનાવી દે છે, પરંતુ થોડા સ્માર્ટ ફેરફારો સાથે એ જ દીવાલ આખા ઘરની હાઇલાઇટ બની શકે છે

ગૅલરી ગ્રિડ

આજકાલ સોશ્યલ મીડિયા પર હોમ ડેકોરના ફોટો કે રીલ્સ સ્ક્રોલ કરતી વખતે એક વાત ખાસ નોટિસ કરવા જેવી છે : એકદમ શાંત, વ્યવસ્થિત અને લક્ઝુરિયસ હોટેલ જેવી દેખાતી દીવાલો. આ ક્લીન અને પ્રીમિયમ લુક પાછળ જે કન્સેપ્ટ સૌથી વધુ ઇન-ટ્રેન્ડ છે એને કહેવાય છે મિનિમલિસ્ટ ગૅલરી ગ્રિડ. એક જમાનો હતો જ્યારે ઘરોમાં દીવાલો પર અલગ-અલગ સાઇઝની, આડાઅવળા કલરની ફ્રેમ લગાવવાનો ક્રેઝ હતો; પરંતુ આજના મૉડર્ન આર્કિટેક્ચરમાં લેસ ઇઝ મોર એટલે કે જેટલું ઓછું અને સુઘડ એટલું વધારે સુંદરનો વિચાર પ્રચલિત થયો છે. જો તમે પણ તમારા ઘરના લિવિંગરૂમ, બેડરૂમ કે હોમ ઑફિસને ઇન્સ્ટન્ટ નવો લુક આપવા માગતા હો તો આ આઇડિયા તમારા માટે બેસ્ટ છે.

ગૅલરી ગ્રિડનો મૂળ વિચાર શું છે?

એનો કન્સેપ્ટ બહુ સિમ્પલ અને આર્ટિસ્ટિક છે. દીવાલ પર એક જ સાઇઝ અને કલરની ફ્રેમને ચોક્કસ માપ સાથે, પર્ફેક્ટ ગ્રિડ પૅટર્નમાં ગોઠવવી. સામાન્ય રીતે જગ્યાના હિસાબે ૪ ફ્રેમ, ૬ ફ્રેમ અથવા ૯ ફ્રેમની ગ્રિડ સૌથી વધુ પૉપ્યુલર છે. નાની દીવાલ કે સોફાની પાછળ ૪ ફ્રેમ બહુ એસ્થેટિક લાગે છે, જ્યારે લિવિંગરૂમની મોટી દીવાલ પર ૯ ફ્રેમની આખી ગ્રિડ એક ભવ્ય આર્ટ ગૅલરી જેવો લુક આપે છે.

ફ્રેમ કેવી હોવી જોઈએ?

ઘણા લોકો ગ્રિડ બનાવતી વખતે ગમે એ ફ્રેમ ખરીદી લે છે જેનાથી લુક બગડે છે. જો તમારે પર્ફેક્ટ ડિઝાઇનર લુક જોઇતો હોય તો ફ્રેમ ખરીદતી વખતે આ બાબતો ખાસ ચેક કરો.

૧. પાતળી બૉર્ડર : ફ્રેમની બૉર્ડર જાડી કે કોતરણીવાળી ન હોવી જોઈએ. એકદમ પાતળી એટલે કે માત્ર અડધા ઇંચની પ્લેન મૅટ બ્લૅક, વાઇટ અથવા નૅચરલ વુડન કલરની ફ્રેમ જ પસંદ કરો.

૨. સ્ટાન્ડર્ડ સાઇઝ : બજારમાં અથવા ઑનલાઇન ૮ બાય ૮ ઇંચ કે ૧૦ બાય ૧૦ ઇંચની સ્ક્વેર ફ્રેમ આ લુક માટે સૌથી બેસ્ટ અને સ્ટાન્ડર્ડ ગણાય છે.

૩. વાઇડ મૅટિંગ : ફ્રેમની અંદર ફોટોની ચારે બાજુ જે સફેદ કલરની બૉર્ડર (કાર્ડબોર્ડ) હોય છે એને મૅટિંગ કહેવાય છે. ફ્રેમ હંમેશાં વાઇડ મૅટિંગવાળી જ લો. આનાથી અંદરનો ફોટો નાનો હશે તો પણ એ ખૂબ જ મોંઘો અને હાઈ-એન્ડ આર્ટવર્ક જેવો દેખાશે.

૪. ગ્લાસ ફિનિશ : પ્લાસ્ટિક શીટવાળી ફ્રેમને બદલે ક્લિયર ગ્લાસવાળી ફ્રેમ લો જેથી એસ્થેટિક લુક આવે.

અંદરનું આર્ટવર્ક કેવું રાખવું?

આ ડિઝાઇનમાં ફ્રેમની અંદર શું મૂકો છો એ આખા રૂમનો મૂડ સેટ કરે છે. ભારે અને ભપકાદાર ચિત્રોને બદલે અહીં એકરૂપતા મહત્ત્વની છે.

૧. મૉડર્ન લાઇન આર્ટ : મિનિમલ લાઇન્સથી બનેલા ચહેરા કે આકૃતિઓ.

૨. બ્લૅક ઍન્ડ વાઇટ ફોટોગ્રાફ્સ: વરસાદનાં ટીપાં, લીફ આર્ટ કે હેરિટેજ આર્કિટેક્ચરના ક્લોઝ-અપ ફોટો.

૩. ઍબ્સ્ટ્રૅક્ટ કે મિનિમલ ક્વોટ્સ: એકદમ લાઇટ બૅકગ્રાઉન્ડ પર લખેલા પૉઝિટિવ શબ્દો.

સ્માર્ટ પ્રિન્ટિંગ ટિપ

ફ્રેમની અંદર રાખવાના ફોટો ક્યારેય ગ્લૉસી પેપર પર પ્રિન્ટ ન કરાવો. હંમેશાં મૅટ ફિનિશ પેપર પર જ પ્રિન્ટ કરાવો જેથી ફ્રેમના કાચ પર રૂમની લાઇટ રિફ્લેક્ટ ન થાય અને આર્ટવર્ક એકદમ ક્લિયર દેખાય.

આ ટ્રેન્ડ શા માટે બેસ્ટ છે?

આ ગૅલરી ગ્રિડ અત્યંત વર્સેટાઇલ છે. એ ઘરની ખાલી સ્પેસને ભરી દે છે અને છતાં આંખોને શાંતિ તથા વ્યવસ્થિતતાનો અનુભવ કરાવે છે. સૌથી મોટો ફાયદો એ છે કે ભવિષ્યમાં જો લુક બદલવો હોય તો નવી ફ્રેમ ખરીદવાની જરૂર નથી. ફક્ત અંદરનું આર્ટવર્ક બદલીને નવો મૂડ ક્રીએટ કરી શકાય છે.

બોનસ ટિપ

આ ગૅલરી ગ્રિડ દીવાલની બિલકુલ નીચે એક નાનું ડેકોર ટેબલ રાખો. એના પર એકાદ ઇન્ડોર પ્લાન્ટ અને સાથે એસ્થેટિક ડીફ્યુઝર મૂકી દો. આ નાનું કનેક્શન તમારા ઘરના એ ખૂણાને લિટરલી કોઈ આર્ટ કૅફે કે આધુનિક રિસૉર્ટ જેવો લુક આપશે.

home decor fashion fashion news life and style lifestyle news columnists