09 September, 2026 03:01 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
કાયલી જેનર
પિયર એટલે કે નાસપતિ અથવા પાણીના પ જેવા આકારનાં ડાયમન્ડ ઇઅર-રિંગ્સને એકસાથે લેયર કરીને પહેરવામાં આવે ત્યારે એ ઇફેક્ટને પિયર સ્ટેક કહેવામાં આવે છે. આ ટ્રેન્ડનો પ્રારંભ ગ્લોબલ ફૅશન-આઇકન કાયલી જેનર દ્વારા થયો છે. કાયલીએ પોતાના જ્વેલરી કલેક્શનમાં પિયર શેપ ડાયમન્ડ્સને ખાસ સ્થાન આપ્યું છે. તેણે પોતાની આંગળીઓમાં મોટી પિયર શેપ ડાયમન્ડ રિંગ્સને એકસાથે સ્ટેક કરીને પહેરવાનું શરૂ કર્યું. ત્યાર બાદ તેણે આ જ કન્સેપ્ટને કાનની જ્વેલરીમાં પણ ઉતાર્યો, જ્યાં એક જ કાનમાં એકસાથે બે પિયર શેપ ડાયમન્ડ ઇઅર-રિંગ્સ સ્ટાઇલ કર્યાં હતાં.
આજકાલ ફૅશનમાં સાદગી સાથે બોલ્ડ એલિમેન્ટ્સ ઉમેરવાનો ક્રેઝ વધ્યો છે. સાદા ગોલ્ડ હૂપ્સની સરખામણીમાં પિયર સ્ટેક માત્ર કાનની સુંદરતા જ નથી વધારતું, એ પહેરનારની પર્સનાલિટીમાં હાઈ-એન્ડ લક્ઝરી અને સ્ટેટસ ઉમેરે છે.
જો તમે પણ જૂની ગોલ્ડ હૂપ્સને બાજુ પર મૂકીને આ નવો પિયર સ્ટેક લુક ટ્રાય કરવા માગો છો તો એને સ્ટાઇલ કરતી વખતે કેટલીક બાબતો ધ્યાનમાં રાખવી જરૂરી છે, જેથી તમારો લુક બૅલૅન્સ્ડ અને એલિગન્ટ લાગે. જો તમારા કાનમાં એક કરતાં વધુ પિયર્સિંગ હોય તો સૌથી નીચેના મુખ્ય લોબમાં મોટા આકારનાં પિયર ડાયમન્ડ સ્ટેટમેન્ટ ઇઅર-રિંગ્સ પહેરો. એની ઉપરના ભાગમાં એનાથી સહેજ નાના આકારનાં પિયર શેપ સ્ટડ અથવા નાનાં ડ્રૉપ ઇઅર-રિંગ્સ ઉમેરો. આ ગ્રૅજ્યુએટિંગ ઇફેક્ટ કાનને મૉડર્ન લુક આપે છે.
પિયર શેપ ડાયમન્ડ્સ પોતે જ સ્ટેટમેન્ટ પ્રોડક્ટ છે એટલે એને આઉટફિટ સાથે બૅલૅન્સ કરવું જરૂરી છે. જો તમે ઈવનિંગ ફંક્શન, વેસ્ટર્ન ગાઉન કે બ્લેઝર સૂટ સાથે આ લુક કરી રહ્યા હો તો નેકલેસ સ્કિપ કરવો અથવા ખૂબ જ સટલ રાખવો, જેથી આખા લુકનું મુખ્ય આકર્ષણ ઇઅર-રિંગ્સ જ રહે.
કાયલી આ લુકને ખૂબ જ કૅઝ્યુઅલ કપડાં સાથે પણ કૅરી કરે છે. તમે પ્લેન વાઇટ શર્ટ, ચિક ડેનિમ કે સિમ્પલ ઓવરસાઇઝ્ડ સ્વેટર સાથે પણ નાના ડાયમન્ડ પિયર સ્ટેક પહેરીને લુકને એલિવેટ કરી શકો છો.
પિયર શેપ ડાયમન્ડની ખાસિયત એ છે કે એની અણીદાર બાજુ ઉપર કે નીચે રાખીને અલગ-અલગ વાઇબ્સ મેળવી શકાય છે. સ્ટેક કરતી વખતે એક ઇઅરરિંગ સીધી અને બીજી થોડી ત્રાંસી અથવા વિરુદ્ધ દિશામાં સેટ કરીને પણ યુનિક ડિઝાઇન ક્રીએટ કરી શકાય છે.
જો તમારી પાસે પિયર શેપ સિવાયનાં અન્ય કટ્સનાં ડાયમન્ડ ઇઅર-રિંગ્સ હોય તો પણ તમે આ સ્ટેકિંગ ટ્રેન્ડને ફાઇન-ટ્યુન કરી શકો છો. પિયર શેપ સિવાય માર્કિસ કટ એટલે કે બન્ને છેડેથી અણીદાર અને વચ્ચેથી પહોળા આકારના ડાયમન્ડ્સ કાનને ખૂબ જ રૉયલ લુક આપે છે. એને પિયર શેપ સાથે મિક્સ ઍન્ડ મૅચ કરીને પણ પહેરી શકાય.
તમને વધુ પડતો અણીદાર શેપ પસંદ ન હોય તો ઓવલ શેપ ક્લાસિક વિકલ્પ છે. એ સૉફ્ટ અને ગ્રેસફુલ દેખાય છે અને કાનની કુદરતી રચના સાથે સરળતાથી મૅચ થઈ જાય છે.
ચોરસ કે લંબચોરસ કટ ધરાવતા એમરલ્ડ કટ ડાયમન્ડ્સ એમના લાઇનર અને વિન્ટેજ લુક માટે જાણીતા છે. જો તમારે મૉડર્ન અને આર્કિટેક્ચરલ સ્ટેકિંગ લુક બનાવવો હોય તો એમરલ્ડ કટ ઇઅર-રિંગ્સ બેસ્ટ છે.
ચોરસ આકારના નાની સાઇઝના ક્યુશન કટ સ્ટડ્સને કાનના ઉપરના ભાગમાં સ્ટેક કરવા માટે વ્યાપકપણે ઉપયોગમાં લેવાય છે.
આજકાલ એક જ શેપને બદલે અલગ-અલગ શેપ્સને મિક્સ કરવાનો ટ્રેન્ડ પણ છે. ઉદાહરણ તરીકે એક પિયર શેપ સાથે એક ટ્રાયન્ગલ અથવા સર્ક્યુલર ડાયમન્ડ સ્ટેક કરવાથી ખૂબ જ ટ્રેન્ડી અને ફન્કી સ્ટાઇલ તૈયાર થાય છે.