30 April, 2026 02:18 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
ધોમધખતા તાપને કારણે વધતી ગરમીમાં કૂલ દેખાવું ઇચ્છા નહીં પણ ટ્રેન્ડ બની ગયો છે. ઑફિસની મીટિંગ હોય, લગ્નપ્રસંગ હોય કે ટ્રાવેલિંગ - તમારી પર્સનાલિટીને સૂટ થાય એવા પોર્ટેબલ ફૅન્સ સ્ટાઇલિશ ઍક્સેસરી તરીકે લોકપ્રિયતા મેળવી રહ્યા છે. ગરમી સામે લડવા માટે હવે માત્ર છત્રી જ નહીં, આ સ્માર્ટ ગૅજેટ તમારો નવો સાથી છે. આવા ફૅન્સ ફૅશન-ટ્રેન્ડમાં આવવાનું મુખ્ય કારણ એ છે કે હવે લોકો માત્ર સુવિધા જ નહીં પણ લુકને પણ એટલું જ મહત્ત્વ આપે છે. પોર્ટેબલ ફૅન્સ હવે એવા આકર્ષક કલર્સ અને ડિઝાઇનમાં ઉપલબ્ધ છે કે એ તમારા આઉટફિટનો એક ભાગ લાગે છે. મેકઅપ બગડતો અટકાવવો હોય કે પરસેવાથી બચવું હોય, આ નાનકડું સાધન સોશ્યલ મીડિયા પર પણ એસ્થેટિક લુક આપી રહ્યું છે.
જો તમે પ્રોફેશનલ લુક જાળવવા માગતા હો તો પેસ્ટલ કલર્સ અથવા ક્લાસિક બ્લૅક-વાઇટમાં આવતા સ્લિક નેક-ફૅન્સ શ્રેષ્ઠ છે. એ દેખાવમાં હેડફોન્સ જેવા લાગે છે અને તમારા હાથ પણ ફ્રી રાખે છે.
ફૅન્સી ડ્રેસ કે સાડી સાથે હાથમાં પકડી શકાય એવા વિન્ટેજ ફોલ્ડિંગ ફૅન્સ અથવા અત્યાધુનિક ડિઝાઇવવાળા મિની પર્સનલ ફૅન્સ વાપરી શકાય, જે તમારી ગરિમા પણ જાળવે અને ગરમીમાં રાહત પણ આપે.
મિત્રો સાથે બહાર જતી વખતે વાઇબ્રન્ટ કલર્સ જેમ કે નિયોન કે ઇલેક્ટ્રિક બ્લુ ક્લિપ-ઑન ફૅન્સ પસંદ કરી શકાય, જેને બૅગ કે ટી-શર્ટ પર લગાવી શકાય છે.
જિમ કે મૉર્નિંગ વૉક માટે બ્લેડલેસ એટલે કે પાંખિયા વગરના પોર્ટેબલ ફૅન્સ સુરક્ષિત અને સ્ટાઇલિશ વિકલ્પ છે.
એવા ઘણા પોર્ટેબલ ફૅન્સ મળે છે જેમાં પાછળના ભાગમાં એક નાનકડું કૉટન પૅડ હોય છે. એના પર તમારું મનપસંદ પરફ્યુમ અથવા ઍસેન્શિયલ ઑઇલનાં બે ટીપાં નાખો. ગરમીમાં ઠંડી હવા સાથે આખી ઑફિસ કે તમારી આસપાસનું વાતાવરણ સુગંધિત બની જશે.
જો તમે કોઈ ફંક્શનમાં જઈ રહ્યા હો તો ફાઉન્ડેશન કે મેકઅપ સેટિંગ સ્પ્રે લગાવ્યા બાદ ફૅનનો ઉપયોગ કરો. એનાથી મેકઅપ જલદી સેટ થઈ જશે અને પરસેવાને કારણે એ કેકી નહીં થાય.
જો તમારી સ્કિન ડ્રાય રહેતી હોય તો મિસ્ટ સુવિધાવાળો ફૅન ખરીદવો. એમાં રહેલી પાણીની નાની ટાંકી હવા સાથે પાણીનાં બારીક ટીપાં ઉડાડશે, જે ગરમીમાં કુદરતી AC જેવો અહેસાસ કરાવશે.
એવા ફૅન્સ પણ મળે છે જે પાવર-બૅન્ક તરીકે પણ કામ કરે છે. ટ્રાવેલિંગ દરમ્યાન જો તમારા ફોનની બૅટરી લો થઈ જાય તો આ ફૅન તમારા ફોનને ચાર્જ કરવામાં પણ મદદરૂપ થઈ શકે છે.