21 January, 2026 02:13 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
ફૅશનજગતમાં નાની-નાની વિગતો ઘણી વાર મોટો પ્રભાવ પાડે છે. આજકાલ ગ્લોબલ ફૅશન આઇકન્સ અને હૉલીવુડથી લઈને બૉલીવુડની અભિનેત્રીઓમાં પિન્કી ફિંગર રિંગનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. હાથની છેલ્લી આંગળીમાં પહેરવામાં આવતી નાનકડી વીંટી માત્ર એક જ્વેલરી જ નહીં પણ કૉન્ફિડન્સ અને યુનિક સ્ટાઇલનું પ્રતીક બની ગઈ છે. સદીઓ જૂની પરંપરાથી લઈને આધુનિક સ્ટેટમેન્ટ-પીસ સુધીની સફર આજે ટ્રેન્ડમાં છે.
પિન્કી ફિંગર નાની હોવાથી એના પર રિંગની પસંદગી ખૂબ મહત્ત્વની છે. સિંગનેટ રિંગ્સ પિન્કી ફિંગર માટે ક્લાસિક ચૉઇસ છે. ઉપરથી ચપટી અને ગોળ કે ચોરસ આકારની આ રિંગ્સ રૉયલ લુક આપે છે. જો તમને સિમ્પલ લુક ગમતો હોય તો પાતળી ગોલ્ડ કે ડાયમન્ડ લાઇન્સવાળી રિંગ નાજુક અને સુંદર લાગે છે. નાના સ્ટોન્સવાળી રિંગ પણ હાથને વધુ આકર્ષક બનાવે છે. ઑફિસનાં કપડાં કે ફૉર્મલ સૂટમાં પિન્કી રિંગ પાવરફુલ અને પ્રોફેશનલ લુક આપે છે. બ્લેઝર ફૉર્મલ શર્ટ, પૅન્ટ-શર્ટ અથવા પેન્સિલ સ્કર્ટ પર પ્લેન મેટલિક રિંગ બૉસ-લેડી જેવી વાઇબ આપશે. બાકી ડેનિમ અને કૅઝ્યુઅલ વન-પીસ પર તમે સ્ટેકેબલ રિંગ્સ પહેરી શકો. ઑક્સિડાઇઝ્ડ સિલ્વર રિંગ્સ પણ કૂલ વાઇબ આપશે. ટ્રેડિશનલ વેઅરમાં નાની કુંદન કે પોલ્કી વર્કવાળી રિંગ ક્લાસી લાગશે.
પિન્કી ફિંગરમાં ડાયમન્ડ કે સૉલિટેર રિંગ પહેરવી લક્ઝરી અને મૉડર્ન ફૅશનનું કૉમ્બિનેશન છે. ડાયમન્ડ એની ચમકને કારણે જ ધ્યાન ખેંચે છે તેથી એને સ્ટાઇલ કરતી વખતે થોડી સાવચેતી રાખવી જરૂરી છે જેથી એ ઓવર ન લાગે. પિન્કી ફિંગર માટે રાઉન્ડ અથવા પ્રિન્સેસ કટ ડાયમન્ડ બહુ સુંદર લાગે છે. જો તમારી આંગળી ટૂંકી હોય તો ઓવલ કટ રિંગ પહેરવી જેથી આંગળી લાંબી દેખાશે. આ રિંગ પહેરો ત્યારે એક વાત ધ્યાનમાં રાખજો કે હાથની બીજી આંગળીમાં મોટી રિંગ પહેરવી નહીં. અત્યારે ડાયમન્ડ રિંગ રોઝ ગોલ્ડ મેટલ સાથે વધુ સારી લાગે છે. એ સ્કિન-ટોન સાથે મિક્સ થઈ જાય છે અને ડાયમન્ડને સૉફ્ટ લુક આપે છે. જો તમારે એકદમ મૉડર્ન લુક જોઈતો હોય તો ડાયમન્ડને સફેદ મેટલ સાથે પહેરો. એ ઈવનિંગ ગાઉન કે વેસ્ટર્ન આઉટફિટ સાથે મસ્ત લાગશે. જ્યારે તમે પાર્ટીમાં જાઓ અને હાથમાં ક્લચ પકડો ત્યારે પિન્કી ફિંગરની સૉલિટેર રિંગ વધુ ચમકે છે. ક્લચનો કલર ન્યુડ બ્લૅક હશે તો તમારી પિન્કી ફિંગર રિંગ આકર્ષણનું કેન્દ્ર બનશે. જો તમે ડાબા હાથની પિન્કી ફિંગરમાં ડાયમન્ડ રિંગ પહેરો છો તો એ જ હાથમાં પાતળી ચેઇનવાળી ઘડિયાળ પહેરવી. મોટી કે સ્પોર્ટી ઘડિયાળ ડાયમન્ડના લુકને દબાવી શકે છે. ડાયમન્ડની રિંગ સાથે હંમેશાં ન્યુડ, સૉફ્ટ પિન્ક અને ક્લાસિક રેડ નેઇલપૉલિશ સારી લાગશે. ડાર્ક કે બહુ ચમકતી નેઇલપૉલિશ હીરાની કુદરતી ચમક પરથી ધ્યાન હટાવી શકે છે. આવી રિંગ્સ કૉકટેલ પાર્ટીમાં સ્લીક ગાઉન સાથે સ્ટાઇલ કરી શકાય. વાઇટ શર્ટ અને ડેનિમ પર પણ આ મસ્ત લુક આપશે. આ લુક તમે કૅઝ્યુઅલ મીટિંગ કે ડિનર માટે અપનાવી શકો છો. ડાયમન્ડની સાથે નાના હીરાવાળી રિંગને હેવી સાડી સાથે કૅરી કરશો તો લગ્નપ્રસંગમાં પણ તમારી પિન્કી ફિંગર રિંગ ઝળકશે.